Business News : ભારતીય શેરબજારમાં (Stock Market)11 નવેમ્બર, 2026ના રોજ જોરદાર તેજી (Share Market Rally)જોવા મળી રહી છે. કારોબારની શરૂઆતથી જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટી ખરીદી જોવા મળતાં રોકાણકારોમાં ઉત્સાહ છવાયો છે. સેન્સેક્સ 1,300 પોઈન્ટથી વધુ ઉછળીને 82,400ની સપાટી પાર કરી ગયો છે. જ્યારે નિફ્ટી પણ 350 પોઈન્ટના ઉછાળા (Nifty Today)સાથે 25,400ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. બજારમાં આવેલી આ તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં મિનિટોમાં જ ₹6 લાખ કરોડથી વધુનો વધારો થયો છે.
બેન્કિંગ અને ઓટો સેક્ટરના શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે છેલ્લા 10 મહિનામાં બજારમાં થયેલા મોટા ઘટાડા બાદ માત્ર એક મહિનામાં જ સેન્સેક્સે નોંધપાત્ર રિકવરી કરી છે.
10 મહિનાનો ઘટાડો એક મહિનામાં સરભર, સેન્સેક્સમાં 15%ની રિકવરી
વર્ષ 2026ની શરૂઆતમાં એટલે કે 1 જાન્યુઆરીએ સેન્સેક્સ 85,188ના સ્તરે હતો. જોકે, ત્યારબાદ શેરબજારમાં (Stock Market)સતત ઘટાડો જોવા મળ્યો હતો. 1 ઓક્ટોબરે સેન્સેક્સ ઘટીને 71,292ના સ્તરે પહોંચ્યો હતો, જે આ વર્ષની અત્યાર સુધીની સૌથી નીચી સપાટી હતી. આ દરમિયાન સેન્સેક્સમાં 13,896 પોઈન્ટ એટલે કે લગભગ 16%નો ઘટાડો નોંધાયો હતો.
જોકે, ઓક્ટોબરની શરૂઆતથી બજારની દિશા બદલાઈ હતી. છેલ્લા એક મહિનામાં સેન્સેક્સમાં આશરે 11,228 પોઈન્ટ એટલે કે 15%નો ઉછાળો નોંધાયો છે. પરિણામે બજારે અગાઉ થયેલા મોટા ઘટાડાની લગભગ ભરપાઈ કરી લીધી છે.
શેરબજારમાં તેજીનાં 3 મોટા કારણો
1. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો ભારતીય શેરબજાર (Stock Market)માટે સકારાત્મક સંકેત બન્યો છે. અમેરિકા દ્વારા ઈરાન સામે સૈન્ય કાર્યવાહી નહીં કરવાની જાહેરાત બાદ મિડલ ઈસ્ટમાંથી ઓઈલ સપ્લાય ખોરવાવાની ચિંતા ઓછી થઈ છે. પરિણામે બ્રેન્ટ ક્રૂડનો ભાવ ઘટીને પ્રતિ બેરલ 89.16 ડોલર પર પહોંચ્યો છે.
ભારત પોતાની જરૂરિયાતનું 80%થી વધુ ક્રૂડ ઓઈલ આયાત કરે છે. તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ સસ્તું થવાથી દેશનું આયાત બિલ ઘટી શકે છે અને મોંઘવારી પર પણ નિયંત્રણ મેળવવામાં મદદ મળી શકે છે.
2. વિદેશી રોકાણકારોની જોરદાર ખરીદી
શેરબજારમાં તેજી પાછળ વિદેશી રોકાણકારોની ખરીદી પણ મહત્ત્વનું કારણ છે. છેલ્લા 30 દિવસમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII Investment)એ ભારતીય બજારમાં ₹49,497 કરોડની ચોખ્ખી ખરીદી કરી છે. છેલ્લા સાત દિવસમાં પણ ₹35,937 કરોડનું રોકાણ નોંધાયું છે.
બીજી તરફ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) તરફથી વેચવાલી જોવા મળી છે. છેલ્લા 30 દિવસમાં DIIએ ₹13,250 કરોડના શેર વેચ્યા છે.
3. ડોલર સામે રૂપિયો મજબૂત થયો
અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયામાં પણ મજબૂતી જોવા મળી છે. રૂપિયો 20 પૈસા એટલે કે 0.2% વધીને 93.72ના સ્તરે પહોંચ્યો છે. અગાઉ ડોલર સામે રૂપિયો 93.92ના સ્તરે બંધ થયો હતો. રૂપિયામાં આવેલી મજબૂતીથી પણ બજારના સેન્ટિમેન્ટને ટેકો મળ્યો છે.
એશિયન બજારોમાં મિશ્ર કારોબાર
ભારતીય બજારમાં તેજી વચ્ચે એશિયાના અન્ય બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 1.82% અને જાપાનનો નિક્કેઈ 0.80% વધીને કારોબાર કરી રહ્યા છે. જ્યારે હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 0.89% ઘટ્યો છે.
બીજી તરફ, અગાઉના કારોબારી સત્રમાં અમેરિકન શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. ડાઉ જોન્સ 0.30%, નાસ્ડેક 0.74% અને S&P 500 ઇન્ડેક્સ 0.38% ઘટીને બંધ થયા હતા.
9 નવેમ્બરે પણ બજારમાં રહી હતી તેજી
આ અગાઉ 9 નવેમ્બરના કારોબારમાં પણ ભારતીય શેરબજાર (Stock Market)માં વધારો નોંધાયો હતો. સેન્સેક્સ 107 પોઈન્ટ વધીને 81,107ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 58 પોઈન્ટના ઉછાળા સાથે 25,045 પર પહોંચ્યો હતો. તે દિવસે સરકારી બેન્કો અને ફાર્મા શેરોમાં ખરીદી જોવા મળી હતી, જ્યારે IT અને મેટલ સેક્ટરના શેરોમાં વેચવાલી રહી હતી.
