AI Technology: મંદિરમાં દર્શન માટે પહોંચ્યા બાદ ચપ્પલ-જૂતાં ખોવાઈ જાય તો ભક્તો માટે તે સામાન્ય રીતે પરેશાનીનું કારણ બને છે. પરંતુ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં એક યુવક સાથે આવું બન્યું ત્યારે તેણે ચંપલ શોધવા માટે અનોખી રીત અપનાવી. આસપાસના ચંપલના ઢગલામાં પોતાની જોડી શોધવા માટે તેણે સીધી જ AI એટલે કે ChatGPTની મદદ લીધી, અને આશ્ચર્યજનક રીતે તેને પોતાના ચંપલ શોધવામાં સફળતા મળી.
ગોવાના એક યુવકે દર્શન માટે મહાકાલ મંદિર પહોંચ્યા હતા. તેમણે મંદિરની બહાર ચંપલ ઉતાર્યા હતા. દર્શન પૂર્ણ કર્યા બાદ પરત ફર્યા ત્યારે ચંપલની પોતાની જોડી ક્યાં છે તે શોધવી તેમના માટે મુશ્કેલ બની ગઈ હતી.
જૂના ફોટાથી ChatGPTને આપ્યો ક્લૂ
ચંપલનો ઢગલો જોઈને યુવકે પોતાના મોબાઇલમાં અગાઉનો એક ફોટો શોધ્યો, જેમાં તેઓ એ જ ચંપલ પહેરેલા જોવા મળતા હતા. તેમણે આ ફોટો ChatGPTને આપ્યો અને પોતાના ચંપલની ઓળખ કરવામાં મદદ માગી.

ત્યારબાદ તેમણે મંદિરની બહાર અલગ-અલગ જગ્યાએ પડેલા ચંપલના ઢગલાના ફોટોગ્રાફ્સ લીધા અને AI સાથે શેર કર્યા. ફોટામાં રહેલી વિગતોનું વિશ્લેષણ કર્યા બાદ ChatGPTએ ચંપલ કઈ જગ્યાએ હોવાની શક્યતા છે તે અંગે માર્ગદર્શન આપ્યું.

યુવકે સૂચવાયેલી જગ્યાએ તપાસ કરી તો ત્યાં તેમને પોતાના ચંપલ મળી આવ્યા. આ રીતે AIની મદદથી ચંપલ શોધવાનો અનુભવ તેમના માટે પણ ખાસ બની ગયો.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
યુવકે સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેની ભારે ચર્ચા થઈ રહી છે. લોકો AIના આ અનોખા ઉપયોગને લઈને વિવિધ પ્રકારની રમુજી ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે.
એક યુઝરે મજાકમાં લખ્યું કે દુનિયામાં લોકો AI માટે મોટા રોકાણ કરી રહ્યા છે, જ્યારે અહીં તેનો ઉપયોગ ચંપલ શોધવા માટે થઈ રહ્યો છે. અન્ય એક યુઝરે આ ઘટનાને “શક્તિઓનો ખોટો ઉપયોગ” કહીને રમૂજી પ્રતિક્રિયા આપી.
આ ઘટનાએ એ પણ બતાવ્યું કે AI ટૂલ્સનો ઉપયોગ લોકો રોજિંદા જીવનની નાની-મોટી સમસ્યાઓ ઉકેલવા માટે કેવી રીતે કરી રહ્યા છે. જોકે, AI દ્વારા ફોટામાં કોઈ વસ્તુ ઓળખવાની ક્ષમતા પરિસ્થિતિ અને તસવીરની ગુણવત્તા પર નિર્ભર રહે છે.
આ પણ વાંચો: પહેલા ChatGPT પર સર્ચ, પછી માતા-ભાઈની હત્યા? ભારતીય મૂળના સગીર પર ગંભીર આરોપ
આ પણ વાંચો: સાવધાન કે સુવિધા? ChatGPT માં આવ્યું પૈસાની લેવડદેવડ ટ્રેક કરવાનું નવું ફીચર, જાણો પ્રાઇવસી સેટિંગ્સ
આ પણ વાંચો: ChatGPTની અજાયબી, એક સામાન્ય માણસે પોતાના પાલતુ શ્વાન માટે કેન્સરની રસી બનાવવા માટે કર્યો AI નો ઉપયોગ
