Surat News/ સુરતમાં તાપી નદી પરનો પ્રથમ મેટ્રો બ્રિજ તૈયાર, ડ્રોન VIDEOમાં ભવ્ય નજારો; અડાજણથી સીધા બુલેટ ટ્રેન સ્ટેશન સુધી પહોંચાશે

Surat Metro Bridge: સુરતમાં અડાજણથી અઠવા ચોપાટી વચ્ચે તાપી નદી પરનો પ્રથમ મેટ્રો બ્રિજ તૈયાર થઈ ગયો છે. 50 મીટરના 8 સ્પાન ધરાવતા આ બ્રિજથી રાંદેર, પાલ અને અડાજણના મુસાફરોને ભવિષ્યમાં બુલેટ ટ્રેન સ્ટેશન સુધી પહોંચવામાં સરળતા રહેશે.

Top Stories Gujarat Surat
Surat Metro Bridge: સુરતમાં તાપી નદી પરનો પ્રથમ મેટ્રો બ્રિજ તૈયાર, મુસાફરોને મળશે નવી સુવિધા

Surat News: સુરતવાસીઓ માટે મેટ્રો મુસાફરીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અડાજણથી અઠવા ચોપાટી વચ્ચે તાપી નદી પર બનાવવામાં આવેલો સુરતનો પ્રથમ મેટ્રો બ્રિજ (Surat Metro Bridge) સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે. આ બ્રિજનો ડ્રોન વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેની ભવ્ય રચના અને તાપી રિવરફ્રન્ટનો નજારો જોવા મળે છે. ફ્રાન્સની રાજધાની પેરિસના પ્રસિદ્ધ પોન્ટ ડી બીર-હાકીમ બ્રિજની ડિઝાઇનની તર્જ પર તૈયાર થયેલો આ બ્રિજ સુરતના મેટ્રો પ્રોજેક્ટ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

Surat Metro Bridge: રાંદેર, પાલ અને અડાજણના લોકોને મળશે ટ્રાફિકમાંથી રાહત

તાપી નદી પર મેટ્રો બ્રિજ (Tapi River Metro Bridge) તૈયાર થતાં રાંદેર, પાલ અને અડાજણ વિસ્તારના રહેવાસીઓ તથા વેપારીઓને અવરજવરમાં મોટી સુવિધા મળશે. મેટ્રો સેવા શરૂ થયા બાદ મુસાફરો શહેરી ટ્રાફિકમાં ફસાયા વિના મેટ્રો મારફતે મુસાફરી કરી શકશે.

આ પ્રોજેક્ટની એક મહત્ત્વની વિશેષતા એ છે કે મુસાફરો અડાજણથી મેટ્રોમાં બેસીને અંત્રોલી ખાતેના હાઈસ્પીડ બુલેટ ટ્રેન સ્ટેશન સુધી પહોંચી શકશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા સરોલીથી આગળ 4.4 કિલોમીટરના વધારાના વિસ્તરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ કનેક્ટિવિટીથી ભવિષ્યમાં સુરતથી મુંબઈ તરફની બુલેટ ટ્રેન સુધી પહોંચવું વધુ સરળ બનશે.

Surat Metro Bridge: સુરતમાં તાપી નદી પરનો પ્રથમ મેટ્રો બ્રિજ તૈયાર, મુસાફરોને મળશે નવી સુવિધા
Surat Metro Bridge: સુરતમાં તાપી નદી પરનો પ્રથમ મેટ્રો બ્રિજ તૈયાર, મુસાફરોને મળશે નવી સુવિધા

2006ના પૂરનો અભ્યાસ કરીને બનાવાયો બ્રિજ

આ મેટ્રો બ્રિજના નિર્માણમાં સુરતના ભૂતકાળના પૂરની સ્થિતિને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. વર્ષ 2006માં આવેલા વિનાશક પૂરના ટેકનિકલ ડેટાનો અભ્યાસ કર્યા બાદ નદીના કુદરતી વહેણમાં અવરોધ ન સર્જાય તે માટે વિશેષ ડિઝાઇન તૈયાર કરવામાં આવી (Gujarat Metro Rail) હતી.

