Breaking News/ ગુજરાતમાં મકાન ભાડે લેનાર-આપનાર માટે નવો કાયદો: 3 મહિનાથી વધુ ડિપોઝિટ નહીં, લેખિત કરાર ફરજિયાત; વિધાનસભામાં Rent Bill-2026

ગુજરાતમાં ભાડાના મકાન માટે દાયકાઓ જૂના કાયદામાં ફેરફારની તૈયારી. નવા Gujarat Rent Bill 2026 હેઠળ 3 મહિનાથી વધુ ડિપોઝિટ નહીં, લેખિત કરાર ફરજિયાત અને મકાનમાલિક-ભાડુઆત બંનેની જવાબદારીઓ નક્કી કરવાની દરખાસ્ત.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Gujarat Rent Bill 2026: ભાડાના મકાન માટે નવા નિયમો, 3 મહિનાથી વધુ ડિપોઝિટ નહીં; લેખિત Rent Agreement ફરજિયાત

Breaking News: ગુજરાતમાં ભાડાના મકાન અને કોમર્શિયલ મિલકતોને લગતી દાયકાઓ જૂની વ્યવસ્થામાં મોટા ફેરફારની તૈયારી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા Gujarat Rent Bill, 2026 વિધાનસભામાં રજૂ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ થનારા આ ખરડામાં 1947ના Gujarat Rents, Hotel and Lodging House Rates Control Actને રદ કરીને કરાર આધારિત નવી ભાડા વ્યવસ્થા અમલમાં મૂકવાની દરખાસ્ત છે. પ્રસ્તાવિત કાયદામાં મકાનમાલિક અને ભાડુઆત બંનેની જવાબદારી સ્પષ્ટ કરવા ઉપરાંત ભાડાના વિવાદોનો ઝડપી નિકાલ થાય તે માટે અલગ સત્તામંડળ, કોર્ટ અને ટ્રિબ્યુનલની વ્યવસ્થા કરવાની જોગવાઈ છે.

Gujarat Rent Bill 2026: સૌથી મોટો ફેરફાર: 3 મહિનાથી વધુ સિક્યોરિટી ડિપોઝિટ નહીં

પ્રસ્તાવિત બિલની સૌથી મહત્વની જોગવાઈ પૈકી એક સિક્યોરિટી ડિપોઝિટની મર્યાદા છે. નવા કાયદા હેઠળ મકાનમાલિક ભાડુઆત પાસેથી ત્રણ મહિનાના ભાડાથી વધુ સિક્યોરિટી ડિપોઝિટ લઈ શકશે નહીં. મકાન ખાલી કર્યા બાદ મકાનમાલિક દ્વારા માન્ય કપાત કરવામાં આવે તે બાદ બાકીની ડિપોઝિટ એક મહિનાની અંદર પરત કરવાની જોગવાઈ પ્રસ્તાવિત કરવામાં આવી છે. આ નિયમથી ભાડાના મકાનમાં પ્રવેશતી વખતે મોટી ડિપોઝિટની રકમ ચૂકવવી પડતી હોવાની સમસ્યામાં ભાડુઆતોને રાહત મળવાની શક્યતા છે.

લેખિત Rent Agreement વિના મકાન ભાડે આપી કે લઈ નહીં શકાય

પ્રસ્તાવિત કાયદો અમલમાં આવ્યા બાદ લેખિત ભાડા કરાર ફરજિયાત બનશે. મકાનમાલિક અને ભાડુઆતે નિર્ધારિત ફોર્મેટમાં ભાડા કરારની વિગતો સંયુક્ત રીતે Rent Authorityને આપવાની રહેશે. આ માટે ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવવાની પણ દરખાસ્ત છે. કરાર થયા બાદ નિર્ધારિત સમયગાળામાં તેની માહિતી સત્તામંડળ સમક્ષ રજૂ કરવાની રહેશે. આ વ્યવસ્થાનો હેતુ ભાડા સંબંધિત વ્યવહારોને વધુ પારદર્શક બનાવવાનો છે.

