Ahmedabad News/ અમદાવાદમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી: 3 અલગ કેસમાં લાખોનો સામાન ગાયબ

ભાડજની કન્સ્ટ્રક્શન સાઇટમાંથી ₹8.64 લાખના નળ-વાલ્વ (Bhadaj construction site theft) ચોરાયા. ઘાટલોડિયા અને કાલુપુરમાં જડતરકામના નામે લાખોના સોનાના દાગીના પરત ન આપ્યાની ફરિયાદ.

Gujarat Top Stories Ahmedabad Breaking News
Bhadaj construction site theft: અમદાવાદમાં બે વેપારીઓને ₹76 લાખનો ફટકો

Ahmedabad News: અમદાવાદમાં ચોરી અને સોનાના દાગીના પડાવી લેવાની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. ભાડજની કન્સ્ટ્રક્શન સાઇટની ઓફિસમાંથી મોંઘા નળ અને વાલ્વ સહિત રૂ.8.64 લાખનો સામાન (Bhadaj construction site theft) ચોરાયો છે. જ્યારે ઘાટલોડિયામાં જડતરકામ માટે આપેલા રૂ.27.60 લાખના સોનાના દાગીના લઈને કારીગર ફરાર થઈ (Gold jewellery fraud) ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત, કાલુપુરના સોના-ચાંદીના વેપારી પાસેથી જડતરકામના બહાને રૂ.48.60 લાખના દાગીના લઈ વેપારીનો સંપર્ક બંધ કરી દેવામાં આવ્યો હોવાની ફરિયાદ પણ સામે આવી છે.

Bhadaj construction site theft: ઓફિસમાંથી રૂ.8.64 લાખનો સામાન ગાયબ

સાણંદમાં રહેતા અને ભાડજની કન્સ્ટ્રક્શન સાઇટ પર સેલ્સનું કામ કરતા 28 વર્ષીય ઉત્સવ શાહે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ભાડજમાં આવેલી અલભ્ય કન્સ્ટ્રક્શનની નવી સાઇટ પર 6 નવેમ્બરે સાંજે 6 વાગ્યે તેમના શેઠ અનીસ પટેલ ઓફિસ બંધ કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે 11 વાગ્યે ઉત્સવ શાહ ઓફિસે પહોંચ્યા ત્યારે સ્લાઇડર બારી ખુલ્લી હતી અને અંદરનો સામાન વેરવિખેર પડ્યો હતો. અજાણ્યો શખસ બારીનો કાચ ખોલીને અથવા લોક તોડીને ઓફિસમાં ઘૂસ્યો હોવાની આશંકા છે.

ઓફિસમાં તપાસ કરતાં કોહલર કંપનીના બાથરૂમના નળ અને એસેસરીઝ ગાયબ હોવાનું જણાયું હતું. ચોરાયેલા સામાનમાં રૂ.1.10 લાખના 22 મેન્યુઅલ વાલ્વ, રૂ.1.10 લાખથી વધુની 24 વાલ્વ એસેમ્બલી, રૂ.4.63 લાખથી વધુના 7 થર્મોસ્ટેટિક વાલ્વ, રૂ.1.29 લાખના 7 શાવર આર્મ અને રૂ.50,400ના અન્ય 14 વાલ્વનો સમાવેશ થાય છે. કુલ રૂ.8,64,050નો સામાન ચોરાયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જડતરકામ માટે આપેલા રૂ.27.60 લાખના દાગીના લઈને કારીગર ગાયબ

બીજી ઘટનામાં ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા અને ઘરેથી સોનાના દાગીનાનું જડતરકામ કરતા 50 વર્ષીય રાજેશભાઈ વિરજીભાઈ પટેલે લક્ષ્મીનારાયણ મદનલાલ સોની સામે ફરિયાદ (Ghatalodia gold fraud) નોંધાવી છે. ફરિયાદ મુજબ, રાજેશભાઈએ 30 ઓક્ટોબરે 184.910 ગ્રામનો સોનાનો સેટ અને 49.500 ગ્રામની બુટ્ટીની જોડી જડતરકામ માટે લક્ષ્મીનારાયણને આપી હતી. ત્યારબાદ 1 નવેમ્બરે 19.850 ગ્રામનું સોનાનું કુંદન અને 2 નવેમ્બરે બીજા 21.790 ગ્રામના સોનાના પીસ પણ કામ માટે આપ્યા હતા.