સામાન્ય રીતે 25 મીટરના સ્પાનનો ઉપયોગ થતો હોય છે, પરંતુ આ બ્રિજમાં 50 મીટરના 8 વિશાળ સ્પાન બનાવવામાં આવ્યા છે. સમગ્ર બ્રિજમાં કુલ 144 પ્રિકાસ્ટ સેગમેન્ટલ બોક્સ ગર્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના પર 764 મુસાફરોની ક્ષમતા ધરાવતી મેટ્રો ટ્રેન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે.

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાય તો પણ સુરક્ષિત રહે તેવું બાંધકામ

સુરતમાં ચોમાસા દરમિયાન તાપી નદીમાં પાણીનું સ્તર વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને બ્રિજના નિર્માણમાં વિશેષ તકેદારી રાખવામાં આવી છે. ઉકાઈ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવે તેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને ડીપ-પાઈલ ફાઉન્ડેશન તૈયાર કરવામાં આવ્યું છે.

આ બ્રિજની કુલ ઊંચાઈ આશરે 20 મીટર છે. સરદાર બ્રિજ અને પાલ-ઉમરા બ્રિજ કરતાં તે 5થી 7 મીટર ઊંચો હોવાનું જણાવાયું છે. શહેરના અત્યાર સુધીના સૌથી ઊંચા પૂરનાં સ્તર કરતાં પણ બ્રિજમાં 7 મીટરનું વધારાનું સેફ્ટી ક્લિયરન્સ રાખવામાં આવ્યું છે. 23.5 મીટર ક્લિયરન્સ ધરાવતા અડાજણ કેબલ બ્રિજ બાદ આ સુરતનો બીજો સૌથી ઊંચો બ્રિજ બન્યો છે.

Surat Metro Bridge: સુરતમાં તાપી નદી પરનો પ્રથમ મેટ્રો બ્રિજ તૈયાર, મુસાફરોને મળશે નવી સુવિધા
Surat Metro Bridge: સુરતમાં તાપી નદી પરનો પ્રથમ મેટ્રો બ્રિજ તૈયાર, મુસાફરોને મળશે નવી સુવિધા

નદીમાં હંગામી જેટ્ટી બનાવીને કરાયું બાંધકામ

18.74 કિલોમીટર લાંબી સુરત મેટ્રો લાઇન-2 ભેસાણથી સરોલી સુધી બનાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટનું કામ સરોલીથી મજૂરા અને મજૂરાથી ભેસાણ એમ બે તબક્કામાં ચાલી રહ્યું છે.

આ સમગ્ર રૂટમાં તાપી નદી પર મેટ્રોનો વાયડક્ટ તૈયાર કરવો સૌથી પડકારજનક કામ હતું. પેકેજ CS-5 હેઠળ કોન્ટ્રાક્ટર એજન્સીએ નદીમાં હંગામી જેટ્ટી બનાવીને ઊંડા પાઈલ ફાઉન્ડેશનનું બાંધકામ કર્યું હતું. મેટ્રોનો સમગ્ર રૂટ એલિવેટેડ હોવાથી નદી પર પણ તેની ઊંચાઈ અને એલાઇનમેન્ટ જાળવી રાખવામાં આવ્યું છે.

હવે તાપી નદી પરનો આ મેટ્રો બ્રિજ તૈયાર થતાં સુરતના મેટ્રો પ્રોજેક્ટને મહત્ત્વપૂર્ણ સફળતા મળી છે. મેટ્રો સેવા શરૂ થયા બાદ શહેરના અલગ-અલગ વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી વધુ સરળ બનવાની સાથે રિવરફ્રન્ટનો સુંદર નજારો માણવાની તક પણ મુસાફરોને મળશે.


આ પણ વાંચો: ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકાર્યો, સુરતમાં મેટ્રો બ્રિજના બે ભાગ થયા

આ પણ વાંચો: અમદાવાદને ફાટકમુક્ત બનાવવું મુશ્કેલ, 9 ક્રોસિંગ પર બ્રિજ માટે જગ્યા જ નથી!

આ પણ વાંચો: LIVE: અમદાવાદમાં વરસાદનો મહાકહેર: 10 અંડરબ્રિજ બંધ; AMCની વર્ક ફ્રોમ હોમની અપીલ