ભાડાના વિવાદ માટે Rent Authority, Court અને Tribunal

મકાનમાલિક અને ભાડુઆત વચ્ચે ભાડું, કબજો, ડિપોઝિટ અથવા અન્ય બાબતોને લઈને વિવાદ થાય ત્યારે ઝડપી ઉકેલ મળી રહે તે માટે નવા માળખાની દરખાસ્ત કરવામાં આવી છે. આ માટે Rent Authority, Rent Court અને Rent Tribunal જેવી વ્યવસ્થા ઊભી કરવાની દરખાસ્ત છે.

Rent Authorityના વડા તરીકે ડેપ્યુટી કલેક્ટર અથવા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરથી નીચા દરજ્જાના અધિકારીની નિમણૂક નહીં થાય તેવી જોગવાઈ છે. જ્યારે Rent Courtનું નેતૃત્વ એડિશનલ કલેક્ટર અથવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવે તેવી દરખાસ્ત છે. સામાન્ય રીતે આવા કેસોનો નિકાલ 60 દિવસની અંદર કરવાનો પ્રયાસ કરવાની જોગવાઈ પણ પ્રસ્તાવિત છે.

Gujarat Rent Bill 2026: કરાર પૂરો થયા બાદ પણ મકાન ખાલી નહીં કરો તો બમણું ભાડું

નવા ખરડા હેઠળ ભાડાના કરારની મુદત પૂર્ણ થયા બાદ જો ભાડુઆત કરાર રિન્યૂ કર્યા વિના મિલકતનો કબજો જાળવી રાખે તો તેને નિયમિત માસિક ભાડા કરતાં બમણું ભાડું ચૂકવવું પડી શકે છે. જોકે કુદરતી આપત્તિના કિસ્સામાં ભાડુઆતને વિશેષ રાહત આપવામાં આવી છે. યુદ્ધ, પૂર અથવા ચક્રવાત જેવી આપત્તિના સંજોગોમાં આપત્તિનો સમયગાળો પૂર્ણ થયા બાદ વધુમાં વધુ એક મહિના સુધી કબજો જાળવી રાખવાની છૂટ આપવાની જોગવાઈ છે.

Gujarat Rent Bill 2026: ભાડુઆત મનમાની રીતે મકાન સબ-લેટ નહીં કરી શકે

ભાડે લીધેલી મિલકતનો સંપૂર્ણ અથવા કોઈ ભાગ અન્ય વ્યક્તિને ભાડે આપવો એટલે કે સબ-લેટ કરવો હોય તો કરારમાં તેની પરવાનગી હોવી જરૂરી રહેશે. મકાનમાલિકની પરવાનગી વિના ભાડુઆત મિલકતને અન્ય વ્યક્તિને ભાડે આપી શકશે નહીં તેવી જોગવાઈ પ્રસ્તાવિત છે.

Gujarat Rent Bill 2026: મકાનમાલિક પણ ગમે ત્યારે મકાનમાં પ્રવેશી નહીં શકે

નવા નિયમો હેઠળ મકાનમાલિક અથવા પ્રોપર્ટી મેનેજરે ભાડાની મિલકતમાં પ્રવેશતા પહેલાં ભાડુઆતને અગાઉથી જાણ કરવી પડશે. સાથે જ સૂર્યોદય પહેલાં અથવા સૂર્યાસ્ત બાદ મકાનમાં પ્રવેશવાની મંજૂરી નહીં હોય તેવી જોગવાઈ કરવામાં આવી છે. આથી ભાડુઆતની ગોપનીયતા અને રહેઠાણના અધિકારને ધ્યાનમાં રાખીને નિયમિત પ્રક્રિયા નક્કી કરવામાં આવી રહી છે.

Gujarat Rent Bill 2026: મકાનમાલિકે કયા સમારકામ કરવાના રહેશે?

પ્રસ્તાવિત બિલમાં મકાનમાલિકની જવાબદારીઓ પણ સ્પષ્ટ કરવામાં આવી છે. ભાડુઆતના કારણે થયેલા નુકસાન સિવાયના માળખાગત સમારકામ માટે મકાનમાલિક જવાબદાર રહેશે. આ ઉપરાંત ચૂનો અને રંગકામ, બારી-બારણાંનું રંગકામ, નળ અને પાઇપનું જરૂરી સમારકામ, આંતરિક અને બાહ્ય ઇલેક્ટ્રિકલ વાયરિંગની જાળવણી, જેવી બાબતોની જવાબદારી મકાનમાલિકની રહેશે.

