Delhi News: દિલ્હીમાં વધતા હવાના પ્રદૂષણ (Delhi Air Pollution) વચ્ચે 16 વર્ષના વિદ્યાર્થી કૃષ અગ્રવાલે ઓછા ખર્ચે હવા શુદ્ધ કરવાનો એક નવો પ્રયાસ કર્યો છે. કૃષે પોતાના મિત્ર સાથે મળીને ‘પ્રોજેક્ટ વાયુ’ (Project Vayu) શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત માત્ર રૂ.140ના ખર્ચે સામાન્ય ઘરના પંખા સાથે ખાસ ફિલ્ટર લગાવી તેને એર પ્યુરિફાયરની જેમ ઉપયોગમાં લઈ શકાય છે.
આ નવીન પહેલ માટે કૃષને પ્રતિષ્ઠિત ‘ડાયના અવોર્ડ 2026’થી સન્માનિત કરવામાં આવ્યો છે.
Project Vayu: શું છે પ્રોજેક્ટ વાયુ?
કૃષે સામાન્ય પંખા પર લગાવી શકાય તેવું ખાસ ફિલ્ટર તૈયાર કર્યું (Fan Air Purifier) છે. તેમાં ઇલેક્ટ્રોસ્ટેટિકલી ચાર્જ્ડ ફાઇબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે હવામાં રહેલા ધૂળના સૂક્ષ્મ રજકણો અને પ્રદૂષિત તત્વોને પકડવામાં મદદ કરે છે.
પંખો ચાલુ થતાં જ ફિલ્ટર ફુગ્ગાની જેમ ફૂલી જાય છે. તેનાથી હવા પસાર થવા માટેનું ક્ષેત્રફળ વધે છે અને રૂમની હવા ફિલ્ટર થતી રહે છે.
એક કલાકમાં PM2.5માં 90 ટકા ઘટાડાનો દાવો
પ્રોજેક્ટ સાથે જોડાયેલા પરીક્ષણના આંકડા મુજબ, એક બંધ રૂમમાં ફિલ્ટર લગાવતાં પહેલાં પ્રદૂષણનું સ્તર 158 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર હતું. ફિલ્ટર એક કલાક સુધી ચાલુ રાખ્યા બાદ આ સ્તર ઘટીને 11 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર થયું હતું. આ પરીક્ષણમાં PM2.5ના સ્તરમાં આશરે 90 ટકા ઘટાડો નોંધાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ ફિલ્ટરની કિંમત માત્ર રૂ.140 હોવાનું જણાવાયું (Low Cost Air Purifier) છે. તેને જરૂરિયાત મુજબ સમયાંતરે બદલી શકાય છે.
શાળાઓમાં મફત ફિલ્ટરનું વિતરણ
પ્રોજેક્ટ વાયુ અંતર્ગત દિલ્હીની શાળાઓમાં બાળકો માટે ફિલ્ટર મફતમાં આપવામાં આવી રહ્યાં છે. શરૂઆતમાં 602 ફિલ્ટર તૈયાર કરીને 295 વર્ગખંડમાં લગાવવામાં આવ્યાં હતાં. તેના દ્વારા આશરે 8,000 વિદ્યાર્થીઓને લાભ મળ્યો હોવાનું જણાવાયું છે.
પ્રોજેક્ટથી અત્યાર સુધીમાં 10,000થી વધુ શાળાના વિદ્યાર્થીઓને સીધો ફાયદો થયો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. હવે દિલ્હીની વધુ 45 શાળાઓમાં આ ફિલ્ટર લગાવવાની તૈયારી ચાલી રહી છે.
ઓછા ખર્ચે તૈયાર કરાયેલું આ ઈનોવેશન પ્રદૂષણ સામે લડવા માટેનો એક નવો પ્રયાસ છે. ખાસ કરીને શાળાઓમાં બાળકોને સ્વચ્છ હવા મળી રહે તે હેતુથી પ્રોજેક્ટ વાયુ આગળ વધારવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: એર પ્યુરિફાયર નથી લગાવવું તો ફટાફટ વાવો આ 3 છોડ…ઘરનું વાયુ પ્રદૂષણ દૂર કરવાની ટ્રિક..!
આ પણ વાંચો: વડોદરામાં પોલીસ ભવન નજીક નર્મદા ભવનમાં ચોરી, સરકારી કચેરીમાંથી પંખા અને LED લાઇટ ચોરાઈ
આ પણ વાંચો: થરામાં ટાવર પર આકાશી વીજળી ત્રાટકી, ટીવી-પંખા સહિત અનેક વીજ ઉપકરણો બળીને ખાખ
