Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં સોમવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત (Muzaffarnagar Car Accident) સર્જાયો હતો. પાનીપત-ખટીમા નેશનલ હાઇવે પર પૂરપાટ ઝડપે જતી ઓરા કાર વીજળીના થાંભલા સાથે અથડાયા બાદ ડિવાઇડર તોડીને પલટી ગઈ હતી. અકસ્માત બાદ કારમાં આગ લાગી જતાં એક મહિલા સહિત છ લોકોનાં મોત થયાં હતાં.
Muzaffarnagar Car Accident: 120 કિમીની ઝડપે જતી કારનો અકસ્માત
આ દુર્ઘટના સવારે લગભગ 5 વાગ્યે તિતાવી પોલીસ સ્ટેશન વિસ્તારના જગ્ગાહેડી પાસે બની હતી. કારમાં કુલ છ લોકો સવાર હતા. તમામ હરિયાણાના જીંદના રહેવાસી હતા (Haryana Passengers) અને હરિદ્વાર જઈ રહ્યા હતા (Haridwar Journey). પ્રાથમિક માહિતી મુજબ, કારની ઝડપ આશરે 120 કિમી પ્રતિ કલાક હતી.
કાર પહેલાં વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે થાંભલો તૂટી ગયો હતો. ત્યારબાદ કાર ડિવાઇડર તોડીને સામેની લેનમાં પહોંચી પલટી ગઈ હતી. અકસ્માત બાદ કારમાં આગ લાગી (Car Fire Accident) હતી.

એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ
રાહદારીઓની જાણકારી મળતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. લગભગ એક કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં કારમાં સવાર તમામ છ લોકોનાં મોત થઈ ચૂક્યાં હતાં.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કારની ઝડપ ખૂબ વધારે હતી. અકસ્માત બાદ કારમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને થોડી જ વારમાં આગ ફેલાઈ ગઈ હતી. આગને કારણે કોઈને કારની નજીક જઈને મદદ કરવાની તક મળી નહોતી.

મૃતકોની ઓળખ માટે તપાસ
અકસ્મતમાં મૃત્યુ પામેલા છ લોકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને ઓળખની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અકસ્માત બાદ હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિકને અસર થઈ હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ગીઝામાં ટ્રેન અકસ્માતથી હાહાકાર! 4 ડબ્બા પાટા પરથી ખડી પડતા 120 લોકોને ઈજા, સરકારે આપ્યા તપાસના આદેશ
આ પણ વાંચો: દિવાળી પહેલાં અમદાવાદના રસ્તા બન્યા જીવલેણ! અલગ-અલગ 4 અકસ્માતમાં 2 મહિલા સહિત 4નાં મોત, વાહનચાલકો ફરાર
આ પણ વાંચો: ઉત્તરકાશીમાં ગુજરાતના પટેલ પરિવારને નડ્યો અકસ્માત, ઈનોવા કાર નદીમાં ખાબકતાં 4નાં મોત, બે મહિલા ગુમ
