World News: દુનિયાની અગ્રણી ટેક કંપની Nvidiaના CEO જેન્સન હુઆંગ(Jensen Huang)ની સંપત્તિમાં માત્ર 30 મિનિટમાં 7.4 અબજ ડોલરનો ઘટાડો થયો છે. કંપનીના શેરમાં ભારે ઘટાડો થતાં ફોર્બ્સની રિયલ ટાઇમ અબજોપતિઓની યાદીમાં તેઓ આઠમા સ્થાનેથી 10મા સ્થાને પહોંચી ગયા હતા. ચીનની ગુપ્તચર એજન્સી સાથે કથિત સંબંધો ધરાવતી મહિલા સાથેના તેમના સંબંધોના અહેવાલો બાદ Nvidiaના બોર્ડે સ્વતંત્ર તપાસ શરૂ કરી છે. આ સમગ્ર વિવાદની વચ્ચે હુઆંગે પોતાની પત્ની સાથે બેવફાઈ કરી હોવાની પણ કબૂલાત કરી છે.
ફોર્બ્સે જાહેર કર્યા સંપત્તિના આંકડા
ફોર્બ્સના અહેવાલ અનુસાર, સોમવારે અમેરિકન શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાં પહેલાં જેન્સન હુઆંગની કુલ સંપત્તિ 162.2 અબજ ડોલર હતી. જોકે, બજાર શરૂ થયાના પ્રથમ 30 મિનિટમાં જ તેમની સંપત્તિ ઘટીને 154.7 અબજ ડોલર થઈ ગઈ હતી.
આમ, માત્ર અડધા કલાકમાં તેમની સંપત્તિમાં આશરે 7.4 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો. ભારતીય ચલણમાં આ રકમ આશરે રૂ. 70,300 કરોડ થાય છે. Nvidiaના શેર પ્રી-માર્કેટ ટ્રેડિંગ દરમિયાન 7 ટકાથી વધુ ઘટ્યા હતા. ત્યારબાદ અમેરિકી સમય અનુસાર બપોરે 1:30 વાગ્યે પણ શેર આશરે 5.5 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યા હતા.
આ ઘટાડાની સીધી અસર હુઆંગની અબજોપતિઓની રેન્કિંગ પર પડી હતી. તેઓ ફોર્બ્સની યાદીમાં આઠમા સ્થાનેથી 10મા સ્થાને સરકી ગયા હતા.
30 મિનિટમાં કેમ ઘટી ગઈ જેન્સન હુઆંગ(Jensen Huang)ની સંપત્તિ?
જેન્સન હુઆંગની મોટાભાગની સંપત્તિ Nvidiaમાં તેમની માલિકીના શેર સાથે જોડાયેલી છે. આથી કંપનીના શેરના ભાવમાં ઘટાડો થાય ત્યારે તેમની વ્યક્તિગત સંપત્તિનું મૂલ્ય પણ ઘટે છે. તાજેતરમાં હુઆંગ અને એલિસ હુઆંગ નામની એક મહિલા સાથે જોડાયેલા અહેવાલો સામે આવ્યા છે. એલિસ હુઆંગ ચીનની નાગરિક છે અને અગાઉ સિંગાપોર સ્થિત ડેટા સેન્ટર કંપની Megaspeed Internationalમાં વરિષ્ઠ અધિકારી તરીકે કામ કરી ચૂકી છે.
‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ના અહેવાલો અનુસાર, અમેરિકાની ગુપ્તચર એજન્સીઓને શંકા હતી કે એલિસ હુઆંગને ચીનની ગુપ્તચર એજન્સી દ્વારા જેન્સન હુઆંગ પાસેથી માહિતી મેળવવા માટે નિમવામાં આવી હતી.
આ અહેવાલો બાદ Nvidiaના CEO વિદેશી ગુપ્તચર પ્રવૃત્તિનું નિશાન બન્યા હતા કે કેમ તે અંગે સવાલો ઊભા થયા છે. જોકે, એલિસ હુઆંગ સામેના જાસૂસીના આરોપો હજુ સાબિત થયા નથી. ચીને પણ આ આરોપોને ફગાવીને પાયાવિહોણા ગણાવ્યા છે.
Nvidiaના બોર્ડે શરૂ કરી સ્વતંત્ર તપાસ
આ વિવાદને ગંભીરતાથી લેતાં Nvidiaના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 8 નવેમ્બરે સ્વતંત્ર તપાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ તપાસ માટે સ્વતંત્ર ડિરેક્ટર્સની એક સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિને બહારના સ્વતંત્ર કાયદાકીય નિષ્ણાતો પણ મદદ કરશે.
કંપનીના બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે હાલ તેની પાસે એવું માનવાનું કોઈ કારણ નથી કે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અથવા Nvidiaની ગુપ્ત માહિતી સાથે ચેડાં થયાં છે. જોકે, તપાસ દરમિયાન ઉપલબ્ધ તમામ માહિતીને ધ્યાનમાં લેવામાં આવશે.
