Business News : ચાંદીના ભાવમાં (Silver Price) સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. એક સમયે રેકોર્ડ સપાટીએ પહોંચેલી ચાંદી હવે તૂટીને પ્રતિ કિલોગ્રામ રૂ.1.70 લાખની આસપાસ આવી ગઈ છે. સોમવારે MCX પર ડિસેમ્બર ડિલિવરીવાળી ચાંદીના ભાવમાં (MCX Silver)શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન 3 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. ખાસ વાત એ છે કે, માત્ર એક મહિનામાં ચાંદીના ભાવમાં અંદાજે 25 ટકાનો ઘટાડો થતાં રોકાણકારોની ચિંતા વધી છે.
1. Silver Priceમાં એક મહિનામાં મોટો ઘટાડો
સોમવારે ભારતીય કોમોડિટી બજાર MCX ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં (MCX Silver)ભારે વેચવાલી જોવા મળી હતી. શુક્રવારે પ્રતિ કિલોગ્રામ રૂ.1,76,309 પર બંધ થયેલી ચાંદી સોમવારે ઘટીને શરૂઆતમાં રૂ.1,72,400 સુધી પહોંચી હતી. ત્યારબાદ ઘટાડો વધુ વકરતાં ભાવ રૂ.1,69,557 સુધી (Silver Rate Today)ગગડ્યા હતા. આ અગાઉના બંધ ભાવની સરખામણીએ લગભગ 3.83 ટકાનો ઘટાડો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ચાંદી પર દબાણ જોવા મળ્યું હતું. ગ્લોબેક્સમાં ચાંદીનો ભાવ લગભગ 3.5 ટકા ઘટીને 47.48 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચ્યો હતો.
2. એક મહિનામાં 25 ટકા ભાવ ઘટ્યા
ચાંદીના ભાવમાં આવેલા ઘટાડાની અસર રોકાણકારો પર સ્પષ્ટ જોવા મળી રહી છે. એક મહિના પહેલાં પ્રતિ કિલોગ્રામ ચાંદીનો ભાવ (Silver Price)આશરે રૂ.2.23 લાખ હતો. જે હવે ઘટીને રૂ.1.69 લાખથી રૂ.1.70 લાખની આસપાસ આવી ગયો છે.
આ રીતે માત્ર એક મહિનામાં ચાંદીના ભાવમાં (Silver Price) લગભગ 25 ટકાનો ઘટાડો થયો છે. ઊંચા ભાવે ચાંદી ખરીદનારા રોકાણકારોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. સતત ઘટતા ભાવને કારણે હવે રોકાણકારો બજારની આગામી ચાલ પર નજર રાખી રહ્યા છે.
3. ચાંદીના ભાવ ઘટવા પાછળનાં 5 મુખ્ય કારણો
ચાંદીના ભાવમાં ઘટાડા પાછળ આંતરરાષ્ટ્રીય આર્થિક પરિબળોથી લઈને ઔદ્યોગિક માંગમાં આવેલી નરમાઈ સુધીનાં અનેક કારણો જવાબદાર માનવામાં આવે છે.
- અમેરિકામાં મોંઘવારી: અમેરિકામાં ફુગાવો અપેક્ષા કરતાં વધુ રહેતાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની શક્યતા નબળી પડી છે. ઊંચા વ્યાજદર કિંમતી ધાતુઓ માટે દબાણ ઊભું કરી શકે છે.
- ડોલરની મજબૂતી: અમેરિકન ડોલર મજબૂત બનતાં અન્ય દેશોના રોકાણકારો માટે ચાંદીની ખરીદી મોંઘી બની છે. પરિણામે આંતરરાષ્ટ્રીય માંગ પર અસર થઈ શકે છે.
- બોન્ડનું વધતું વળતર: અમેરિકન સરકારી બોન્ડમાંથી વધુ વળતર મળવાની સ્થિતિમાં રોકાણકારો કિંમતી ધાતુઓને બદલે બોન્ડમાં રોકાણ કરવાનું પસંદ કરી શકે છે.
- સોલાર ઉદ્યોગમાં મંદી: ચીનના સોલાર પેનલ ઉદ્યોગમાં આવેલી નરમાઈને કારણે ચાંદીની ઔદ્યોગિક માંગમાં ઘટાડો થયો હોવાનું માનવામાં આવે છે.
- EV સેક્ટરમાં નબળી માંગ: ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન અને સંબંધિત ઉદ્યોગોમાં આવેલી મંદી પણ ચાંદીની માંગને અસર કરી રહી છે.
4. હવે ચાંદીના ભાવ વધશે કે હજુ ઘટશે?
ચાંદીના ભાવમાં આવેલા મોટા ઘટાડા બાદ રોકાણકારો સામે સૌથી મોટો સવાલ એ છે કે હવે ખરીદી કરવી કે હજુ રાહ જોવી? બજારના નિષ્ણાતોના મતે ટૂંકા ગાળામાં ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.
બીજી તરફ વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગનો વિકાસ ચાંદીની માંગ માટે લાંબા ગાળે સકારાત્મક સાબિત થઈ શકે છે. ઇલેક્ટ્રોનિક્સ, સોલાર એનર્જી અને અન્ય ઔદ્યોગિક ક્ષેત્રોમાં ચાંદીનો ઉપયોગ થતો હોવાથી આ ક્ષેત્રોની માંગ ભાવની દિશા નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
LKP સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી રિસર્ચ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ તથા વિશ્લેષક જતીન ત્રિવેદીના જણાવ્યા અનુસાર, રૂપિયાની ચાલ અને આંતરરાષ્ટ્રીય બજારના વલણની સીધી અસર ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવ (Silver Price)પર પડી શકે છે.
હાલના સંજોગોમાં રોકાણકારોએ બજારની સ્થિતિ અને જોખમને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જરૂરી છે. ચાંદીના ભાવમાં વધુ ઘટાડો થશે કે ફરી તેજી આવશે તે આગામી દિવસોમાં વૈશ્વિક આર્થિક સ્થિતિ પર નિર્ભર રહેશે.
આ પણ વાંચો: સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો, 18K સોનું ₹1.05 લાખની નજીક; જાણો 24K અને 22Kના નવા ભાવ
આ પણ વાંચો: સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો, એક મહિનામાં સોનું ₹12,300 અને ચાંદી ₹48,000 સસ્તી
આ પણ વાંચો: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાંદી ₹2.26 લાખ સસ્તી, સોનામાં પણ ભારે ઘટાડો
