Ahmedabad News/ અમદાવાદમાં PF ઓફિસ બંધ, દિવ્યાંગ કેન્દ્રને તાળાં! લોકો પરેશાન

મણિનગરમાં આવેલી અમદાવાદ PF Office (Ahmedabad PF Office) અચાનક બંધ કરી દેવામાં આવી છે, જ્યારે અસારવા રેલવે કચેરીમાં દિવ્યાંગો માટેનું સુવિધા કેન્દ્ર (Disabled Facility Centre)પણ તાળાંબંધીનો સામનો કરી રહ્યું છે

Ahmedabad Gujarat
મણિનગરમાં આવેલી અમદાવાદ PF Office (Ahmedabad PF Office) અચાનક બંધ કરી દેવામાં આવી છે

Ahmedabad News : અમદાવાદમાં સરકારી કચેરીઓના અણઘડ વહીવટ અને બેદરકારી (Government Negligence)નો ભોગ સામાન્ય નાગરિકો બની રહ્યા છે. પૂર્વ અમદાવાદમાં બે મહત્ત્વની સરકારી કચેરીઓની કામગીરીને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મણિનગરમાં આવેલી અમદાવાદ PF Office (Ahmedabad PF Office) અચાનક બંધ કરી દેવામાં આવી છે, જ્યારે અસારવા રેલવે કચેરીમાં દિવ્યાંગો માટેનું સુવિધા કેન્દ્ર (Disabled Facility Centre)પણ તાળાંબંધીનો સામનો કરી રહ્યું છે. કોઈ આગોતરી જાણકારી કે વૈકલ્પિક વ્યવસ્થાની સ્પષ્ટતા ન હોવાથી વડીલો, દિવ્યાંગો અને અન્ય અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે.

મણિનગરની PF ઓફિસ અચાનક બંધ, CTM ખસેડાઈ

મણિનગર રેલવે સ્ટેશન સામે આવેલા સત્યમ્ શિવમ્ સુંદરમ્ ટાવરમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO Office)ની કચેરી કાર્યરત હતી. જોકે, તાજેતરમાં આ કચેરીને અચાનક બંધ કરીને CTM વિસ્તારમાં ખસેડવામાં આવી છે. આ અંગે અગાઉથી કોઈ જાહેર સૂચના કે યોગ્ય જાણકારી આપવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે.

પરિણામે કેવાયસી અપડેટ, પીએફ ખાતા સંબંધિત કામગીરી અને અન્ય જરૂરી કામ માટે મણિનગરની જૂની કચેરીએ પહોંચતા અરજદારોને નિરાશ થઈને પરત ફરવું પડી રહ્યું છે.

Ahmedabad PF Office : નવી કચેરીનું સરનામું પણ જાહેર નહીં

સૌથી વધુ મુશ્કેલી એ છે કે મણિનગરની જૂની ઓફિસ પર નવી કચેરીનું સંપૂર્ણ સરનામું કે સંપર્કની વિગતો આપવામાં આવી નથી. લિફ્ટના દરવાજા પાસે માત્ર એક કાગળ લગાવીને પીએફ ઓફિસ ખાલી કરી હોવાની અને હવે અહીં નહીં આવવાની સૂચના આપવામાં આવી છે.

પરંતુ નવી ઓફિસ ક્યાં શરૂ કરવામાં આવી છે, ત્યાં કેવી રીતે પહોંચવું અને કામગીરી માટે કોનો સંપર્ક કરવો તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. ખાસ કરીને વડીલો અને દૂરના વિસ્તારોમાંથી આવતા અરજદારો માટે આ સ્થિતિ મુશ્કેલીરૂપ બની છે.

અસારવા રેલવે કચેરીના દિવ્યાંગ કેન્દ્રને તાળાં

બીજી તરફ, અસારવા ચામુંડા બ્રિજ પાસે આવેલી રેલવે કચેરી (Asarwa Railway Office)માં દિવ્યાંગ મુસાફરો માટે પાસ કઢાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જોકે, હાલમાં આ દિવ્યાંગ સુવિધા કેન્દ્ર (Disabled Facility Centre)પણ બંધ હાલતમાં છે.

મુસાફરીના પાસ કઢાવવા માટે આવતા દિવ્યાંગોને કચેરી બંધ હોવાથી પરત ફરવું પડી રહ્યું છે. આ કેન્દ્ર કેટલા સમય સુધી બંધ રહેશે અને પાસની કામગીરી ક્યાંથી કરાવી શકાશે તે અંગે કોઈ સૂચના પણ લગાવવામાં આવી નથી.

સરકારી આયોજનનો અભાવ, નાગરિકો હેરાન

દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ સરકારી કચેરીઓની કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે, તેમ છતાં અસારવાનું દિવ્યાંગ સુવિધા કેન્દ્ર (Disabled Facility Centre)બંધ હોવાને કારણે મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. કચેરીમાં હાજર સુરક્ષા કર્મચારીઓ પાસેથી પણ યોગ્ય માહિતી મળતી ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે.

એક તરફ ડિજિટલ સેવાઓ અને નાગરિક સુવિધાઓ વધારવાની વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ મહત્ત્વની સરકારી કચેરીઓ બંધ કરવા કે સ્થળાંતર કરવા અંગે નાગરિકોને સમયસર જાણ કરવામાં આવતી નથી. તંત્ર દ્વારા નવી કચેરીનું સરનામું જાહેર કરવા અને દિવ્યાંગો માટે પાસની કામગીરી તાત્કાલિક શરૂ કરવા જરૂરી પગલાં લેવાય તેવી માંગ ઊઠી રહી છે.


આ પણ વાંચો: EPFOમાં મોટા ફેરફારની તૈયારી! PF, પેન્શન અને UANને લઈને કર્મચારીઓ માટે શું બદલાશે?

આ પણ વાંચો: ગુજરાત સરકારનું મોટું ડિજિટલ પગલું,હવે કચેરીઓના ધક્કા બંધ

આ પણ વાંચો: નોકરીયાત માટે ઉમંગ એપ ફરજિયાત, PF માટે ચહેરાની ઓળખ જરૂરી!