Gandhinagar: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ વિઝનને સાકાર કરવાની દિશામાં અને કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા પ્રધાન અમિત શાહના નેતૃત્વ હેઠળ સહકારિતા મંત્રાલયે છેલ્લા વર્ષોમાં સહકારી ક્ષેત્રને મજબૂત, પારદર્શક અને આધુનિક બનાવવાના વ્યાપક સુધારા અમલમાં મૂક્યા છે.
આ જ દિશામાં, સહકારી સંસ્થાઓને માત્ર સંસ્થાગત માળખામાં સીમિત ન રાખીને સભ્યકેન્દ્રિત, આવકવર્ધક અને આત્મનિર્ભર આર્થિક એકમોમાં રૂપાંતરિત કરવાની ભાવનાથી 17 ફેબ્રુઆરી 2026ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકારિતા મંત્રીઓની ઉચ્ચસ્તરીય મંથન બેઠક યોજાશે. બેઠકની અધ્યક્ષતા અમિત શાહ કરશે.
Gandhinagar: તમામ રાજ્યોના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓની હાજરી
ગાંધીનગર ખાતેની બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકારિતા મંત્રીઓ સાથે વધારાના મુખ્ય સચિવ, મુખ્ય સચિવ તથા સચિવ સ્તરના અધિકારીઓ ભાગ લેશે. આ મંચ સહકારિતા મંત્રાલયની મુખ્ય પહેલોની સમીક્ષા, અત્યાર સુધીની પ્રગતિનું મૂલ્યાંકન અને રાજ્યો વચ્ચે શ્રેષ્ઠ પ્રથાઓના આદાનપ્રદાન માટે મહત્વપૂર્ણ રહેશે.

PACS, ડેરી અને માછીમારી સહકારીઓને પ્રોત્સાહન
બેઠકમાં 2 લાખ નવી બહુહેતુક પ્રાથમિક કૃષિ સહકારી સંસ્થાઓ (PACS), ડેરી અને માછીમારી સહકારી સંસ્થાઓની સ્થાપનાની પ્રગતિની ચર્ચા થશે, જેથી ગ્રામિણ અર્થતંત્રને નવી ગતિ મળી શકે.
વિશ્વની સૌથી મોટી અનાજ ભંડારણ યોજના હેઠળ દેશભરમાં આધુનિક ગોડાઉન નેટવર્કના વિસ્તરણ પર પણ વિચારણા થશે, જેનાથી ખેડૂતોને સારો સંગ્રહ, કિંમતોમાં સ્થિરતા અને બજારમાં સરળ પહોંચ સુનિશ્ચિત થશે.
રાષ્ટ્રીય સ્તરની નવી સહકારી સંસ્થાઓમાં રાજ્યોની ભૂમિકા
બેઠકમાં નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ (NCEL), નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ (NCOL) અને ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (BBSSL) જેવી રાષ્ટ્રીય સ્તરની નવી સહકારી સંસ્થાઓમાં રાજ્યોની સક્રિય ભાગીદારી અને ભૂમિકા પર ચર્ચા થશે. આ પહેલોથી નિકાસ, જૈવિક ખેતી અને ગુણવત્તાસભર બીજ પુરવઠાને નવી ઓળખ મળશે.
કાનૂની સુધારા અને સસ્ટેનેબિલિટી પર ભાર
રાજ્યોના સહકારિતા કાયદાઓમાં સમયાનુકૂળ સુધારા, 97મા બંધારણીય સુધારા અનુસાર મોડેલ અધિનિયમનો અમલ, સહકારી ખાંડ મિલોની આર્થિક કાર્યક્ષમતા વધારવા, ડેરી ક્ષેત્રમાં સર્ક્યુલરિટી અને સસ્ટેનેબિલિટી પ્રોત્સાહિત કરવા તેમજ અમૂલ અને એનડિડિબીના સહયોગથી નવી ડેરી સહકારી સંસ્થાઓ રચવા જેવા મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચા થશે.
બેંકિંગ, ડિજિટલાઈઝેશન અને માનવ સંસાધન વિકાસ
દાળ અને મકાઈ ઉત્પાદન વધારવા, સહકારી બેંકો સામેની પડકારોનો ઉકેલ, શેરડ સર્વિસ એન્ટિટી (SSE) અને અમ્બ્રેલા માળખાને મજબૂત બનાવવું, સભ્યતા વિસ્તરણ અને જાગૃતિ અભિયાનને ગતિ આપવી તથા અસરકારક મીડિયા-સંચાર વ્યૂહરચના વિકસાવવાના મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહેશે.
આ ઉપરાંત PACS અને રજીસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ (RCS) કચેરીઓના કમ્પ્યુટરીકરણ, રાષ્ટ્રીય સહકારી ડેટાબેઝના ઉપયોગ, માનવ સંસાધન વિકાસ અને National Cooperative Development Corporation (NCDC) યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે રાજ્યો પાસેથી અપેક્ષાઓ પર ચર્ચા થશે.
સહકારી સંઘવાદને મજબૂતી
આ મંથન બેઠક સહકારી સંઘવાદની ભાવનાને વધુ મજબૂત બનાવશે અને કેન્દ્ર-રાજ્યો વચ્ચે સંકલન વધારી સહકારિતાને ગ્રામ સ્તરે સમૃદ્ધિ, રોજગાર અને આત્મનિર્ભરતાનું અસરકારક સાધન બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
આ પણ વાંચો:સેવન્થ ડે સ્કૂલનો વિવાદ: 2,400 વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ ન આપ્યો
આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ પઢાર આદિવાસીઓમાં રોષ, માછીમારી પર પ્રતિબંધથી આજીવિકા જોખમમાં
આ પણ વાંચો: અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે કડક કાર્યવાહી
