Entertainment News/ અમિતાભ બચ્ચનના ‘જલસા’ બંગલાની માલિકી પર વિવાદ, 33 વર્ષ જૂની ગિફ્ટ ડીડને રમોલા બચ્ચને પડકારી

Jalsa Bungalow Dispute: અમિતાભ બચ્ચનના ‘જલસા’ બંગલાની માલિકીને લઈને રમોલા બચ્ચને સવાલો ઉઠાવ્યા છે. 1993ની ગિફ્ટ ડીડ દ્વારા માલિકી જયા બચ્ચનના નામે ટ્રાન્સફર કરાઈ હોવાનો દાવો છે. મામલે સુનાવણી શરૂ થઈ છે, પરંતુ અંતિમ નિર્ણય હજુ આવ્યો નથી.

Top Stories Entertainment
Jalsa Bungalow Dispute: અમિતાભના 'જલસા' બંગલાની માલિકી પર મોટો વિવાદ, 33 વર્ષ જૂની ગિફ્ટ ડીડ સામે સવાલ

Bollywood News: બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના મુંબઈના જુહુ સ્થિત બંગલા ‘જલસા’ની માલિકીને લઈને વિવાદ (Jalsa Bungalow Dispute) સામે આવ્યો છે. અમિતાભના ભાઈ અજિતાભ બચ્ચનની પત્ની રમોલા બચ્ચને બંગલાની માલિકી જયા બચ્ચનના નામે ટ્રાન્સફર કરવામાં આવી હોવા સામે વાંધો ઉઠાવ્યો છે. છેલ્લા સાત મહિનામાં તેમણે રજિસ્ટ્રાર ઓફિસમાં અનેક વખત ફરિયાદ કરી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

રમોલાનો દાવો છે કે ‘જલસા'(Jalsa Bungalow) અગાઉ તેમના નામે રજિસ્ટર્ડ હતો. વર્ષ 1993માં ગિફ્ટ ડીડ (Gift Deed 1993) દ્વારા બંગલાની માલિકી જયા બચ્ચનના નામે કરવામાં આવી હતી. જોકે, આ ટ્રાન્સફર અંગે તેમને જાણ કરવામાં આવી નહોતી અને તેમણે સંમતિ પણ આપી નહોતી. આથી તેમણે ગિફ્ટ ડીડની માન્યતા સામે સવાલો ઉઠાવ્યા છે.

Jalsa Bungalow Dispute: પ્રોપર્ટીના રેકોર્ડમાં અલગ-અલગ નામ

અહેવાલો મુજબ, કપોલ હાઉસિંગ સોસાયટીના રેકોર્ડમાં જયા બચ્ચનને બંગલાની માલિક તરીકે દર્શાવવામાં આવ્યાં છે, જ્યારે મહારાષ્ટ્ર સરકારના પ્રોપર્ટી કાર્ડમાં હજુ પણ રમોલા બચ્ચનનું નામ નોંધાયેલું છે. સરકારી રેકોર્ડમાંથી રમોલાનું નામ હટાવીને જયા બચ્ચનનું નામ દાખલ કરાવવાના પ્રયાસો બાદ આ વિવાદ ફરી ચર્ચામાં આવ્યો (Bachchan Family News) છે.

33 વર્ષ જૂની ગિફ્ટ ડીડની પ્રક્રિયા સામે પણ વાંધો

રમોલાએ 1993માં તૈયાર કરવામાં આવેલી ગિફ્ટ ડીડની પ્રક્રિયા સામે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમની ફરિયાદ મુજબ, આ દસ્તાવેજ સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવ્યા વિના સાદા કાગળ પર તૈયાર કરવામાં આવ્યો હતો અને તેમાં સાક્ષીઓની સહી પણ નહોતી. આ ઉપરાંત દસ્તાવેજના પાછળથી થયેલા રજિસ્ટ્રેશન અને મહારાષ્ટ્ર સરકારની ‘અભય યોજના’ હેઠળ તેને નિયમિત કરવાની પ્રક્રિયાને પણ તેમણે પડકારી છે.

