Vadodara News: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ આજકાલ અનેક કામોમાં થઈ રહ્યો છે, પરંતુ વડોદરામાં એક દંપતીના ઘરેલું વિખવાદમાં ChatGPTની સલાહ (AI Relationship Advice) ચર્ચાનો વિષય બની છે. પત્ની જમવાનું ગળ્યું બનાવે છે તો શું કરવું, ઝઘડો થાય ત્યારે શું જવાબ આપવો અને કયા પુરાવા રાખવા જેવા સવાલો પતિ ChatGPTને પૂછતો હોવાનો પત્નીએ આક્ષેપ કર્યો છે. AIની સલાહ બાદ પતિ પત્નીના ગુસ્સા દરમિયાન વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગ કરતો હોવાનો પણ આક્ષેપ છે. પતિના વર્તન અને છૂટાછેડાની (Husband Wife Dispute) વાતથી કંટાળેલી પત્નીએ આખરે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ માગી હતી.
AI Relationship Advice: મેટ્રિમોનિયલ સાઇટ પરથી સંપર્ક, બે વર્ષના સંબંધ બાદ લગ્ન
181 અભયમની ટીમ મહિલાએ આપેલા સરનામે પહોંચી હતી અને તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે બંનેનો સંપર્ક આશરે ચાર વર્ષ પહેલાં શાદી ડોટકોમ મારફતે થયો હતો. ત્યારબાદ બે વર્ષ સુધી સંબંધમાં રહ્યા બાદ બંનેએ લગ્ન કર્યા હતા. મહિલા મહારાષ્ટ્રની અને યુવક ગુજરાતી હોવાનું સામે આવ્યું હતું. મહિલાના જણાવ્યા મુજબ, લગ્ન પહેલાં પતિની અપેક્ષા હતી કે તે નોકરી કરે, પરંતુ લગ્ન બાદ તેણે ગૃહિણી તરીકે ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું. આ બાબતને લઈને બંને વચ્ચે મતભેદ શરૂ થયા હતા.
જમવાની વાનગીથી શરૂ થતા ઝઘડાનો ઉકેલ ChatGPT પાસે શોધતો
મહિલાના જણાવ્યા પ્રમાણે, તે મહારાષ્ટ્રીયન પદ્ધતિથી ભોજન બનાવતી હતી, જ્યારે પતિને ગુજરાતી સ્વાદ અને ગળ્યું ખાવાની ટેવ હતી. આ કારણે ભોજનને લઈને વારંવાર બંને વચ્ચે બોલાચાલી થતી હતી. આવા ઝઘડાઓનો ઉકેલ શોધવા પતિ ChatGPTને સવાલો (ChatGPT Case) પૂછતો હતો. પત્ની જમવાનું ગળ્યું બનાવે તો શું કરવું, પત્ની કોઈ જવાબ આપે તો સામે શું કહેવું અને ઝઘડો વધી જાય તો કયા પુરાવા રાખવા જેવા સવાલો તે પૂછતો હોવાનો મહિલાએ દાવો કર્યો હતો.
મહિલાનો વધુમાં આક્ષેપ છે કે ChatGPT પાસેથી દરેક વાતના પુરાવા રાખવાની સલાહ મળ્યા બાદ પતિએ તેની સાથેની બોલાચાલી દરમિયાન વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગ (Vadodara Domestic Dispute) કરવાનું શરૂ કર્યું હતું.
વીડિયો અને રેકોર્ડિંગ બતાવી હેરાન કરતો હોવાનો આક્ષેપ
મહિલાના આક્ષેપ મુજબ, પતિ તેની ગુસ્સાવાળી વાતચીતના વીડિયો અને રેકોર્ડિંગ બનાવતો હતો અને બાદમાં તે બતાવીને તેને વારંવાર હેરાન કરતો હતો. સમય જતાં બંને વચ્ચેનો ઘરેલું વિખવાદ વધતો ગયો હતો. આ દરમિયાન પતિએ છૂટાછેડાની વાત પણ શરૂ કરી હતી. પતિના આ વર્તન અને સતત તણાવથી કંટાળીને મહિલાએ 181 અભયમની મદદ લીધી હતી.
અભયમની ટીમે બંનેને સમજાવવાનો પ્રયાસ કર્યો
મામલાની જાણ થયા બાદ 181 અભયમની ટીમે પતિ-પત્ની બંનેનું કાઉન્સેલિંગ કર્યું હતું. ટીમે બંનેને સમજાવ્યું હતું કે લગ્નજીવનમાં ઊભા થતા મતભેદોનો ઉકેલ પરસ્પર સમજણ, વિશ્વાસ અને સંવાદથી લાવવો જરૂરી છે. AIની સલાહને દરેક ઘરેલું બાબતમાં અંતિમ માનીને સંબંધોમાં કડવાશ વધારવી યોગ્ય નથી.
ટીમે બંનેને એકબીજાની પસંદગી અને લાગણીઓને સમજવા, એકબીજાને સમય આપવા તથા ઉતાવળમાં છૂટાછેડા જેવા નિર્ણય ન લેવા સમજાવ્યા હતા. કાઉન્સેલિંગ દ્વારા બંને વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: મહાકાલ મંદિરમાં ચંપલ ખોવાયા તો યુવકે અપનાવી AIની મદદ, ChatGPTએ શોધી આપ્યા જૂતા!
આ પણ વાંચો: પહેલા ChatGPT પર સર્ચ, પછી માતા-ભાઈની હત્યા? ભારતીય મૂળના સગીર પર ગંભીર આરોપ
આ પણ વાંચો: સાવધાન કે સુવિધા? ChatGPT માં આવ્યું પૈસાની લેવડદેવડ ટ્રેક કરવાનું નવું ફીચર, જાણો પ્રાઇવસી સેટિંગ્સ
