Ahmedabad News: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં કેનેડાના વર્ક વિઝા અપાવવાના બહાને યુવક સાથે ₹16.52 લાખની છેતરપિંડી (Canada Visa Fraud) થયાની ઘટના સામે આવી છે. નહેરુનગર સ્થિત વિઝા એજન્સીના ડિરેક્ટરે 12થી 14 મહિનામાં વિઝા અપાવવાની ખાતરી આપી યુવક અને તેના પિતા પાસેથી અલગ-અલગ હપ્તામાં રૂપિયા મેળવ્યા હતા. જોકે, નક્કી કરેલી સમયમર્યાદા પૂરી થયા બાદ પણ વિઝા ન મળતાં યુવકે પોતાના રૂપિયા પરત માગ્યા હતા. એજન્ટે આપેલા બંને ચેક બાઉન્સ થતાં અને બાદમાં ફોન ઉપાડવાનું બંધ કરી દેતાં યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Canada Visa Fraud: કેનેડાના વર્ક વિઝાની લાલચ આપી ₹16.52 લાખ લીધા
મળતી માહિતી મુજબ, સેટેલાઈટ વિસ્તારમાં રહેતો (Satellite News) અને ફાર્મા કંપનીમાં નોકરી કરતો 26 વર્ષીય મયુર મકવાણા વર્ષ 2022માં કેનેડાના વર્ક વિઝા મેળવવા માગતો હતો. આ માટે તેણે અને તેના પિતાએ નહેરુનગર સ્થિત ડ્રીમ વર્લ્ડ હોલીડેઝના ડિરેક્ટર તપન જોષીનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદ મુજબ, તપન જોષીએ 12થી 14 મહિનામાં વર્ક વિઝા અપાવવાની ખાતરી આપી હતી. આ સમગ્ર પ્રક્રિયા માટે આશરે ₹23.60 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. જો વિઝા ન મળે તો ચૂકવેલા રૂપિયા પરત કરવાની બાંહેધરી પણ આપી હતી.
અલગ-અલગ હપ્તામાં ચૂકવ્યા રૂપિયા
આ અંગે MOU કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 7 ઓક્ટોબર 2022ના રોજ ₹7.44 લાખ અને 10 ઓક્ટોબર 2022ના રોજ ₹2 લાખના ચેક આપવામાં આવ્યા હતા. ત્યારબાદ એજન્ટે LMIA લેટર આવી ગયો હોવાનું જણાવી વધુ ₹58 હજાર અને ₹6.50 લાખના ચેક લીધા હતા.
આ રીતે યુવક અને તેના પિતાના બેંક ખાતામાંથી અલગ-અલગ હપ્તામાં કુલ ₹16.52 લાખ ચૂકવવામાં આવ્યા હતા.
રૂપિયા પરત આપવાના બંને ચેક બાઉન્સ થયા
લાંબો સમય વીતી જવા છતાં વિઝા ન મળતાં મયુરે એજન્ટ પાસે વારંવાર પૂછપરછ કરી હતી. કરાર મુજબ રૂપિયા પરત માગતાં તપન જોષીએ 23 જુલાઈ 2024ના રોજ ₹16.52 લાખનો ચેક આપ્યો હતો. જોકે, આ ચેક બેંકમાં જમા કરાવતાં બાઉન્સ થયો હતો.
ત્યારબાદ એજન્ટે ફરી સમય પસાર કર્યો હતો અને 5 એપ્રિલ 2025ના રોજ GSTની રકમ કાપીને ₹14 લાખનો બીજો ચેક આપ્યો હતો. જોકે, આ ચેક પણ બેંકમાં બાઉન્સ (Cheque Bounce Case) થયો હતો.
એજન્ટે ફોન ઉપાડવાનું બંધ કરતાં પોલીસ ફરિયાદ
બંને ચેક બાઉન્સ થયા બાદ યુવકે વારંવાર રૂપિયા પરત મેળવવા માટે એજન્ટનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યોગ્ય જવાબ ન મળતાં અને એજન્ટે ફોન ઉપાડવાનું બંધ કરી દેતાં આખરે મયુર મકવાણાએ તપન જોષી વિરુદ્ધ પોલીસ ફરિયાદ (Ahmedabad Crime News) નોંધાવી છે. કેનેડાના વર્ક વિઝા અપાવવાના બહાને ₹16.52 લાખ મેળવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાના આક્ષેપ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં જમીનના નામે 58.92 કરોડની છેતરપિંડી, 3 શખસો સામે ગુનો દાખલ
આ પણ વાંચો: શેરબજારમાં રોકાણના નામે ₹67.92 લાખની છેતરપિંડી, દુબઈ સુધી પહોંચ્યું નેટવર્ક
આ પણ વાંચો: ડેટિંગ એપ પર મિત્રતા કરી સુરતી યુવક સાથે રૂ.5.88 લાખની છેતરપિંડી, વારાણસીથી જિમ ટ્રેનરની ધરપકડ
