Ranpur Voter List Controversy: બોટાદ જિલ્લાના રાણપુરમાં મતદાર યાદી સુધારણાની કામગીરી દરમિયાન એક મોટી બેદરકારી સામે આવતા ભારે હોબાળો મચી ગયો છે. S.I.R. (Special Information Report) કામગીરીમાં ગંભીર ગેરરીતિની આશંકા વચ્ચે તંત્ર દ્વારા જીવિત નાગરિકોને પણ ‘નામ કમી’ કરવાની નોટિસ ફટકારવામાં આવતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Ranpur : શું છે સમગ્ર વિવાદ?
રાણપુરમાં મતદાર યાદી શુદ્ધિકરણની પ્રક્રિયા દરમિયાન તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં કુલ 112 જેટલા નાગરિકોને ‘ફોર્મ નં. 7’ હેઠળ નામ કમી કરવાની નોટિસ ફટકારવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે આ યાદીમાં એવા નાગરિકોના નામ પણ સામેલ છે જેઓ રાણપુરના જ કાયમી રહીશ છે, જીવિત છે અને દર વખતે નિયમિત મતદાન કરે છે. વહીવટી તંત્રની આ ભૂલને ટેકનિકલ ખામીને બદલે લોકો મોટી ગેરરીતિ અને બેદરકારી ગણાવી રહ્યા છે.

મામલતદાર કચેરીએ હોબાળો અને રજૂઆત
રાણપુરના નાગરિકોએ આ અન્યાય સામે લાલઆંખ કરી છે અને મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ ઉમટી પડી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. તમામ 112 અસરગ્રસ્તોએ સંયુક્ત લેખિત અરજી આપીને રજૂઆત કરી છે કે તેમના નામ મતદાર યાદીમાં યથાવત્ રાખવામાં આવે. સ્થાનિક રહીશોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ ગંભીર ભૂલ સુધારીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
તંત્રનો બચાવ
હોબાળા બાદ રાણપુર મામલતદાર કચેરી દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવાની અને કોઈ પણ અન્યાય નહીં થવા દેવાની ખાતરી આપવામાં આવી છે. જોકે, ચૂંટણી જેવી સંવેદનશીલ પ્રક્રિયામાં આવી બેદરકારી કેમ થઈ તે એક મોટો સવાલ છે.
