Rajasthan News: ડેટિંગ એપ પર થયેલી ઓળખાણ પ્રેમસંબંધમાં બદલાતાં કેનેડાથી લગ્ન કરવા ભારત આવેલી 61 વર્ષીય મહિલાને રાજસ્થાનના નીમરાણામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો (Canadian Woman Marriage Dispute) હતો. મહિલાના ભારતીય પ્રેમીએ તેની ઉંમર જાણ્યા બાદ લગ્ન કરવાની ના પાડી દેતાં બંને વચ્ચે વિવાદ થયો હતો. મામલો કેનેડાના દૂતાવાસ સુધી પહોંચતાં પોલીસે મધરાતે કાર્યવાહી કરી મહિલાને સુરક્ષિત કસ્ટડીમાં લીધી હતી.
Canadian Woman Marriage Dispute: એક વર્ષ પહેલાં ડેટિંગ એપ પર થઈ હતી ઓળખાણ
પોલીસના જણાવ્યા અનુસાર, હરિયાણાના પાણીપતનો રહેવાસી નિતિન ખાનગી શાળામાં શિક્ષક તરીકે કામ કરે છે. આશરે એક વર્ષ પહેલાં તેની ઓળખાણ એક ડેટિંગ એપ મારફતે કેનેડાની મહિલા સાથે થઈ હતી. ત્યારબાદ બંને સોશિયલ મીડિયા દ્વારા સતત સંપર્કમાં રહેતાં હતાં. સમય જતાં તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો (Dating App Relationship) અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
લગ્નના વચન પર વિશ્વાસ રાખીને 61 વર્ષીય મહિલા 11 નવેમ્બરે ટૂરિસ્ટ વિઝા પર દિલ્હી એરપોર્ટ પહોંચી હતી. નિતિન તેને એરપોર્ટ પરથી લેવા ગયો હતો અને ત્યારબાદ રાજસ્થાનના કોટપૂતલી-બહેરોડ જિલ્લાના નીમરાણામાં આવેલી બીબી બિલ્ડર્સ સોસાયટીમાં તેના મામા-મામીના ફ્લેટ પર લઈ ગયો હતો. બંને ત્યાં આશરે બે દિવસ સાથે રહ્યાં હતાં.
ઉંમર જાણ્યા બાદ લગ્નનો ઇનકાર
અહેવાલો અનુસાર, લગ્નની તૈયારીઓ અંગે વાતચીત દરમિયાન નિતિનને મહિલાની ઉંમર આશરે 61 વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેણે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને વિવાદ થયો હતો.
નિતિનના ઇનકારથી પરેશાન મહિલાએ 13 નવેમ્બરે કેનેડાના દૂતાવાસનો સંપર્ક કરીને મદદ માગી હતી. દૂતાવાસ તરફથી જાણ કરવામાં આવતાં નીમરાણા પોલીસ 14 નવેમ્બરે વહેલી સવારે આશરે 4 વાગ્યે સોસાયટીમાં પહોંચી હતી. પોલીસે બંનેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જઈને મામલાની તપાસ કરી હતી.
યુવકને જામીન પર મુક્ત કર્યો, મહિલા સુરક્ષિત કસ્ટડીમાં
પોલીસે શાંતિ ભંગ કરવાની આશંકાના આધારે નિતિનને કસ્ટડીમાં લીધો હતો. જોકે, બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. બીજી તરફ, કેનેડાની મહિલાને કોટપૂતલી (Kotputli Behror) સ્થિત એક કેન્દ્રમાં સુરક્ષિત રાખવામાં આવી છે.
પોલીસ અધિકારીઓ કેનેડાના દૂતાવાસ (Canadian Embassy) અને સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને મહિલાને સુરક્ષિત રીતે પરત કેનેડા મોકલવાની વ્યવસ્થા કરી રહ્યા છે.
આ પણ વાંચો: ડેટિંગ એપમાં દગો, હવે AI સાથે ઇશ્ક! શું ચેટબોટ છીનવી લેશે માણસનું સ્થાન?
આ પણ વાંચો: ડેટિંગ એપ પર મિત્રતા કરવી પડી ભારે, અમદાવાદમાં યુવક સાથે ઠગાઈ
આ પણ વાંચો: સુરતમાં ગે ડેટિંગ એપ મારફતે યુવકોને ફસાવી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ
