World News: અદાણી ગ્રુપ (Adani Group) હવે યુરોપના બંદરો (Adani Evos Acquisition) અને ઊર્જા સંગ્રહ ક્ષેત્રમાં પોતાની હાજરી વધારવા જઈ રહ્યું છે. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ)એ ડચ કંપની ઇવોસ B.V.ના 100 ટકા હિસ્સાના સંપાદન માટે કરાર કર્યો છે. આ સોદાનું એન્ટરપ્રાઇઝ મૂલ્ય 2.56 અબજ યુરો એટલે કે અંદાજે રૂ.22 હજાર કરોડથી વધુ છે. આ સંપાદનથી અદાણી ગ્રુપને યુરોપના પાંચ દેશોમાં ફેલાયેલા ઊર્જા અને ઔદ્યોગિક કેન્દ્રોમાં (Adani Ports Europe Expansion) પ્રવેશ મળશે.
Adani Evos Acquisition: રોકડમાં થશે સોદો, નિયમનકારી મંજૂરીઓ બાકી
APSEZ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, કંપની ઇવોસમાં 100 ટકા હિસ્સો તેના વર્તમાન માલિક ઇગ્નિયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાર્ટનર્સ પાસેથી ખરીદશે. આ સોદો સંપૂર્ણપણે રોકડમાં કરવામાં આવશે. ઇવોસનું એન્ટરપ્રાઇઝ મૂલ્ય 2.56 અબજ યુરો, જ્યારે ઇક્વિટી મૂલ્ય 1.18 અબજ યુરો નક્કી કરવામાં આવ્યું છે. અદાણી પોર્ટ્સ આ સંપાદન માટે દેવા મારફતે ભંડોળ ઊભું કરશે.
જોકે, આ સોદો પૂર્ણ કરવા માટે જરૂરી નિયમનકારી મંજૂરીઓ મેળવવાની અને કર્મચારીઓના પ્રતિનિધિ મંડળ સાથે પરામર્શની પ્રક્રિયા હજુ બાકી છે. તેથી હાલ આ સંપાદન કરારના તબક્કામાં છે.
પાંચ દેશોમાં ઇવોસના 8 ટર્મિનલ
નેધરલેન્ડ્સમાં મુખ્ય મથક ધરાવતી ઇવોસ યુરોપના પાંચ દેશો નેધરલેન્ડ્સ, જર્મની, સ્પેન, બેલ્જિયમ અને માલ્ટામાં કામગીરી કરે છે. કંપની પાસે આઠ પોર્ટ આધારિત ટર્મિનલ છે, જેની કુલ સંગ્રહ ક્ષમતા 63 લાખ ઘનમીટર છે.
આ ટર્મિનલ્સ એમ્સ્ટરડેમ-રોટરડેમ-એન્ટવર્પ વિસ્તાર, હેમ્બર્ગ અને ભૂમધ્ય સમુદ્રના મહત્ત્વપૂર્ણ બંદરો સહિતનાં મુખ્ય ઊર્જા અને ઔદ્યોગિક કેન્દ્રોમાં આવેલાં છે. અહીં પ્રવાહી ઉત્પાદનો અને ઊર્જા સંબંધિત ચીજોના સંગ્રહ માટેની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ સંપાદનથી APSEZની વૈશ્વિક લિક્વિડ સ્ટોરેજ અને ઊર્જા ક્ષેત્રે કામગીરીનો વ્યાપ વધશે.
2025માં 392 મિલિયન યુરોની આવક નોંધાવી
નાણાકીય કામગીરીની વાત કરીએ તો ઇવોસે કેલેન્ડર વર્ષ 2025 દરમિયાન 392 મિલિયન યુરોની આવક નોંધાવી હતી. આ સમયગાળામાં કંપનીનો EBITDA 219 મિલિયન યુરિયા રહ્યો હતો. તેના આધારે EBITDA માર્જિન આશરે 56 ટકા થાય છે. આ સોદાનું મૂલ્ય વર્ષ 2025ના EBITDAના 11.7 ગણા જેટલું છે.
વાર્ષિક 1 અબજ ટન કાર્ગો હેન્ડલ કરવાનો લક્ષ્યાંક
APSEZના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ આ સંપાદનને કંપની માટે મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, આ સોદો વાર્ષિક 1 અબજ ટન કાર્ગોનું સંચાલન કરવાની ક્ષમતા હાંસલ કરવા અને વૈશ્વિક સ્તરે સંકલિત પરિવહન પ્લેટફોર્મ ઊભું કરવાની દિશામાં મહત્ત્વનું પગલું છે.
કંપનીના અંદાજ મુજબ, સંપાદન બાદ સંયુક્ત વ્યવસાયનો પ્રો-ફોર્મા નેટ ડેટ-ટુ-EBITDA ગુણોત્તર 2.76 ગણો રહેશે, જે નાણાકીય વર્ષ 2027 સુધીમાં ઘટીને આશરે 2.5 ગણો થઈ શકે છે. અદાણી ગ્રુપને આશા છે કે આ સંપાદનથી યુરોપના ઊર્જા બજારમાં તેનો વ્યાપ વધશે અને ભવિષ્યમાં સ્વચ્છ ઊર્જા તરફના પરિવર્તન સાથે જોડાયેલી તકોનો લાભ લઈ શકશે.
આ પણ વાંચો: અદાણીની કંપનીનો નફો 148% ઉછળ્યો, છતાં શેરમાં ઘટાડો! જાણો શું છે કારણ
આ પણ વાંચો: કોલકાતામાં અદાણીનો મોટો ધમાકો, ₹4,000 કરોડથી બનશે શાનદાર હોસ્પિટલ
આ પણ વાંચો: શેરબજારમાં શાનદાર તેજી, અદાણી સહિતના શેરો ચમક્યા
