Congo News: આફ્રિકી દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DR Congo)ની સૈન્ય અદાલતે 66 સૈનિકોને મૃત્યુદંડની સજા (Congo Death Penalty) ફટકારી છે. કાયરતા, બળવો અને વરિષ્ઠ અધિકારીઓના આદેશોનું ઉલ્લંઘન કરવાના આરોપસર આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં કુલ 71 સૈનિકો સામે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે 66 સૈનિકોને ફાંસીની સજા સંભળાવી છે, જ્યારે એક સૈનિકને 10 વર્ષની જેલની સજા ફટકારી છે. બાકીના 4 સૈનિકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
Congo Death Penalty: સૈનિકો પર શું હતા આરોપ?
પૂર્વ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોનો વિસ્તાર છેલ્લા કેટલાક દાયકાઓથી હિંસક સંઘર્ષનો સામનો કરી રહ્યો છે. અહીં સરકારી સેના અને ‘ફ્રન્ટ ફોર ધ રિફાઉન્ડેશન ઓફ ધ નેશન’ (FRN) નામના વિદ્રોહી ગઠબંધન વચ્ચે સતત અથડામણો થઈ રહી છે. આ ગઠબંધનમાં કુખ્યાત M23 જૂથ પણ સામેલ છે.
અહેવાલો અનુસાર, 20 ઓક્ટોબરના રોજ વાલિકલે વિસ્તારમાંથી આ સૈનિકોની ધરપકડ (Congo Military News) કરવામાં આવી હતી. તેમના પર આરોપ હતો કે FRNના લડવૈયાઓ સાથેની હિંસક અથડામણ દરમિયાન તેઓ પોતાની સુરક્ષા ચોકીઓ છોડીને મોરચા પરથી ભાગી ગયા હતા.

કોંગોની સેનામાં શિસ્તના અભાવના આક્ષેપો
M23 સહિતનાં અન્ય વિદ્રોહી સંગઠનો સામે કોંગોની સેના લાંબા સમયથી અભિયાન ચલાવી રહી છે. જોકે, આંતરિક અરાજકતા અને શિસ્તના અભાવને કારણે સૈન્ય કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.
કોંગો સરકારે વારંવાર પડોશી દેશ રવાન્ડા પર M23 જૂથને મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે, રવાન્ડા સરકાર અને વિદ્રોહી સંગઠનો આ આરોપોને નકારતા રહ્યા છે.
એક તરફ કોંગોની સેનાને ખરાબ કાર્યશૈલી અને અનુશાસનના અભાવ બદલ ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ સૈનિકોની ફરિયાદ છે કે તેમને ઓછું વેતન આપવામાં આવે છે. ઉપરાંત, યુદ્ધ લડવા માટે પૂરતાં આધુનિક હથિયારો અને લશ્કરી સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવતાં નથી.

2025થી અત્યાર સુધી 381 સૈનિકોને મૃત્યુદંડ
બળવાખોરો સામેની લડાઈ દરમિયાન મોરચો છોડીને ભાગી જવાના આરોપસર અગાઉના મહિને પણ 27 સૈનિકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.
એક ખાનગી એજન્સી દ્વારા એકત્રિત કરવામાં આવેલા આંકડા અનુસાર, 2025ની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 507 સૈનિકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમાંથી 381 સૈનિકોને મૃત્યુદંડની સજા આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે માર્ચ 2024માં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની સરકારે સેનામાં રહેલા દેશદ્રોહીઓ અને કાયર તત્ત્વો સામે કાર્યવાહી કરવાના હેતુથી મૃત્યુદંડ પર લાગેલા 20 વર્ષ જૂના પ્રતિબંધને હટાવી દીધો હતો.
આ પણ વાંચો: ‘બ્લુ ડ્રમ’ કેસમાં નવો વળાંક, મુસ્કાન, સાહિલ ફાંસીની સજા પર રોક માટે પહોંચ્યાં હાઈકોર્ટમાં
આ પણ વાંચો: પતિની હત્યા કરી સાપ કરડ્યાનું નાટક! પત્ની અને પ્રેમીને ફાંસીની સજા
આ પણ વાંચો: અવામી લીગના 7 નેતાઓને ફાંસીની સજા, માનવતા વિરુદ્ધ ગુના બદલ ચુકાદો
