Bhavnagar News: ગુજરાતમાં કરચોરી અને GST નિયમોના ઉલ્લંઘન સામે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગે કડક વલણ અપનાવ્યું છે. ભાવનગરના જાણીતા કોસમોસ કોમ્પ્યુટર ગ્રુપ પર શનિવારથી શરૂ થયેલી દરોડાની કાર્યવાહી ચાર દિવસ બાદ પૂર્ણ થઈ છે. તપાસ દરમિયાન કરોડો રૂપિયાનું ટર્નઓવર છુપાવી ટેક્સ ચોરી કરવાના પુરાવા મળતા વિભાગે પેઢીને તાત્કાલિક ₹1.50 કરોડ ટેક્સ અને દંડ તરીકે જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
બાતમીના આધારે પાડવામાં આવ્યા દરોડા
માહિતી મુજબ, કોસમોસ કોમ્પ્યુટર ગ્રુપ દ્વારા સરકારી નિયમોની મર્યાદા બહાર જઈને વ્યવહારો કરવામાં આવતા હોવાની અને વાસ્તવિક ટર્નઓવર ચોપડે દર્શાવવામાં આવતું ન હોવાની ચોક્કસ માહિતી SGSTની વિજિલન્સ ટીમને મળી હતી. આ બાતમીના આધારે વિભાગની સર્વેલન્સ ટીમે શનિવારે ગ્રુપના વિવિધ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા.
ચાર દિવસ સુધી ચાલી સઘન તપાસ
દરોડાની કાર્યવાહી સતત ચાર દિવસ સુધી ચાલી હતી. આ દરમિયાન અધિકારીઓએ કંપનીના કોમ્પ્યુટરાઈઝ્ડ ડેટા, પાકા-કાચા બિલ, બેંક ખાતાઓ તેમજ ડિજિટલ ટ્રાન્ઝેક્શનની વિગતવાર તપાસ કરી હતી. તપાસ દરમિયાન બિલ વગરના કરોડો રૂપિયાના વ્યવહારો અને કરચોરીના અનેક પુરાવા સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
₹1.50 કરોડ ભરવાનો આદેશ
તપાસ પૂર્ણ થયા બાદ મળેલા પુરાવાના આધારે SGST વિભાગે કોસમોસ કોમ્પ્યુટર ગ્રુપને ₹1.50 કરોડ ટેક્સ અને દંડની રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે. વિભાગની આ કાર્યવાહી બાદ ભાવનગરના વેપારી વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે.
અન્ય શંકાસ્પદ પેઢીઓ પર પણ રહેશે નજર
GST વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, કરચોરી અને ગેરરીતિઓ અંગે મળતી માહિતીના આધારે આગામી દિવસોમાં અન્ય શંકાસ્પદ પેઢીઓ સામે પણ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. વિભાગે વેપારીઓને નિયમોનું પાલન કરવા અને તમામ વ્યવહારો પારદર્શક રીતે નોંધવા સૂચના આપી છે.
આ પણ વાંચો: સુરતમાં ₹16.43 કરોડનો હીરાબાગ રેમ્પ બ્રિજ ઉદ્ઘાટનની રાહમાં બંધ, લોકોમાં રોષ
આ પણ વાંચો:અમદાવાદમાં બ્રિજોની સુરક્ષા પર પ્રશ્નચિહ્ન: વાડજના ઓવરબ્રિજની હાલત બગડી
આ પણ વાંચો:અમદાવાદમાં લો-ગાર્ડન ખાતે 98 કરોડના ઓવરબ્રિજથી એક લાખ વાહનને મળશે ટ્રાફિકથી મુક્તિ
