Ahmedabad News: અમદાવાદમાં વધતી વાહનોની સંખ્યા સાથે ટ્રાફિક સમસ્યા ગંભીર બની રહી છે. ત્યારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ટ્રાફિક પોલીસને (Ahmedabad Traffic Police) બે મહિના સુધી ઓન-સ્પોટ મેમો આપવાની કામગીરી બંધ રાખીને (Spot Memo Ban)માત્ર ટ્રાફિક નિયમન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આદેશ આપ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, વિવિધ મુખ્ય ચાર રસ્તાઓ પર થયેલી તપાસમાં અનેક સ્થળે ટ્રાફિક પોલીસ અને TRB જવાનો ફરજના સ્થળે હાજર ન હોવાનું જોવા મળતાં તેમની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
Ahmedabad Traffic Police: કેટલાક જવાનો મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા
કેટલાક સ્થળોએ પોલીસકર્મીઓ અને TRB જવાનો ટ્રાફિક નિયંત્રણ કરવાને બદલે રોડની બાજુમાં અથવા ટ્રાફિક બૂથ પાસે ઉભા જોવા મળ્યા હતા. કેટલાક કર્મચારીઓ મોબાઈલ ફોન પર વ્યસ્ત હોવાનું પણ સામે આવ્યું હતું. જોકે, અમુક સ્થળોએ રિફ્લેક્ટર જેકેટ પહેરી જવાનો ટ્રાફિક નિયમન કરતા પણ જોવા મળ્યા હતા.
પ્રહલાદનગરથી SG હાઈવે સુધી અનેક સ્થળે ગેરહાજરી
પ્રહલાદનગર, અખબારનગર, શાસ્ત્રીનગર, હેલ્મેટ ચાર રસ્તા, AEC ચાર રસ્તા, IIM ચાર રસ્તા, સેટેલાઈટ આસોપાલવ ત્રણ રસ્તા સહિતના કેટલાક મુખ્ય જંક્શન પર તપાસ દરમિયાન પોલીસકર્મીઓ હાજર ન હોવાનું જણાવાયું છે. કેટલાક સ્થળોએ હાજર TRB જવાનો પણ રોડ પર ટ્રાફિક સંભાળવાને બદલે બાજુમાં ઉભા હોવાનું સામે આવ્યું હતું.

SG હાઈવે પર સોલા ભાગવત વિદ્યાપીઠ ચાર રસ્તા પાસે ટ્રાફિક વચ્ચે એમ્બ્યુલન્સ પસાર થવાની સ્થિતિ સર્જાઈ હોવા છતાં પોલીસકર્મીઓએ તાત્કાલિક ટ્રાફિક ખોલવામાં ધ્યાન ન આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ચાંદખેડા, ન્યૂ CG રોડ અને ગોતા સહિતના અન્ય વ્યસ્ત વિસ્તારોમાં પણ ટ્રાફિક કર્મચારીઓની ગેરહાજરી અંગે સવાલો ઊભા થયા છે.
પાલડી અને ગીતામંદિર જેવા વ્યસ્ત વિસ્તારોમાં પણ સમસ્યા
પાલડીના અંજલી ચાર રસ્તા, રાણીપ બલોલનગર ચાર રસ્તા અને ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ નજીકના વિસ્તારમાં પણ ટ્રાફિક નિયમન માટે પૂરતી હાજરી ન હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને ગીતામંદિર જેવા ભારે ટ્રાફિક ધરાવતા વિસ્તારમાં પોલીસ અને TRB જવાનોની સક્રિય હાજરી જરૂરી હોવા છતાં સ્થિતિ સંતોષકારક ન હોવાનું જણાવાયું છે.
JCPએ તપાસની ખાતરી આપી
ટ્રાફિક JCP અશ્વિન ચૌહાણે જણાવ્યું છે કે શહેરના નાગરિકોને ટ્રાફિક સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે પોલીસકર્મીઓ અને TRB જવાનોને રસ્તા પર તૈનાત રાખવામાં આવે છે. જો કોઈ પોઇન્ટ પર કર્મચારીઓ ફરજના સ્થળે હાજર ન હોવાનું સામે આવશે તો આ મામલે તપાસ કરવામાં આવશે.
પોલીસ કમિશનરના આદેશના અમલ પર સવાલ
સ્પોટ મેમોની કામગીરી ઘટાડીને ટ્રાફિક નિયમનને પ્રાથમિકતા આપવાના આદેશ બાદ પણ અનેક મુખ્ય જંક્શન પર પોલીસકર્મીઓની ગેરહાજરી સામે આવતાં હવે ટ્રાફિક શાખાની કામગીરી અને ઉચ્ચ અધિકારીઓની દેખરેખ પર સવાલો ઊભા થયા છે. અમદાવાદ જેવા મહાનગરમાં રોજિંદા ટ્રાફિકજામની સમસ્યા વચ્ચે ફરજના સ્થળે ટ્રાફિક પોલીસની સક્રિય હાજરી કેટલી અસરકારક છે, તે મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
આ પણ વાંચો: ઠાસરાના ચિતલાવમાં મહી કેનાલ પરનો ઓવરબ્રિજ ધરાશાયી, તંત્રની બેદરકારી સામે ગ્રામજનોનો આક્ષેપ
આ પણ વાંચો: ડૉ. હર્ષ પંડ્યા કેસમાં મોટો વળાંક! પિતાની ફરિયાદ બાદ 4 રેસિડેન્ટ ડોક્ટરો સામે ગુનો નોંધાયો
આ પણ વાંચો: આજવા રોડની શ્રીજી આશ્રય સોસાયટીમાં દશામાની સ્થાપનાને લઈને વિવાદ, રહીશોએ પોલીસ મથકે કરી રજૂઆત
