New Delhi News: SIRની ડ્રાફ્ટ મતદારયાદીમાંથી (SIR Voter List) નામ બાકાત રહી ગયેલા જૂના મતદારો માટે ચૂંટણી પંચે મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. અગાઉ મતદાર તરીકે નોંધાયેલા નાગરિકોનું નામ ડ્રાફ્ટ યાદીમાં (Draft Voter List) ન હોય તો તેઓ અંતિમ મતદારયાદીમાં નામ સામેલ કરાવવા માટે ફરીથી Form-6 ભરી શકશે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે માત્ર અગાઉ મતદાર તરીકે નોંધાયેલા હોવા છતાં Form-6 ભરવાથી ખોટી ઘોષણા કરવાનો ગુનો બનતો નથી અને આવા કિસ્સામાં દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં.
SIR Voter List: જૂના મતદારો સામે પણ કાર્યવાહી નહીં થાય
દિલ્હી હાઈકોર્ટમાં ચાલેલા ‘નિલોત્પલ દત્તા અને અન્ય વિરુદ્ધ ભારતીય ચૂંટણી પંચ અને અન્ય’ કેસમાં આવેલા આદેશના સંદર્ભમાં ચૂંટણી પંચે આ સ્પષ્ટતા કરી છે. પંચના (Election Commission of India) જણાવ્યા અનુસાર, SIR દરમિયાન અથવા ત્યારબાદ Form-6 જમા કરાવનારા જૂના મતદારો સામે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 31 હેઠળ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં.
અગાઉ મતદાર તરીકે નોંધાયેલા હોવા છતાં ડ્રાફ્ટ યાદીમાં નામ ન હોય તો અંતિમ યાદીમાં સ્થાન મેળવવા માટે ફરીથી અરજી કરી શકાય છે. માત્ર આ કારણસર મતદારે ખોટી ઘોષણા કરી હોવાનું માની શકાય નહીં.
અન્ય મતવિસ્તારમાં નામ ન હોવું જરૂરી
જોકે, ચૂંટણી પંચે આ રાહત માટે એક મહત્ત્વની શરત પણ સ્પષ્ટ કરી છે. Form-6 ભરનાર વ્યક્તિનું નામ અન્ય કોઈ સંસદીય અથવા વિધાનસભા મતવિસ્તારની મતદારયાદીમાં પહેલેથી નોંધાયેલું ન હોવું જોઈએ. એટલે કે, જો મતદારનું નામ દેશના અન્ય કોઈ મતવિસ્તારમાં સક્રિય રીતે નોંધાયેલું ન હોય અને SIRની ડ્રાફ્ટ યાદીમાંથી પણ બાકાત રહી ગયું હોય, તો તે નવી નોંધણી માટે અરજી કરી શકશે.
સ્થાનિક ભાષામાં જાગૃતિ ફેલાવવા સૂચના
ચૂંટણી પંચે આ અંગેની ગેરસમજ દૂર કરવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય નિર્વાચન અધિકારીઓને સૂચનાઓ આપી છે. સ્થાનિક ભાષાઓ અને માધ્યમો દ્વારા મતદારો સુધી આ માહિતી પહોંચાડવા જણાવાયું છે, જેથી લોકો કાયદાકીય કાર્યવાહીનો ડર રાખ્યા વિના યોગ્ય રીતે Form-6 ભરી શકે.
જોકે, Form-6માં કરવામાં આવતી ઘોષણા કાયદાકીય જોગવાઈઓને અનુરૂપ અને સાચી હોવી જરૂરી છે. ચૂંટણી પંચની આ સ્પષ્ટતાથી SIRની ડ્રાફ્ટ મતદારયાદીમાં નામ ન ધરાવતા અને અન્ય કોઈ મતવિસ્તારમાં નોંધાયેલા ન હોય તેવા જૂના મતદારોને અંતિમ યાદીમાં નામ સામેલ કરાવવા માટે અરજી કરવાનો માર્ગ મળશે.
આ પણ વાંચો: SIRમાં મતદારોના ડેટાની તપાસ કયા સોફ્ટવેરથી થઈ? RTIમાં ચૂંટણી પંચનો જવાબ ચર્ચામાં
આ પણ વાંચો: SIR વિવાદ વચ્ચે ચૂંટણી પંચની IT વ્યવસ્થા સામે મોટો પડકાર
આ પણ વાંચો: SIR વિરુદ્ધ આજે દેશવ્યાપી પ્રદર્શન, CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ; દિલ્હી પોલીસ એલર્ટ