2 નવેમ્બરે રાજેશભાઈએ દાગીના પરત મેળવવા માટે લક્ષ્મીનારાયણને ફોન કર્યો હતો, પરંતુ તેણે ફોન ઉપાડ્યો નહોતો. ત્યારબાદ તેઓ નિર્ણયનગરમાં આવેલા તેના ઘરે પહોંચ્યા ત્યારે ઘર બંધ હતું. અન્ય કારીગરો અને ઓળખીતા લોકો પાસે તપાસ કરવા છતાં તેનો કોઈ પત્તો મળ્યો નહોતો. ફરિયાદ મુજબ, લક્ષ્મીનારાયણ કુલ 276.050 ગ્રામ વજનના અને રૂ.27,60,500ની કિંમતના સોનાના દાગીના પરત આપ્યા વિના ગાયબ થઈ ગયો છે.

કાલુપુરના વેપારી પાસેથી રૂ.48.60 લાખના દાગીના લીધા

ત્રીજી ઘટનામાં મણિનગરમાં રહેતા અને કાલુપુરમાં સોના-ચાંદીના દાગીનાનો વેપાર કરતા 56 વર્ષીય નાબકુમાર ધોરાઈએ નવા વાડજની એસ.એસ. ઓર્નામેન્ટ્સ દુકાન સાથે સંકળાયેલા દિપેન અશોકભાઈ સોની, પાર્થ ઉર્ફે પરેશ જીગ્નેશભાઈ સોની અને ખુશ્બુ દિપેનભાઈ સોની સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, જડતરકામ માટે કારીગરની જરૂર હોવાથી તેમના મેનેજરે આ ત્રણેયનો સંપર્ક કરાવ્યો હતો. સપ્ટેમ્બર 2025માં આરોપીઓએ શરૂઆતમાં સોનાની વીંટીઓ અને અન્ય દાગીના બનાવી આપ્યા હતા અને બદલામાં 24 કેરેટ સોનાના બિસ્કિટ આપીને વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ વારંવાર લેવડદેવડ કરીને વેપારીનો વિશ્વાસ કેળવ્યો હતો. લાંબા ગાળાના ધંધા માટે કરાર કરવાની વાત થતાં આરોપીઓએ વિશ્વાસની વાતો કરીને કરાર કરવાનું ટાળ્યું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

14 ડિસેમ્બર 2025ના રોજ દિપેને 12 સેટ સોનાના દાગીનાનો ઓર્ડર આપ્યો હતો. ત્યારબાદ 23 ડિસેમ્બરે ફરિયાદી પોતાના કારીગર સાથે 332.350 ગ્રામ વજનના 6 સેટ આરોપીઓની દુકાને આપવા ગયા હતા. ત્યાં ખુશ્બુ સોનીએ કાચી રસીદ આપી હતી અને બીજા દિવસે સોનાના બિસ્કિટ આપવાનું જણાવ્યું હતું. એ જ દિવસે રાત્રે પાર્થ સોની કાલુપુરની દુકાને આવીને પેન્ડલ, મંગળસૂત્ર અને કાનની સેર સહિત બીજા 143.920 ગ્રામ સોનાના દાગીના (Kalupur jeweller cheating) લઈ ગયો હતો.

ફરિયાદ મુજબ, અગાઉના બાકી હિસાબ સહિત કુલ 486.270 ગ્રામ સોનાના દાગીના, જેની કિંમત અંદાજે રૂ.48,60,000 થાય છે, આરોપીઓ પાસે હતા. 24 ડિસેમ્બરે વેપારીએ પેમેન્ટ માટે ફોન કરતાં આરોપીઓએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું અને દુકાન પણ બંધ કરી દીધી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.


આ પણ વાંચો: અમદાવાદમાં મોબાઇલ સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ, સેટેલાઇટમાંથી 52 ચોરીના મોબાઇલ સાથે બે આરોપી ઝડપાયા

આ પણ વાંચો: અમદાવાદમાં ગરબા રમવા ગયા કર્મચારીઓ, વસ્ત્રાપુરની ઓફિસમાંથી 47 લેપટોપની ચોરી

આ પણ વાંચો: અમદાવાદમાં પાર્સલ પેઢીમાંથી રૂ. 45.29 લાખની ચોરી, બે સગા ભાઈઓ ઉત્તર પ્રદેશથી ઝડપાયા