Surat News/ સુરત સ્વચ્છતામાં બીજા ક્રમે, કુમાર કાનાણીની તંત્રને ચેતવણી

દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સ્થાન ધરાવતા સુરતને સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 (Surat Cleanliness Ranking)માં મોટો ઝટકો લાગ્યો છે

Gujarat Top Stories Surat
દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સ્થાન ધરાવતા સુરતને સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 (Surat Cleanliness Ranking)માં મોટો ઝટકો લાગ્યો છે

Surat News : દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સ્થાન ધરાવતા સુરતને સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 (Surat Cleanliness Ranking)માં મોટો ઝટકો લાગ્યો છે. ‘સુપર સ્વચ્છ લીગ’ કેટેગરીમાં સતત પ્રથમ સ્થાન જાળવી રાખવાની અપેક્ષા વચ્ચે સુરત આ વખતે બીજા ક્રમે ધકેલાયું છે. મહારાષ્ટ્રના નવી મુંબઈ (Navi Mumbai)એ પ્રથમ સ્થાન મેળવી સુરતનો નંબર-1નો તાજ છીનવી લીધો છે. આ પરિણામને લઈને હવે શહેરના રાજકારણમાં પણ ચર્ચા શરૂ થઈ છે.

વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી (Kumar Kanani)એ આ મામલે વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, અગાઉ પણ તંત્રને ચેતવણી આપી હતી કે સુરત માટે પ્રથમ ક્રમ જાળવી રાખવો મુશ્કેલ બનશે. હવે પરિણામ સામે આવી ગયું છે અને તેમની આશંકા સાચી સાબિત થઈ છે. તેમણે ચેતવણી આપતાં કહ્યું કે, ‘હજુ તંત્ર નહીં જાગે તો આગામી સમયમાં 1થી 3 નંબરમાં આવવાના પણ ફાંફા પડશે.’

સુરત સ્વચ્છ સર્વેક્ષણમાં બીજા ક્રમે, નવી મુંબઈ પ્રથમ

સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં સુરતે (Swachh Survekshan 2025-26)શાનદાર પ્રદર્શન કરીને દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની ‘સુપર સ્વચ્છ લીગ’ કેટેગરીમાં સુરતને 12,500માંથી 12,151 ગુણ મળ્યા હતા. જ્યારે ઈન્દોરને 12,147 અને નવી મુંબઈને 12,074 ગુણ મળ્યા હતા. આ રીતે સુરતે બંને શહેરોને પાછળ રાખ્યાં હતાં.

જુલાઈ 2025માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સુરતને આ સિદ્ધિ બદલ સન્માનિત કરવામાં આવ્યું હતું. જોકે, સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 (Swachh Survekshan 2025-26)માં સ્થિતિ બદલાઈ ગઈ છે. આ વખતે નવી મુંબઈ પ્રથમ, સુરત બીજા અને વિજયવાડા ત્રીજા ક્રમે રહ્યું છે. ડોર-ટુ-ડોર કચરા કલેક્શન, સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ અને તાપી નદીના શુદ્ધીકરણ જેવી કામગીરી છતાં સુરત પ્રથમ સ્થાન મેળવી શક્યું નથી.

Surat Cleanliness Ranking : હોટફિક્સ પ્લાસ્ટિકના કચરાથી સફાઈ વ્યવસ્થાને અસર

સુરતના બીજા ક્રમે પહોંચવા પાછળનાં કારણો અંગે કુમાર કાનાણી (Kumar Kanani)એ શહેરની સફાઈ વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, છેલ્લા ઘણા સમયથી શહેરમાં સફાઈની કામગીરી અપેક્ષા મુજબ થઈ રહી નથી. ખાસ કરીને વરાછા અને લિંબાયત જેવા વિસ્તારોમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાંથી નીકળતો હોટફિક્સ પ્લાસ્ટિકનો કચરો (Hotfix Plastic Waste)મોટી સમસ્યા બની રહ્યો છે.

આ પ્રકારના પ્લાસ્ટિકના કચરાનું યોગ્ય રીતે કલેક્શન અને નિકાલ ન થવાથી શહેરની સ્વચ્છતા પર અસર પડી રહી છે. આ મુદ્દે અગાઉ પણ વહીવટી તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો ન હોવાનું કાનાણીએ જણાવ્યું છે.

પોશ વિસ્તારોમાં સર્વે છતાં સુરતને બીજો ક્રમ કેમ?

સર્વેની કામગીરી અંગે પણ કુમાર કાનાણી (Kumar Kanani)એ સવાલો કર્યા છે. તેમણે કહ્યું કે, જો શહેરના પોશ વિસ્તારોમાં સર્વે કરવામાં આવ્યો હોય અને તેમ છતાં સુરતને બીજો ક્રમ મળ્યો હોય તો આ ગંભીર બાબત છે.

તેમના જણાવ્યા પ્રમાણે, ઉધના, લિંબાયત, વરાછા અને પુણા જેવા વિસ્તારોમાં સફાઈની સ્થિતિ ચિંતાજનક છે. શ્રમજીવી અને કારીગર વર્ગના લોકો રહેતા વિસ્તારોમાં અનેક જગ્યાએ કચરાના ઢગલા જોવા મળે છે. કચરાના કારણે આગ લાગવાની ઘટનાઓ પણ બનતી રહે છે.

માત્ર પોશ વિસ્તારોને સ્વચ્છ રાખવાથી આખું શહેર સ્વચ્છ બની શકતું નથી. શહેરના દરેક વિસ્તારની સફાઈ પર સમાન ધ્યાન આપવું જરૂરી છે.

‘તંત્ર નહીં જાગે તો ટોપ-3માં આવવાના પણ ફાંફા પડશે’

કુમાર કાનાણી (Kumar Kanani)એ વહીવટી તંત્રને આગામી વર્ષો માટે ચેતવણી આપતાં કહ્યું કે, હજુ પણ સમય છે અને તંત્રએ આ પરિણામને ગંભીરતાથી લેવાની જરૂર છે. જો ફરીથી પ્રથમ સ્થાન મેળવવા માટે અત્યારથી નક્કર આયોજન નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં ટોપ-3માં સ્થાન જાળવવું પણ મુશ્કેલ બની શકે છે.

તેમના મતે, પ્લાસ્ટિકના કચરાના નિકાલ (Plastic Waste)માટે કાયમી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. સાથે જ શહેરના શ્રમજીવી વિસ્તારો સહિત તમામ વિસ્તારોમાં નિયમિત સફાઈ અને કચરાના યોગ્ય વ્યવસ્થાપન પર ભાર મૂકવો પડશે. સુરત ફરી દેશનું નંબર-1 સ્વચ્છ શહેર બને તે માટે વહીવટી તંત્રએ કામગીરીમાં સુધારો કરવો જરૂરી છે.


આ પણ વાંચો: અમદાવાદ મહાનગરપાલિકા સ્વચ્છ સર્વેક્ષણ 2025-26ના એવોર્ડ સમારોહમાં ભાગ લેવા દિલ્હી પહોંચી

આ પણ વાંચો: સુરતની ગૌરવગાથા, સ્વચ્છ હવા સર્વેક્ષણમાં ટોપ-3 સ્થાન, આજે દિલ્હીમાં એવોર્ડ આપવામાં આવશે

આ પણ વાંચો: સ્વચ્છતા સર્વેક્ષણમાં સતત ચોથા વર્ષે અમદાવાદ બન્યુ સૌથી સ્વચ્છ મેગાસિટી