Europe Heatwave Alert: ગ્લોબલ વોર્મિંગના કારણે સમગ્ર યુરોપ ખંડ હાલમાં ભયાનક ગરમીનો સામનો કરી રહ્યો છે. યુરોપના 26 દેશો હીટવેવની (Europe Heatwave) ઝપેટમાં આવી ગયા છે, જેમાંથી ફ્રાન્સ, સ્પેન અને બ્રિટન સહિત 15 દેશોમાં ગંભીર સ્થિતિને જોતા રેડ એલર્ટ જાહેર કરાયું છે. મોટાભાગના દેશોમાં તાપમાન 40°C થી 43°C સુધી પહોંચી ગયું છે. ફ્રાન્સમાં સોમવારની રાત વર્ષ 1947 પછીની સૌથી ગરમ રાત નોંધાઈ હતી. ગરમીની ભયાનકતાના કારણે ફ્રાન્સમાં ‘ગોલ્ફેશ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ’ ને તાત્કાલિક બંધ કરવો પડ્યો છે, કારણ કે તેને ઠંડુ કરતી ગારોન નદીનું તાપમાન 28°C સુધી પહોંચી ગયું છે.
ફ્રાન્સમાં ગરમીથી રાહત મેળવવા જતાં 40 ડૂબ્યા
ભીષણ ગરમીથી(Europe Heatwave) બચવા માટે નદી અને તળાવોમાં નહાવા પડેલા 40 જેટલા યુવાનોના ડૂબી જવાથી મોત થયા છે. ગરમીના કારણે ફ્રાન્સમાં 1,350 થી વધુ શાળાઓ બંધ કરી દેવાઈ છે. સરકારે વાર્ષિક સંગીત મહોત્સવ ‘ફેત દ લા મ્યુઝિક’ દરમિયાન જાહેર સ્થળો પર દારૂ પીવા પર સખત પ્રતિબંધ લગાવી દીધો છે, જેથી અતિશય ગરમીમાં લોકોના સ્વાસ્થ્યને નુકસાન ન થાય. બ્રિટનમાં પણ બુધવારે તાપમાન 39°C ને વટાવી જતાં 50 વર્ષ જૂનો જૂન મહિનાનો રેકોર્ડ તૂટી શકે છે. ત્યાં રાત્રે પણ તાપમાન 20°C થી નીચે ન જવાની એટલે કે ‘ટ્રોપિકલ નાઇટ્સ’ ની આશંકા સેવાઈ રહી છે.
જર્મની, સ્પેન અને ઇટાલી પણ બેહાલ, શું છે આનું કારણ?
સ્પેનમાં પણ રાત્રિનું તાપમાન 30°C થી નીચે નથી જઈ રહ્યું. જર્મનીમાં નદી-તળાવમાં નહાવા જતાં 5 લોકોના મોત થયા છે, જ્યારે ઇટાલીના રોમ અને મિલાન સહિત 15 શહેરોમાં રેડ એલર્ટ છે. રોમમાં એસીના સતત વપરાશને કારણે ઇલેક્ટ્રિક બસોની બેટરીઓ મિનિટોમાં ખાલી થઈ રહી છે. હવામાન વૈજ્ઞાનિકોના મતે, આ ભયંકર ગરમીનું મુખ્ય કારણ યુરોપના (Europe Heatwave) આકાશમાં ‘હીટ ડોમ’ (Heat Dome) અને ‘ઓમેગા બ્લોક’ (Omega Block) નું એકસાથે બનવું છે. આ સ્થિતિ ઢાંકણની જેમ ગરમ હવાને જમીન પર જ રોકી રાખે છે, જેથી તાપમાન સતત વધે છે. વર્તમાન સ્થિતિની સરખામણી ઓગસ્ટ 2003 ની હીટવેવ સાથે કરાઈ રહી છે, જેમાં સમગ્ર યુરોપમાં 80 હજાર લોકોના મોત થયા હતા.
