National News : લોનના હપ્તા સમયસર ન ભરાય તો ફાઇનાન્સ કંપનીઓ દ્વારા વાહન જપ્ત કરવા માટે બળજબરી અને દાદાગીરીનો આશરો લેવામાં આવતો હોવાની ફરિયાદો સામે આવતી રહે છે. ત્યારે અલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad High Court)એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં ફાઇનાન્સ કંપની (Finance Company)ઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે લોનની વસૂલાત માટે ગુંડાઓ કે રિકવરી એજન્ટો (Recovery Agents)નો ઉપયોગ કરીને વાહન જપ્ત કરી શકાય નહીં. કંપનીને વાહન પરત મેળવવાનો અધિકાર હોઈ શકે છે, પરંતુ તેના માટે કાયદામાં નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવું ફરજિયાત છે.
રસ્તા પર રોકીને બંદૂકની અણીએ વાહન છીનવી લીધું
આ મામલો સદાબ અહેમદ નામના વ્યક્તિની અરજી સાથે જોડાયેલો છે. તેમણે ડિસેમ્બર 2023માં ટાટા કંપનીનું કાર્ગો વાહન ખરીદ્યું હતું, જેના માટે HDB ફાઇનાન્શિયલ સર્વિસીસ પાસેથી લોન લીધી હતી. આ લોન ₹64,059ના 45 હપ્તામાં ચૂકવવાની હતી.

અરજદારના જણાવ્યા અનુસાર, 9 ઓગસ્ટ 2026ના રોજ ચંદૌલીમાં કેટલાક લોકોએ તેમને રસ્તા પર રોક્યા હતા. આ લોકો ફાઇનાન્સ કંપની (Finance Company)સાથે સંકળાયેલા હોવાનું કહેવાયું હતું. તેમણે બંદૂકની અણીએ ધમકાવીને વાહન કબજે કરી લીધું હતું. એટલું જ નહીં, વાહન જપ્ત (Vehicle Seizure)કર્યાના દસ્તાવેજો પર પણ તેમની પાસે બળજબરીથી સહી કરાવવામાં આવી હતી.
ફાઇનાન્સ કંપની ગુંડાઓની મદદથી વસૂલાત ન કરી શકે
આ ઘટના બાદ સદાબ અહેમદે ફાઇનાન્સ કંપની (Finance Company), સ્થાનિક પોલીસ અને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ કરી હતી. જોકે, વાહન પરત ન મળતાં તેમણે અલ્હાબાદ હાઈકોર્ટ (Allahabad High Court)ના દરવાજા ખખડાવ્યા હતા.
જસ્ટિસ જેજે મુનીર અને જસ્ટિસ ઇન્દ્રજીત શુક્લાની ડિવિઝન બેન્ચે કેસની સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે ફાઇનાન્સ કંપનીને કરારની શરતો મુજબ વાહન પરત મેળવવાનો અધિકાર હોઈ શકે છે, પરંતુ તે અધિકારનો ઉપયોગ કાયદેસરની પ્રક્રિયા દ્વારા જ કરી શકાય છે. વસૂલાત એજન્ટો કે અસામાજિક તત્ત્વોની મદદથી વાહન છીનવી લેવાની મંજૂરી આપી શકાય નહીં. આ માટે કંપનીએ સિવિલ કોર્ટ અથવા મધ્યસ્થી જેવી કાયદેસરની વ્યવસ્થાનો આશરો લેવો જોઈએ.
ખાનગી કંપનીને પોલીસ જેવી સત્તા મળી શકે નહીં
હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે લોન કરારમાં વાહન પરત મેળવવાની જોગવાઈ હોવાનો અર્થ એ નથી કે કંપની પોતાની રીતે બળજબરી કરી શકે. જો આવી જોગવાઈના આધારે રસ્તા પર વાહન રોકીને જપ્ત કરવાની છૂટ આપવામાં આવે તો ખાનગી કંપનીઓને રાજ્યની બળપ્રયોગ કરવાની સત્તા આપ્યા સમાન સ્થિતિ સર્જાય.
કોર્ટે નોંધ્યું હતું કે અરજદારે કુલ 45 હપ્તામાંથી 31 હપ્તા ચૂકવી દીધા હતા. તેમ છતાં હાઈવે પર બંદૂકની અણીએ તેમનું વાહન કબજે કરવામાં આવ્યું હોવાનો આરોપ હતો. સુનાવણી દરમિયાન આ ગંભીર આરોપનો યોગ્ય ઇનકાર પણ કરવામાં આવ્યો નહોતો.
વાહન પરત કરવા અને ₹10 હજાર ચૂકવવા આદેશ
સમગ્ર મામલાને ધ્યાનમાં રાખીને અલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad High Court)ફાઇનાન્સ કંપનીને કોઈપણ પૂર્વશરત વિના અરજદારનું વાહન તાત્કાલિક પરત કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ બાકી લોનનું પુનર્ગઠન કરવા અને તેના પર દંડાત્મક વ્યાજ ન વસૂલવા પણ નિર્દેશ આપ્યો હતો.
આ ઉપરાંત, કોર્ટે ફાઇનાન્સ કંપની પર ₹10,000નો ખર્ચ પણ ફટકાર્યો હતો. આ ચુકાદો લોનના હપ્તા બાકી રહેવાના કિસ્સામાં વાહન જપ્ત (Vehicle Seizure)
કરવા માટે બળજબરીનો આશરો લેતી ફાઇનાન્સ કંપનીઓ માટે મહત્ત્વપૂર્ણ સંદેશ સમાન છે.
