World News/ રાજીનામા પહેલાં ભાંગી પડ્યા Nvidiaના જેન્સેન હુઆંગ: પોતાને ગણાવ્યા ખરાબ માણસ

બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે, જેન્સેન હુઆંગે (Jensen Huang)પોતાની CEO તરીકેની ખુરશી બચાવવા માટે અઠવાડિયાં સુધી સંઘર્ષ કર્યો હતો

Top Stories World
અમેરિકાની દિગ્ગજ ટેક કંપની Nvidiaના પૂર્વ CEO જેન્સેન હુઆંગ (Jensen Huang)ના રાજીનામા પાછળના ઘટનાક્રમને લઈને નવા ખુલાસા થયા છે

World News : અમેરિકાની દિગ્ગજ ટેક કંપની Nvidiaના પૂર્વ CEO જેન્સેન હુઆંગ (Jensen Huang)ના રાજીનામા પાછળના ઘટનાક્રમને લઈને નવા ખુલાસા થયા છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, જેન્સેન હુઆંગ રાજીનામું (Jensen Huang resignation) આપતા પહેલાંના અંતિમ કલાકોમાં  માનસિક રીતે ખૂબ જ દબાણમાં હતા. એક સમયે કંપની પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવતા હુઆંગ હવે થાકેલા અને નિરાશ જોવા મળ્યા હતા. અહેવાલમાં દાવો કરાયો છે કે તેમણે પોતાના વર્તન બદલ પસ્તાવો વ્યક્ત કરતાં પોતાને ખરાબ માણસ પણ ગણાવ્યા હતા.

અંતિમ કલાકોમાં તૂટી ગયો આત્મવિશ્વાસ

બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે, જેન્સેન હુઆંગે (Jensen Huang)પોતાની CEO તરીકેની ખુરશી બચાવવા માટે અઠવાડિયાં સુધી સંઘર્ષ કર્યો હતો. જોકે, તેમના લગ્નેતર સંબંધો અને ચીનની કથિત જાસૂસી સાથે જોડાયેલા વિવાદે તેમની મુશ્કેલીઓ વધારી દીધી હતી.

અહેવાલમાં જણાવાયું છે કે શરૂઆતમાં દરેક પરિસ્થિતિને પોતાના નિયંત્રણમાં રાખવા માટે જાણીતા હુઆંગનો આત્મવિશ્વાસ ધીમે ધીમે ઘટવા લાગ્યો હતો. વિવાદ સામે આવ્યા બાદ તેઓ સતત દબાણમાં હતા. બુધવારની મોડી રાત સુધીમાં તેમનો સંઘર્ષ કરવાનો ઉત્સાહ પણ ખતમ થઈ ગયો હતો અને તેઓ પસ્તાવાની સ્થિતિમાં પહોંચી ગયા હતા.

ટ્રમ્પે ફોન કરીને હિંમત આપી હતી

આ સમગ્ર ઘટનાક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ હસ્તક્ષેપ કર્યો હતો. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ટ્રમ્પે મંગળવારે હુઆંગ સાથે ફોન પર વાત કરી હતી અને તેમને પોતાની સ્થિતિ બચાવવા માટે સંઘર્ષ ચાલુ રાખવાની સલાહ આપી હતી.

જોકે, આ વાતચીત પછી પણ પરિસ્થિતિમાં કોઈ મોટો ફેરફાર થયો નહોતો. ગુરુવારે હુઆંગે Nvidiaના CEO (Nvidia CEO)પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

વિવાદનું મુખ્ય કારણ ચીની બિઝનેસવુમન એલિસ હુઆંગ (Alice Huang)સાથેના તેમના કથિત સંબંધો હતા. અમેરિકાની ગુપ્તચર એજન્સીઓને એલિસ હુઆંગના ચીનની ગુપ્તચર સેવાઓ સાથે સંબંધ હોવાની શંકા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. જોકે, આ જાસૂસીના આરોપો હજુ તપાસ અને દાવાઓનો વિષય છે.

રોજ નવા ખુલાસા, મહિલા અધિકારી સાથે પણ સંબંધની ચર્ચા

હુઆંગની મુશ્કેલીઓ ત્યારે વધુ વધી જ્યારે Nvidiaની મહિલા અધિકારી કિમ્બર્લી પોવેલ (Kimberly Powell)સાથેના તેમના કથિત સંબંધોના અહેવાલો સામે આવ્યા. પોવેલ કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત હતાં અને સીધા હુઆંગને રિપોર્ટ કરતાં હતાં.

આ ખુલાસા બાદ કંપનીના આંતરિક વાતાવરણ અને CEOના વર્તનને લઈને પણ સવાલો ઊભા થયા હતા. રોઇટર્સના 12 નવેમ્બરના અહેવાલમાં અન્ય એક મહિલા કર્મચારી સાથે પણ હુઆંગના કથિત સંબંધ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, તે કર્મચારીની ઓળખ જાહેર કરવામાં આવી નથી.

વ્હાઇટ હાઉસ સુધી પહોંચ્યો વિવાદ, લુટનિક પર પણ સંકટ

આ સમગ્ર વિવાદની અસર હવે Nvidiaની બહાર અમેરિકાના રાજકીય વર્તુળો સુધી પહોંચી છે. અહેવાલો મુજબ, ચીનને AI ચિપ્સની નિકાસ અને તેની દેખરેખના મુદ્દે વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થયા છે.

રોઇટર્સના અહેવાલ પ્રમાણે, વ્હાઇટ હાઉસના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ લુટનિકને પદ પરથી હટાવવા અંગે ચર્ચા કરી રહ્યા છે. જોકે, વ્હાઇટ હાઉસના એક અધિકારીએ અગાઉ લુટનિક પર સંપૂર્ણ વિશ્વાસ હોવાની વાત કહી હતી.

એક સમયે પોતાની કાર્યક્ષમતા, ઊર્જા અને દરેક નાની બાબત પર નજર રાખવા માટે જાણીતા જેન્સેન હુઆંગ હવે મોટા વિવાદના કેન્દ્રમાં આવી ગયા છે. તેમના રાજીનામા બાદ Nvidiaના ભવિષ્ય અને વૈશ્વિક AI ઉદ્યોગ પર તેની શું અસર પડશે તે જોવું મહત્ત્વનું રહેશે.


આ પણ વાંચો: એનવિડિયા CEOના બે અફેરની ચર્ચા, ખુરશી પર સંકટ; એલન મસ્કે આપી નોકરીની ઓફર

આ પણ વાંચો: Nvidiaના શેરમાં કડાકો, જેન્સન હુઆંગની સંપત્તિમાંથી રૂપિયા 70,300 કરોડનો ઘટાડો!

આ પણ વાંચો: Nvidia CEO વિવાદ: ટ્રમ્પનો મોટો બચાવ, ચીની મહિલા પર જાસૂસીની શંકા