Rajasthan News : રાજસ્થાનના શ્રીગંગાનગરમાં રેલવે ટ્રેક પર થયેલા વિસ્ફોટ (Rajasthan Railway Blast)ના કેસમાં તપાસ એજન્સીઓને મોટો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કાવતરાના તાર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI (Pakistan ISI)સાથે જોડાયેલા હોવાની આશંકા છે. પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરના ઇશારે રેલવે ટ્રેક પર વિસ્ફોટકો ગોઠવી પેસેન્જર ટ્રેનને નિશાન બનાવવાની યોજના ઘડવામાં આવી હતી. જોકે, સદનસીબે ટ્રેન ઘટનાસ્થળેથી પસાર થઈ ગયા બાદ વિસ્ફોટ થયો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. આ કેસમાં રાજસ્થાન ATS, રાજસ્થાન પોલીસ અને પંજાબ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે.
શ્રીગંગાનગર રેલવે બ્લાસ્ટ કેસમાં બેની ધરપકડ
પોલીસે આ કેસમાં મહેકદીપ કૌર (Mahakdeep Kaur)અને દેવિન્દર સિંહ (Devinder Singh)નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. બંને પંજાબના રહેવાસી છે. 14 નવેમ્બરના રોજ રાજસ્થાન ATS (Rajasthan ATS), રાજસ્થાન પોલીસ અને ગુરદાસપુર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બંનેને ઝડપી પાડ્યા હતા.
ધરપકડ બાદ બંને આરોપીઓને વધુ પૂછપરછ માટે રાજસ્થાન લાવવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પાકિસ્તાનમાં રહેતા શાહ નામના વ્યક્તિએ બંનેને શ્રીગંગાનગરના રેલવે ટ્રેક પર વિસ્ફોટ કરવાની જવાબદારી સોંપી હતી. તપાસ એજન્સીઓ હવે આ વ્યક્તિની ઓળખ અને સમગ્ર નેટવર્કની વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
Rajasthan Railway Blast : પાકિસ્તાની હેન્ડલરના ઇશારે ઘડાયું કાવતરું
તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓએ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરના નિર્દેશ પર રેલવે ટ્રેક પર વિસ્ફોટકો ગોઠવ્યા હતા. આ કાવતરાનો મુખ્ય હેતુ પેસેન્જર ટ્રેનને નિશાન બનાવવાનો હતો.
પોલીસને શંકા છે કે આ સમગ્ર નેટવર્ક પાછળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI (Pakistan ISI)ની ભૂમિકા હોઈ શકે છે. જોકે, આ કાવતરામાં અન્ય કોણ-કોણ સામેલ હતું અને આરોપીઓને કઈ રીતે સૂચનાઓ આપવામાં આવતી હતી તે દિશામાં તપાસ ચાલી રહી છે.
પાકિસ્તાનથી બેંક ખાતામાં આવ્યા પૈસા, હથિયારો પણ મળ્યા
આ કેસની તપાસ દરમિયાન એક મહત્વપૂર્ણ બાબત સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહેકદીપ કૌર (Mahakdeep Kaur)ના બેંક ખાતામાં પાકિસ્તાનથી નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, આરોપીઓને પાકિસ્તાન તરફથી હથિયારો પણ પૂરા પાડવામાં આવ્યા હોવાની વિગતો તપાસમાં સામે આવી છે.
પોલીસે બંને આરોપીઓ પાસેથી બે પિસ્તોલ અને 46 કારતૂસ જપ્ત કર્યા છે. હવે તપાસ એજન્સીઓ નાણાં કયા માધ્યમથી મોકલવામાં આવ્યા, હથિયારો ક્યાંથી પહોંચાડવામાં આવ્યા અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તેની તપાસ કરી રહી છે.
3 નવેમ્બરે થયો હતો રેલવે ટ્રેક પર વિસ્ફોટ
ઉલ્લેખનીય છે કે, 3 નવેમ્બરના રોજ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં રેલવે ટ્રેક પર વિસ્ફોટ થયો હતો. તપાસ મુજબ, શંકાસ્પદોએ પેસેન્જર ટ્રેનને નિશાન બનાવવાના ઇરાદાથી ટ્રેક પર વિસ્ફોટકો ગોઠવ્યા હતા.
જોકે, વિસ્ફોટ થયો તે પહેલાં પેસેન્જર ટ્રેન ત્યાંથી પસાર થઈ ગઈ હતી. પરિણામે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોનો આબાદ બચાવ થયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી.
અન્ય મદદગારોની શોધખોળ તેજ
બે આરોપીઓની ધરપકડ બાદ હવે તપાસ એજન્સીઓ આ કાવતરામાં સામેલ અન્ય લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ દ્વારા કેટલાક શંકાસ્પદોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.
આરોપીઓને પાકિસ્તાનથી સૂચનાઓ કેવી રીતે મળતી હતી, નાણાં અને હથિયારો પહોંચાડવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થયો હતો અને રેલવે ટ્રેક પર વિસ્ફોટનું આયોજન કોણે કર્યું હતું તે તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે. તપાસમાં વધુ ખુલાસા અને ધરપકડ થવાની શક્યતા છે.
