Uttar Pradesh News: મેરઠ બ્લુ ડ્રમ કેસમાં મુસ્કાન(Muskan) અને સાહિલ ફાંસીની સજા પામેલા બન્ને દોષિતોએ અલાહાબાદ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે. ઉત્તર પ્રદેશના મેરઠમાં સૌરભ રાજપૂતની હત્યાના આ કેસમાં જિલ્લા અદાલતે સજા ફટકારી હતી. દોષિતોએ દોષિત ઠેરવવાના નિર્ણય અને ફાંસીની સજા, બંનેને પડકાર્યા છે. અલાહાબાદ હાઈકોર્ટ આવતા સપ્તાહે આ મામલે સુનાવણી કરે તેવી શક્યતા.
મેરઠ બ્લુ ડ્રમ કેસની શરૂઆત

આ કેસની શરૂઆત મેરઠના બ્રહ્મપુરી પોલીસ સ્ટેશન(Brahmapuri Police Station) વિસ્તારથી થઈ હતી. સૌરભ રાજપૂતની હત્યા(Saurabh Rajput Murder Case) કર્યા બાદ તેનો મૃતદેહ વાદળી પ્લાસ્ટિકના ડ્રમમાં મૂકાયો હતો. પુરાવા છુપાવવા માટે તેમાં સિમેન્ટ અને કોંક્રિટ ભરી દેવાયું હતું.
આ હત્યાના ખુલાસાથી રાજ્યમાં ખળભળાટ મચ્યો હતો. ત્યારબાદ પોલીસે મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લાની ધરપકડ કરી હતી.
ફાંસીની સજા કોર્ટે ક્યારે સંભળાવી
મેરઠની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે સેશન્સ ટ્રાયલ દરમિયાન બંનેને હત્યા કરવા અને પુરાવા નષ્ટ કરવા બદલ દોષિત ઠેરવ્યા હતા. અદાલતે 30 સપ્ટેમ્બર, 2026ના રોજ બંનેને દોષિત જાહેર કર્યા હતા. 14 ઓક્ટોબર, 2026ના રોજ સજા સંભળાવવામાં આવી હતી.
કોર્ટે આ ગુનાને “રેરેસ્ટ ઓફ રેર” (અતિ દુર્લભમાં દુર્લભ) શ્રેણીમાં ગણાવી બંનેને ફાંસીની સજા અને દરેકને રૂ. 50,000નો દંડ ફટકાર્યો હતો. પુરાવા નષ્ટ કરવા બદલ પણ સજા સંભળાવાઈ હતી.
Muskan અને સાહિલની અલાહાબાદ હાઈકોર્ટમાં અપીલ
કસ્ટડીમાં રહેલા સાહિલ શુક્લા અને મુસ્કાને વકીલો મારફતે હાઈકોર્ટમાં સંયુક્ત અપીલ દાખલ કરી છે. તેમણે ટ્રાયલ કોર્ટના ચુકાદાને સંપૂર્ણપણે ગેરકાયદેસર અને મનસ્વી ગણાવ્યો છે. અપીલમાં હાઈકોર્ટને વિનંતી છે કે તે અપીલ સ્વીકારે અને મેરઠ કોર્ટનો આદેશ રદ કરે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) (કલમ 3(5) સાથે વાંચતા) અને કલમ 238(a) હેઠળના તમામ આરોપોમાંથી મુક્તિની માંગ પણ કરાઈ છે.
168 પાનાની આ અપીલ વકીલો સંદીપ કુમાર દુબે, રવિતેન્દ્ર પ્રતાપ સિંહ ચંદેલ અને નિધિ ત્રિવેદી દ્વારા દાખલ કરાઈ છે. વરિષ્ઠ વકીલ સુશીલ શુક્લા અપીલકર્તાઓનો પક્ષ રજૂ કરવા સંમત થયા છે.
અપીલમાં કરાયેલી દલીલો
અપીલના કાનૂની આધારમાં દલીલ છે કે ફરિયાદી પક્ષ પોતાનો કેસ “વાજબી શંકાથી પર” સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. અપીલ મુજબ સમગ્ર કેસ સંજોગોજન્ય પુરાવા (circumstantial evidence) પર આધારિત હતો.
અપીલમાં આક્ષેપ છે કે ટ્રાયલ કોર્ટે સ્થાપિત કાનૂની સિદ્ધાંતોને અવગણીને અટકળો અને અનુમાનોના આધારે દોષિત ઠેરવ્યા. હથિયારો, સિમેન્ટ અને ડ્રમ ખરીદ્યાની જુબાની આપનાર સાક્ષીઓના નિવેદનોમાં નોંધપાત્ર વિરોધાભાસ હોવાનો પણ દાવો છે. અપીલમાં એવું પણ નોંધાયું છે કે કોઈ સીસીટીવી ફૂટેજ કે ખરીદીની માન્ય રસીદો રજૂ કરાઈ નથી.
આ પણ વાંચો:દીકરાનો ખૂની ખેલ: પિતાના ટુકડા કરી બ્લુ ડ્રમમાં ભર્યા
આ પણ વાંચો:મિત્રોએ લગ્નમાં Blue drum આપ્યું! મેરઠ સૌરભ હત્યા કેસ લોકોએ યાદ કર્યો