Gujarat Rent Bill 2026: ભાડુઆતને પણ કેટલીક જાળવણી કરવી પડશે

ભાડુઆતની જવાબદારીઓ પણ નવા ખરડામાં નિર્ધારિત કરવામાં આવી છે. ભાડુઆતે સામાન્ય અને નિયમિત જાળવણીની જવાબદારી નિભાવવાની રહેશે. તેમાં નળના વોશર અને નળ બદલવા, ગટર સાફ કરવી, શૌચાલય અને વોશ બેસિનની જાળવણી, બાથટબ અને ગીઝરનું સમારકામ,સ્વીચ અને સોકેટની જાળવણી,ઇલેક્ટ્રિકલ ઉપકરણોની સામાન્ય જાળવણી, રસોડાની ફિટિંગ્સની જાળવણી, દરવાજા-બારીના હેન્ડલ અને તાળાં, કાચની પેનલ અને ભાડે લીધેલી બગીચા અથવા ખુલ્લી જગ્યાની જાળવણી જેવી બાબતોનો સમાવેશ થાય છે.

Gujarat Rent Bill 2026:આવશ્યક સુવિધા બંધ કરીને ભાડુઆતને પરેશાન નહીં કરી શકાય

મકાનમાલિકને ભાડુઆત માટે ઉપલબ્ધ આવશ્યક સેવાઓ અથવા પુરવઠો બંધ કરવાની મંજૂરી નહીં હોય તેવી જોગવાઈ પણ પ્રસ્તાવિત છે. માત્ર ભાડું ચૂકવવામાં આવ્યું નથી તે કારણસર તરત જ ભાડુઆતને મકાનમાંથી બહાર કાઢવાની કાર્યવાહી પણ કરી શકાશે નહીં. જોકે, જો ભાડુઆત સતત બે મહિના સુધી ભાડું ચૂકવતો નથી, તો મકાન ખાલી કરાવવા માટે કાર્યવાહી કરી શકાય તેવી જોગવાઈ છે.

Gujarat Rent Bill 2026: ખાલી જમીન ધરાવતી ભાડાની મિલકતો માટે પણ જોગવાઈ

પ્રસ્તાવિત કાયદામાં એવી ભાડાની મિલકતો માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવી રહી છે, જેમાં ખાલી જમીનનો સમાવેશ થતો હોય. અર્થાત, ભાડાની વ્યવસ્થા માત્ર રહેણાંક મકાન અથવા બિલ્ડિંગ પૂરતી મર્યાદિત ન રહે તે માટે કેટલીક અન્ય પ્રકારની મિલકતોને પણ આવરી લેવાની જોગવાઈ છે.

Gujarat Rent Bill 2026: મકાનમાલિક અને ભાડુઆત બંને માટે બદલાશે નિયમો

Gujarat Rent Bill 2026નો મુખ્ય હેતુ જૂની ભાડા નિયંત્રણ વ્યવસ્થાને બદલીને કરાર આધારિત અને વધુ સ્પષ્ટ ભાડા વ્યવસ્થા ઉભી કરવાનો છે. ડિપોઝિટની મર્યાદા, લેખિત કરાર, મકાનમાલિકના પ્રવેશના નિયમો, બંને પક્ષની જાળવણીની જવાબદારી અને વિવાદોના ઝડપી નિકાલ માટે અલગ વ્યવસ્થા જેવા ફેરફારો આ ખરડાને મહત્વપૂર્ણ બનાવે છે. હવે આ બિલ વિધાનસભામાં રજૂ થયા બાદ તેની ચર્ચા અને પ્રક્રિયા આગળ વધશે. અંતિમ કાયદો કઈ તારીખથી અમલમાં આવશે અને કઈ જોગવાઈઓમાં ફેરફાર થશે તે વિધાનસભાની કાર્યવાહી બાદ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો:માલિકની મંજૂરી વગર બાંધકામ કરનાર ભાડુઆતને મિલકત ખાલી કરવી પડશે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો,જો ભાડુઆત હેતુફેર કરે તો માલિક મિલકત ખાલી કરાવી શકે છે

આ પણ વાંચો:કેનેડામાં ભારતીય ભાડુઆતનો સામાન ઘરની બહાર ફેંકાયો, વીડિયો થયો વાયરલ