Sabarkantha News: હિંમતનગરમાં સાબર ડેરી અને સાબરકાંઠા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન તથા વાઇસ ચેરમેનની આગામી અઢી વર્ષની મુદત માટે શુક્રવારે યોજાનારી ચૂંટણી છેલ્લી ઘડીએ મુલતવી રાખવામાં આવી (Sabarkantha Election) છે. બંને સહકારી સંસ્થાઓમાં પદ મેળવવા માટે ભાજપના જ ડિરેક્ટરો વચ્ચે ખેંચતાણ અને બળવાની શક્યતા ઊભી થતાં આ નિર્ણય લેવાયો હોવાનું સહકારી ક્ષેત્રમાં ચર્ચાઈ રહ્યું છે. ચૂંટણી મોકૂફ રહેતાં સહકારી આલમમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.
Sabarkantha Election: બળવાની શક્યતાને પગલે ચૂંટણી મોકૂફ
સાબર ડેરી (Sabarmati Dairy Election)માં વર્તમાન ચેરમેન શામળ પટેલ (Shamal Patel) સામે અસંતોષ હોવાનું કહેવાય છે. બીજી તરફ, મૂળ કોંગ્રેસી પૃષ્ઠભૂમિ ધરાવતા ડો. વિપુલ પટેલ (Vipul Patel)ને ચેરમેન બનાવવાની શક્યતા અંગે પણ ચર્ચા ચાલી રહી હતી. વિપુલ પટેલને સમર્થન આપતા કેટલાક ડિરેક્ટરો એકજૂથ થતાં ભાજપની નેતાગીતી સામે આંતરિક અસંતોષનો પ્રશ્ન ઊભો થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.
ચૂંટણી પહેલાં પ્રદેશ કક્ષાએથી ભાજપના ત્રણ નિરીક્ષકો ડિરેક્ટરોનો મત જાણવા હિંમતનગર આવ્યા હતા. આ દરમિયાન ડિરેક્ટરો વચ્ચે જૂથબંધી હોવાનો અંદાજ આવ્યો હતો. ચેરમેન પદ માટે સમર્થન મેળવવાની ખેંચતાણ અને ડિરેક્ટરોની સોદાબાજીની ચર્ચાઓએ મામલાને વધુ ગંભીર બનાવ્યો હતો.
ગાંધીનગરમાં ડિરેક્ટરોને તાકીદ
સાબર ડેરીમાં ચાલી રહેલી ખેંચતાણની જાણ પ્રદેશ નેતાગીતી સુધી પહોંચતાં 4 તારીખની રાત્રે ડિરેક્ટરોને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા. અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રીના નિવાસસ્થાને પ્રદેશ સંગઠન મહામંત્રી અને ઉત્તર ગુજરાત ઝોનના પ્રભારીએ ડિરેક્ટરો સાથે બેઠક કરી હતી.
બેઠકમાં સંસ્થામાં ચાલી રહેલી ખેંચતાણ અને પક્ષની છબીને નુકસાન પહોંચે તેવી સ્થિતિ અંગે નારાજગી વ્યક્ત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સાથે જ ચેરમેન અને વાઇસ ચેરમેન માટે પક્ષ તરફથી જે નામ નક્કી કરવામાં આવે તેને સર્વસંમતિથી સ્વીકારવાની સૂચના અપાઈ હોવાની ચર્ચા છે.
ભરતી અને ભ્રષ્ટાચારના આક્ષેપોથી વિવાદ વકર્યો
આ વખતે સાબર ડેરીની ચૂંટણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો, ડિરેક્ટરોની કથિત સોદાબાજી અને કામદારોની ભરતીના મુદ્દાઓ પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. ઉમેદવારોને હંગામી નોકરી આપવા અને કાયમી નિમણૂકના મુદ્દે નાણાંની લેવડદેવડના આક્ષેપો પણ સામે આવ્યા છે.
ડિરેક્ટરોની સોદાબાજી માટે રૂ. 2 કરોડ સુધીની ચર્ચા થઈ હોવાની વાતો પણ સહકારી વર્તુળોમાં ચાલી રહી છે. જોકે, આ આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. આવી સ્થિતિમાં ચેરમેન પદ માટેની ખેંચતાણ વધુ ન વકરે અને પક્ષમાં બળવાની સ્થિતિ ઊભી ન થાય તે માટે ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે.
હાલ સાબર ડેરી અને સાબરકાંઠા મધ્યસ્થ સહકારી બેંકની ચૂંટણીનો નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી. બંને સંસ્થાઓ માટે નવેસરથી ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો: ખેરાલુ નાગરિક બેંકની ચૂંટણી પર ફરી ગ્રહણ, હાઈકોર્ટે છેલ્લી ઘડીએ આપ્યો સ્ટે
આ પણ વાંચો: મહેસાણા : અર્બન બેંકની ચૂંટણી પહેલા કોલ રેકોર્ડિંગ વાયરલ
આ પણ વાંચો: મહેસાણા અર્બન બેંકની ચૂંટણી સમરસ કરવા બે મંત્રીઓ મેદાને
