Maharashtra News : મહારાષ્ટ્રના ધારાશિવ (Dharashiv)જિલ્લામાં દિવાળીના તહેવાર વચ્ચે આગની (Maharashtra Fire)એક અત્યંત દુઃખદ ઘટના બની છે. ધારાશિવ તાલુકાના યેદશી ગામમાં મધરાતે કરિયાણાની દુકાનમાં ભીષણ આગ(Yedshi Village Fire)ફાટી નીકળતાં એક જ પરિવારના છ સભ્યોનાં મોત (Six Family Members Dead)થયા છે. મૃતકોમાં વૃદ્ધ માતા-પિતા, પતિ-પત્ની અને તેમની બે પુત્રીઓનો સમાવેશ થાય છે. આ ઘટનામાં પરિવારનો એક સભ્ય બચી જવામાં સફળ રહ્યો હતો. આગની આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
Maharashtra Fire : યેદશી ગામમાં મધરાતે આગથી અફરાતફરી
મળતી માહિતી મુજબ, યેદશી ગામમાં ગોવિંદ કરંડે કરંડે ગ્રોસરી એન્ડ જનરલ સ્ટોર (Grocery Store Fire)નામથી કરિયાણાની દુકાન ચલાવતા હતા. તેમનો પરિવાર દુકાનની ઉપરના માળે આવેલા મકાનમાં રહેતો હતો. મધરાતની આસપાસ અચાનક દુકાન અને રહેણાક મકાનમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર મકાનમાં ધુમાડો ફેલાઈ ગયો હતો.
ઊંઘમાં જ પરિવાર આગની લપેટમાં ફસાયો
આગ લાગતી વખતે પરિવારના સભ્યો ઘરમાં સૂતા હતા. આગની સાથે ફેલાયેલા ગાઢ ધુમાડાને કારણે પરિવારના સભ્યોને બહાર નીકળવાની તક મળી નહોતી. ધુમાડામાં ગૂંગળામણ થવાથી પરિવારના છ સભ્યોનાં મોત (Six Family Members Dead)થયા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે, મૃતકોમાં પરિવારના વૃદ્ધ માતા-પિતા, એક દંપતી અને તેમની બે દીકરીઓનો સમાવેશ થાય છે. જોકે, પરિવારનો એક સભ્ય આ દુર્ઘટનામાંથી બચી ગયો હતો.
ગ્રામજનો અને ફાયર બ્રિગેડે હાથ ધરી બચાવ કામગીરી
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. ગ્રામજનોએ આગ ઓલવવા અને મકાનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા પ્રયાસો કર્યા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લાંબા સમય સુધી આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી હતી. જોકે, આગ અને ધુમાડાના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
હોસ્પિટલમાં છ લોકોનાં મોતની પુષ્ટિ
બચાવ કામગીરી બાદ અસરગ્રસ્ત લોકોને ધારાશિવની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબોએ ચાર લોકોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે સારવાર અને તપાસ દરમિયાન અન્ય બે લોકોનાં પણ મોત થયાં હતાં. આમ, આ દુર્ઘટનામાં એક જ પરિવારના કુલ છ સભ્યોએ જીવ ગુમાવ્યા છે. એકસાથે છ લોકોનાં મોતથી યેદશી ગામમાં માતમ છવાઈ ગયો છે.
દિવાળીના દીવાને કારણે આગ લાગી હોવાની આશંકા
પ્રાથમિક તપાસમાં દિવાળીના તહેવાર દરમિયાન ઘરમાં પ્રગટાવવામાં આવેલા દીવાને કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આગનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસ અને સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આગ લાગવાનું સાચું કારણ સ્પષ્ટ થશે.