જેન્સન હુઆંગે પણ તપાસને સંપૂર્ણ સહયોગ આપવાની સંમતિ આપી છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ CEO તરીકે પોતાની જવાબદારી નિભાવવાનું ચાલુ રાખશે.
પત્ની સાથે બેવફાઈની કબૂલાતથી પણ ચર્ચામાં આવ્યા
આ સમગ્ર વિવાદ વચ્ચે 8 નવેમ્બરે જેન્સન હુઆંગે Nvidiaના કર્મચારીઓને એક સંદેશ મોકલ્યો હતો. આ સંદેશમાં તેમણે પોતાની પત્ની લોરી હુઆંગ સાથે બેવફાઈ કરી હોવાની કબૂલાત કરી હતી. તેમણે લખ્યું હતું કે તેમણે પોતાની પત્નીને દગો આપ્યો છે અને તેમના આ પગલાથી પત્ની તથા બાળકોને દુઃખ પહોંચ્યું છે. પોતાની ભૂલ માટે કોઈ બહાનું ન હોવાનું જણાવી તેમણે પરિવારની માફી માગી હતી.
હુઆંગે કંપનીના કર્મચારીઓ, બોર્ડ, ભાગીદારો અને શેરધારકોની પણ માફી માગી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે કંપનીના નેતા તરીકે કર્મચારીઓનો વિશ્વાસ જાળવવાની જવાબદારીમાં તેઓ ખામી કરી ચૂક્યા છે. સાથે જ તેમણે Nvidia પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેઓ કંપનીનું નેતૃત્વ ચાલુ રાખશે અને ફરીથી વિશ્વાસ મેળવવા પ્રયાસ કરશે.
છૂટાછેડા થાય તો પત્નીને મળી શકે રૂ. 7.6 લાખ કરોડ?
જેન્સન હુઆંગની અંગત જિંદગી સાથે જોડાયેલા વિવાદ બાદ તેમની પત્ની લોરી હુઆંગને સંભવિત છૂટાછેડા વખતે કેટલી સંપત્તિ મળી શકે તે અંગે પણ ચર્ચા થઈ રહી છે. અગાઉના અહેવાલોમાં કેલિફોર્નિયાના કોમ્યુનિટી પ્રોપર્ટી કાયદાના આધારે અંદાજ લગાવવામાં આવ્યો હતો કે જો બંનેના છૂટાછેડા થાય તો લોરી હુઆંગને 80 અબજ ડોલર એટલે કે આશરે રૂ. 7.6 લાખ કરોડ મળી શકે છે.
જેન્સન અને લોરી હુઆંગે(Lori Huang) વર્ષ 1985માં લગ્ન કર્યા હતા. કેલિફોર્નિયાના કાયદા અનુસાર લગ્નજીવન દરમિયાન એકત્રિત કરવામાં આવેલી સંપત્તિ સામાન્ય રીતે પતિ-પત્નીની સંયુક્ત સંપત્તિ ગણાય છે અને છૂટાછેડા સમયે તેની સરખે ભાગે વહેંચણી થઈ શકે છે. જોકે, રૂ. 7.6 લાખ કરોડનો આ આંકડો માત્ર કાલ્પનિક અંદાજ છે. દંપતી છૂટાછેડા લેવાનું વિચારી રહ્યું હોવાના કોઈ જાહેર સંકેત નથી. બંને વચ્ચે પ્રિનપ્શિયલ એગ્રીમેન્ટ થયું હતું કે નહીં તેની પણ પુષ્ટિ નથી. વધુમાં, જેન્સનની સમગ્ર સંપત્તિ સંયુક્ત વૈવાહિક સંપત્તિ ગણાય તે જરૂરી નથી.
Nvidiaના શેરમાં ઘટાડાથી રોકાણકારોમાં ચિંતા
જેન્સન હુઆંગ Nvidiaની સફળતા અને વૈશ્વિક AI ક્રાંતિનો મહત્ત્વનો ચહેરો છે. તેમના નેતૃત્વમાં કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે જરૂરી ચિપ્સના ક્ષેત્રમાં અગ્રણી બની છે.
આવા સમયે CEO સાથે જોડાયેલા વિવાદ અને બોર્ડની તપાસને કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે. હવે તપાસમાં શું બહાર આવે છે અને તેની કંપનીના કારોબાર, પ્રતિષ્ઠા તથા રોકાણકારોના વિશ્વાસ પર કેવી અસર પડે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો: Nvidia CEO જેન્સન હુઆંગના ડિવોર્સથી તૂટશે રેકોર્ડ? પત્નીને મળી શકે ₹7.6 લાખ કરોડ!
આ પણ વાંચો: Nvidia CEO વિવાદ: ટ્રમ્પનો મોટો બચાવ, ચીની મહિલા પર જાસૂસીની શંકા
આ પણ વાંચો: HDFC બેંકના નવા CEOને ₹43 કરોડનું પેકેજ, બની શકે છે ભારતના સૌથી મોંઘા ‘બેંક બોસ’
