New Delhi News : દૂધ ખરીદતા ગ્રાહકો માટે મોંઘવારીનો વધુ એક ઝટકો સામે આવ્યો છે. દેશની જાણીતી ડેરી કંપની મધર ડેરીએ (Mother Dairy) દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2થી ₹4 સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. નવા ભાવ 12 નવેમ્બર, ગુરુવારથી અમલી બનશે. આ નિર્ણય બાદ દિલ્હી-એનસીઆર સહિતના વિસ્તારોમાં દૂધ ખરીદતા ગ્રાહકોના માસિક બજેટ પર વધારાનો બોજ પડશે.
મધર ડેરીના દૂધના ભાવમાં કેમ થયો વધારો?
મધર ડેરીના દૂધના ભાવ (Mother Dairy Milk Price) વધવા પાછળનું મુખ્ય કારણ દૂધની ખરીદીના ખર્ચમાં થયેલો વધારો હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. કંપની દ્વારા ખેડૂતો પાસેથી દૂધ ખરીદવા માટે ચૂકવવામાં આવતા ભાવમાં વધારો થયો છે. પરિણામે ઉત્પાદન અને ખરીદીનો ખર્ચ વધતાં ગ્રાહકો માટે પણ દૂધ મોંઘું કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે કંપનીએ અગાઉ 14 મે, 2026ના રોજ પણ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. આ પહેલાં એપ્રિલ 2025માં પણ ભાવ વધારવામાં આવ્યા હતા.
દિલ્હી-NCRમાં દરરોજ 35 લાખ લિટર દૂધનું વેચાણ
મધર ડેરી (Mother Dairy)દિલ્હી-એનસીઆરના દૂધ બજારમાં મોટો હિસ્સો ધરાવે છે. મળતી માહિતી મુજબ, કંપની આ વિસ્તારમાં દરરોજ આશરે 35 લાખ લિટર દૂધનું વેચાણ કરે છે. જ્યારે સમગ્ર દેશમાં કંપનીનું દૈનિક વેચાણ 50 લાખ લિટરથી વધુ છે.આટલા મોટા ગ્રાહકવર્ગને કારણે ભાવવધારાની અસર મોટી સંખ્યામાં પરિવારોના ઘરખર્ચ પર જોવા મળી શકે છે.
હવે કયા દૂધના નવા ભાવ કેટલા રહેશે?
12 નવેમ્બરથી અમલમાં આવનારા મધર ડેરીના નવા ભાવ (Mother Dairy Milk Rate)મુજબ અલગ-અલગ પ્રકારના દૂધની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.
ટોન્ડ દૂધ (બલ્ક): ₹58થી વધીને ₹60 પ્રતિ લિટર.
ફુલ ક્રીમ દૂધ: ₹72થી વધીને ₹76 પ્રતિ લિટર.
ટોન્ડ દૂધ (પાઉચ): ₹60થી વધીને ₹62 પ્રતિ લિટર.
ડબલ ટોન્ડ દૂધ: ₹54થી વધીને ₹56 પ્રતિ લિટર.
ગાયનું દૂધ: ₹62થી વધીને ₹65 પ્રતિ લિટર.
સામાન્ય પરિવારોના બજેટ પર વધશે બોજ
પહેલેથી જ વધતી મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય પરિવારો માટે દૂધના ભાવમાં વધારો (Milk Price Hike) વધુ એક મુશ્કેલી બની શકે છે. દૂધ રોજિંદા જીવનની આવશ્યક ચીજવસ્તુ છે. તેનો ઉપયોગ માત્ર પીવા માટે જ નહીં, પરંતુ ચા, કોફી, નાસ્તા અને અન્ય ખાદ્યપદાર્થો બનાવવામાં પણ થાય છે.
આવી સ્થિતિમાં દૂધના ભાવમાં વધારો (Milk Price Hike) થવાથી પરિવારોના માસિક ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં અન્ય ડેરી કંપનીઓ પણ દૂધના ભાવમાં વધારો કરે છે કે નહીં.
