USA News/ ટ્રમ્પને મળી હનુમાન ચાલીસા, વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી

આ ઉજવણીમાં સૌથી વધુ ચર્ચા પ્રમુખ ટ્રમ્પને ભેટમાં આપવામાં આવેલી હનુમાન ચાલીસા (Hanuman Chalisa)ની થઈ રહી છે

World Top Stories
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ભારતીય-અમેરિકન સમુદાયના અગ્રણી લોકો સાથે દિવાળીના પર્વની ભવ્ય ઉજવણી (Donald Trump Diwali Celebration)કરી હતી. જેમાં ટ્રમ્પને હનુમાન ચાલીસા (Hanuman Chalisa)ભેટમાં આપવામાં આવી હતી

Usa News : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ભારતીય-અમેરિકન સમુદાયના અગ્રણી લોકો સાથે દિવાળીના પર્વની ભવ્ય ઉજવણી (Donald Trump Diwali Celebration)કરી હતી. જેમાં ટ્રમ્પને હનુમાન ચાલીસા (Hanuman Chalisa)ભેટમાં આપવામાં આવી હતી. વ્હાઇટ હાઉસની ઐતિહાસિક ઓવલ ઓફિસમાં આયોજિત આ ખાસ કાર્યક્રમમાં ટ્રમ્પે પરંપરાગત દીવો પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને ભારતીય મૂળની જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. જોકે, આ ઉજવણીમાં સૌથી વધુ ચર્ચા પ્રમુખ ટ્રમ્પને ભેટમાં આપવામાં આવેલી હનુમાન ચાલીસા (Hanuman Chalisa)ની થઈ રહી છે.

ઓવલ ઓફિસમાં દીવો પ્રગટાવી દિવાળીની ઉજવણી

વ્હાઇટ હાઉસમાં આયોજિત દિવાળીના ખાસ કાર્યક્રમ દરમિયાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પરંપરાગત દીવો પ્રગટાવીને ઉજવણીની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી કમિશનર અર્જુન મોદી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિનિધિત્વ કરતા આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય સાથે દિવાળીના પર્વનો સંદેશ આપવામાં આવ્યો હતો. ભારતીય-અમેરિકન સમુદાય માટે પણ આ ઉજવણી ખાસ મહત્વ ધરાવતી રહી હતી.

ભારત-અમેરિકાના અનેક દિગ્ગજો રહ્યા હાજર

દિવાળીના આ કાર્યક્રમમાં ભારત અને અમેરિકાની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા, જાણીતા શેફ વિકાસ ખન્ના અને ટેક ઉદ્યોગપતિ વિશાલ ગોંડલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત IBMના સીઈઓ અરવિંદ કૃષ્ણા, FBI ડિરેક્ટર કશ પટેલ, માઇક્રોન ટેકનોલોજીના સંજય મેહરોત્રા અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડિરેક્ટર જય ભટ્ટાચાર્ય પણ કાર્યક્રમમાં જોડાયા હતા. રૂબી ઢલ્લા, રાજીવ શર્મા, વિશ્વજીત મલ્લામ્પાટી, હેતલકુમાર પટેલ અને વ્હાઇટ હાઉસના ઇવેન્ટ્સ અશર અરવિંદ ચઢ્ઢા સહિતના મહાનુભાવોએ પણ હાજરી આપી હતી.

ટ્રમ્પને ભેટમાં મળી હનુમાન ચાલીસા

વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી દરમિયાન એક ખાસ ભેટની પણ ચર્ચા થઈ રહી છે. GOQii ટેકનોલોજીના સ્થાપક વિશાલ ગોંડલે (Vishal Gondal)અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને હનુમાન ચાલીસા ભેટ (Hanuman Chalisa Gift)માં આપી હતી.

વિશાલ ગોંડલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ પ્રસંગની તસવીરો શેર કરીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પને હનુમાન ચાલીસા ભેટમાં આપવાની તક મળવી તેમના માટે ગૌરવની ક્ષણ છે. સાથે જ તેમણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને અને અંધકાર પર પ્રકાશના વિજયનો સંદેશ વિશ્વભરમાં ફેલાય તેવી પ્રાર્થના કરી હતી.

વ્હાઇટ હાઉસમાં ક્યારથી ઉજવાય છે દિવાળી?

અમેરિકાના વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણીની પરંપરા વર્ષ 2003માં તત્કાલીન પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ. બુશના કાર્યકાળ દરમિયાન શરૂ થઈ હતી. શરૂઆતના વર્ષોમાં આ કાર્યક્રમો આઇઝનહોવર એક્ઝિક્યુટિવ ઓફિસ બિલ્ડિંગમાં યોજાતા હતા.

ત્યારબાદ વર્ષ 2009માં પ્રમુખ બરાક ઓબામાએ વ્હાઇટ હાઉસના ઈસ્ટ રૂમમાં દીવો પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરી હતી. તેઓ આ સ્થળે દીપ પ્રાગટ્ય કરનારા પ્રથમ અમેરિકન પ્રમુખ બન્યા હતા. ત્યારથી વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી અમેરિકામાં વસતા ભારતીય સમુદાય (Indian American Community)માટે વિશેષ મહત્વ ધરાવતી પરંપરા બની છે. આ ઉજવણી ભારત અને અમેરિકા વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને પણ ઉજાગર કરે છે.


આ પણ વાંચો: ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી, ભારતીય-અમેરિકનોને શુભેચ્છાઓ પાઠવી; પીએમ મોદી વિશે આ કહ્યું

આ પણ વાંચો: બાઇડેને વ્હાઇટ હાઉસમાં દિવાળીની કરી ભવ્ય ઉજવણી

આ પણ વાંચો: વ્હાઇટ હાઉસમાં ‘ઓમ જય જગદીશ હરે’ ગૂંજ્યું, દિવાળી પર વીડિયો થયો વાયરલ