અજિતાભ અને રમોલા લાંબા સમય સુધી લંડનમાં રહ્યાં

અજિતાભ બચ્ચન અને તેમનો પરિવાર અગાઉ લાંબા સમય સુધી લંડનમાં રહેતો હતો. વર્ષ 2002માં ‘રેડિફ’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં અજિતાભે જણાવ્યું હતું કે તેઓ પત્ની રમોલા અને બાળકો સાથે લંડનના હેમ્પસ્ટેડ વિસ્તારમાં રહેતા હતા.

વર્ષ 2012ના ‘ધ ટેલિગ્રાફ’ના અહેવાલ મુજબ, તેઓ મુંબઈ પરત આવ્યા હતા અને જુહુમાં આવેલા બચ્ચન પરિવારના બંગલા ‘પ્રતીક્ષા’માં રહેતા હતા. ‘ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના વર્ષ 2025ના અહેવાલ અનુસાર, અજિતાભ અને તેમનો પરિવાર લાંબા સમય સુધી લંડનમાં રહ્યા બાદ ભારત પરત ફર્યા હતા. જોકે, તેઓ હાલમાં ક્યાં રહે છે તે અંગે સ્પષ્ટ માહિતી નથી.

ફરિયાદ બાદ સુનાવણી શરૂ

અંધેરીના ડેપ્યુટી રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ સોસાયટીઝના અધિકારી ફૈઝ મુલાનીએ ફરિયાદ મળ્યાની પુષ્ટિ કરી છે. ‘મુંબઈ મિરર’ના અહેવાલ મુજબ, તેમણે જણાવ્યું હતું કે આ મામલે સુનાવણી શરૂ કરવામાં આવી છે અને સંબંધિત પક્ષકારોને પોતાનો જવાબ રજૂ કરવા જણાવાયું છે. જોકે, હજુ સુધી 1993ની ગિફ્ટ ડીડની માન્યતા કે બંગલાની વાસ્તવિક માલિકી અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

અમિતાભ બચ્ચનને ભેટમાં મળ્યો હતો ‘જલસા’ બંગલો

મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલો ‘જલસા’ બંગલો આશરે 10,125 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. વર્ષ 1982માં અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘સત્તે પે સત્તા’ની સફળતા બાદ ફિલ્મના દિગ્દર્શક રમેશ સિપ્પીએ તેમને આ બંગલો ભેટમાં આપ્યો હોવાનું જણાવાય છે. ત્યારબાદ અમિતાભ પરિવાર સાથે અહીં રહેવા આવ્યા હતા. ‘જલસા’ ઉપરાંત બચ્ચન પરિવાર પાસે ‘પ્રતીક્ષા’ અને ‘જનક’ નામના બંગલા પણ છે.

નાના ભાઈ અજિતાભના કારણે મળી હતી પહેલી ફિલ્મ

અમિતાભ બચ્ચને વર્ષ 1969માં મૃણાલ સેનની ફિલ્મ ‘ભુવન શોમ’માં વોઇસ નેરેટર તરીકે કામ કર્યું હતું. એ જ વર્ષે ‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મથી તેમણે અભિનય ક્ષેત્રે શરૂઆત કરી હતી. અહેવાલો અનુસાર, આ ફિલ્મ માટે અમિતાભનું નામ તેમના નાના ભાઈ અજિતાભે સૂચવ્યું હતું. અજિતાભને મિત્ર મારફતે જાણ થઈ હતી કે દિગ્દર્શક ખ્વાજા અહમદ અબ્બાસ પોતાની ફિલ્મ માટે કલાકાર શોધી રહ્યા છે. ત્યારબાદ તેમણે અમિતાભનો ફોટો મોકલ્યો હતો અને આ રીતે અમિતાભને ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી.


આ પણ વાંચો: અમિતાભ બચ્ચનના ‘જલસા’ બંગલાને બોમ્બથી ઉડાવવાની ધમકી, બોમ્બે HC પણ નિશાને

આ પણ વાંચો: મુંબઈમાં બોમ્બની ધમકી: ‘જલસા’ અને હાઈકોર્ટ પણ નિશાને

આ પણ વાંચો: અમિતાભ બચ્ચનની સાસુ ઇંદિરા ભાદુરીની તબિયત બગડી, ભોપાલની હોસ્પિટલમાં દાખલ