Ahmedabad News: અમદાવાદ શહેરના એસ.જી. હાઈવે પર સરખેજ-ઈસ્કોન (Sarkhej Iskcon Bridge) વચ્ચે બનાવવામાં આવેલા રૂ.450 કરોડથી વધુના ખર્ચના એલિવેટેડ ઓવરબ્રિજની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે તાજેતરમાં આ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. જોકે, બ્રિજ પરથી પસાર થતા એક વાહનચાલકે રસ્તાની સપાટી યોગ્ય ન હોવાનો આક્ષેપ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો છે. વાહનચાલકના દાવા મુજબ, રસ્તાનું પોલિશિંગ યોગ્ય રીતે ન થયું હોવાથી વાહનો ઉબડખાબડ રસ્તા પરથી પસાર થતાં હોય તેવો અનુભવ થાય છે.
Sarkhej Iskcon Bridge: રોજના 3 લાખથી વધુ વાહનોની અવરજવરનો દાવો
આશરે 4.5 કિલોમીટર લાંબા સરખેજ-ઈસ્કોન એલિવેટેડ ઓવરબ્રિજના શરૂ થવાથી સૌરાષ્ટ્ર તરફથી અમદાવાદ અને ગાંધીનગર તરફ આવતા વાહનચાલકોને રાહત મળી છે. દાવો કરવામાં આવે છે કે બ્રિજ પરથી દરરોજ 3 લાખથી વધુ વાહનોની અવરજવર થાય છે. તેના કારણે એસ.જી. હાઈવે (SG Highway) પર ટ્રાફિકનું ભારણ ઘટ્યું છે.
વાહનચાલકોને YMCA, પ્રહલાદનગર અને કર્ણાવતી ક્લબ જંકશન પર ટ્રાફિકમાં અટવાવામાંથી રાહત મળી છે. સરખેજથી ગાંધીનગર તરફ સિગ્નલ વિના સીધી અવરજવર પણ શક્ય બની છે.
વીડિયોમાં રસ્તાની સપાટી સામે સવાલ ઉઠાવ્યા
બીજી તરફ, ઈસ્કોનથી સરખેજ તરફ બ્રિજ પરથી પસાર થઈ રહેલા એક વાહનચાલકે વીડિયો બનાવી રસ્તાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. તેના જણાવ્યા મુજબ, રસ્તાનું પોલિશિંગ યોગ્ય રીતે (Road Quality) ન થયું હોવાથી વાહન એકસરખા લેવલ પર ચાલતું નથી અને ઉબડખાબડ રસ્તા પર ચાલતું હોય તેવો અનુભવ થાય છે.
વાહનચાલકનો એવો પણ આક્ષેપ છે કે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા છતાં રસ્તાનું કામ સંતોષકારક થયું નથી. બ્રિજ પર કેટલીક જગ્યાએ નાની કાંકરીઓ પણ જોવા મળતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સ્થિતિમાં ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકોનું સંતુલન બગડવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા આ વીડિયોને પગલે બ્રિજની રોડ સપાટીની ગુણવત્તા અને કામગીરી અંગે ચર્ચા શરૂ થઈ છે. જોકે, રસ્તાની કામગીરીમાં ખરેખર ખામી છે કે કેમ તે અંગે સંબંધિત તંત્રની તપાસ અથવા સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.
આ પણ વાંચો: અમદાવાદીઓને ટ્રાફિકમાંથી મોટી રાહત, કર્ણાવતીથી સરખેજ-સાણંદ ચોકડી સુધીનો 6 લેન ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો
આ પણ વાંચો: અમદાવાદ-ઉદેપુર હાઇવે પર કારનો અકસ્માત, ઓવરબ્રિજ પર પલટી જતાં ચાર ઇજાગ્રસ્ત
આ પણ વાંચો: રાજકોટના ગોંડલ ચોકડી બ્રિજની હાલત પર સવાલ! ફરી પડ્યા પોપડા, રસ્તા પર કાટમાળથી ટ્રાફિકજામ
