Madhya Pradesh News : બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી(Dhirendra Shastri)એ ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપ અંગે કરેલી ટિપ્પણી બાદ વિવાદ ઊભો થયો છે. અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેંચના વકીલ કૃષ્ણ કન્હૈયા પાલે માનહાનિ અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ તેમને કાનૂની નોટિસ મોકલી છે. નોટિસમાં 15 દિવસમાં બિનશરતી જાહેર માફી માંગવા જણાવાયું છે.
કથા દરમિયાન Dhirendra Shastriએ આપ્યું નિવેદન
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના કરૈરા ખાતે 29 ઓક્ટોબરે આયોજિત શ્રીરામ કથા(Shri Ram Katha)ના જાહેર મંચ પરથી ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણના સ્વરૂપની તુલના કરી હતી. આ દરમિયાન તેમણે ઉપહાસાત્મક ભાષાનો પ્રયોગ કર્યો હોવાનો આરોપ છે.
“શ્રીકૃષ્ણ ત્રણ જગ્યાએથી વાંકા છે”
વીડિયોમાં કથાવાચક કહેતા જોવા મળે છે કે રામજી સીધા ઊભા રહે છે, જ્યારે શ્રીકૃષ્ણ(Shri Krishna) ત્રણ જગ્યાએથી વાંકા છે. તેમણે પગ ઉપર પગ અને કમર લચકાવીને ઊભા રહેવાનો ઉલ્લેખ કર્યો અને નામ તથા ચાલને પણ વાંકા ગણાવ્યા હોવાનું કહેવાય છે. બંનેની સરખામણી કરતાં તેમણે વાંસળી વગાડવા અને ધનુષ્ય ચલાવવાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે વાંસળી વગાડવી એક રમત છે, પણ ધનુષ્ય ચલાવવું રમત નથી. આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં વ્યાપકપણે ફેલાયો છે.
કાનૂની નોટિસમાં બાબતને ગંભીર ગણાવાઈ
વકીલ કૃષ્ણ કન્હૈયા પાલે નોટિસમાં જણાવ્યું છે કે શ્રીકૃષ્ણના ત્રિભંગી સ્વરૂપ અને પાવન નામને વાંકું ગણાવવું એ માત્ર આરાધ્ય દેવનું અપમાન નથી, પરંતુ જેમનું નામ શ્રીકૃષ્ણ પર છે તેમની વ્યક્તિગત પ્રતિષ્ઠા પર પણ હુમલો છે. નોટિસ મુજબ આ કૃત્ય ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 299 અને 356 હેઠળ દંડનીય ગુનો બને છે.
15 દિવસમાં જાહેર માફીની માંગ
નોટિસમાં માંગ કરાઈ છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ નોટિસ મળ્યાના 15 દિવસમાં જાહેરમાં બિનશરતી માફી માંગવી અને ભવિષ્યમાં આવી ટિપ્પણી ન કરવાની લેખિત બાંહેધરી આપવી. આ સમયમર્યાદામાં માફી ન માંગે તો સક્ષમ અદાલતમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવાની ચેતવણી અપાઈ છે.
શાસ્ત્રીએ અગાઉ ક્ષમા માંગી હોવાના અહેવાલ
અહેવાલો મુજબ ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાદમાં વીડિયો જારી કરી નિવેદનને માત્ર ‘વિનોદ’ અથવા ‘ભાવ’ ગણાવી ક્ષમા માંગી હતી. જોકે વકીલનું કહેવું છે કે લાખો લોકો તેમની વાણીને અનુસરે છે, તેથી ભક્તોને થયેલી માનસિક અને આધ્યાત્મિક ઠેસ સાદા અનૌપચારિક ખુલાસાથી દૂર થઈ શકે નહીં અને તેમણે વિધિવત માફી માંગવી પડશે.
આ પણ વાંચો:ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ શાલીગ્રામ સામે હત્યાના પ્રયાસની FIR, ખેડૂતને ગોળી માર્યાનો આરોપ
આ પણ વાંચો:ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં ધૂણવાના મુદ્દે વિવાદ, કોંગ્રેસ નેતા જેની ઠુમ્મરના સવાલો
આ પણ વાંચો:ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં શું થયું? ધૂણતી મહિલાએ પત્રકાર પર કર્યો હુમલો
