Surat News: દેશની પ્રીમિયમ અને હાઈસ્પીડ ગણાતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની ઘટનાઓ (Vande Bharat Stone Pelting) અટકવાનું નામ નથી લઈ રહી. ગઈકાલે (17 નવેમ્બર) સાંજે ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન સુરત નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે અસામાજિક તત્વોએ તેના પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં ટ્રેનના C4 કોચની બારીનો બહારનો કાચ તૂટી ગયો હતો. જોકે, સદનસીબે કોઈ મુસાફરને ઈજા પહોંચી નહોતી. 10 દિવસ પહેલાં એટલે કે 8 નવેમ્બરે પણ અમરેલીમાં વંદે ભારત પર પથ્થરમારો થયો હતો. છેલ્લા ચાર મહિનામાં સુરત નજીક વંદે ભારત પર પથ્થરમારાની ત્રણ ઘટનાઓ સામે આવી છે.
Vande Bharat Stone Pelting: 17 નવેમ્બરે સુરતના સચિન અને ભેસ્તાન વચ્ચે પથ્થરમારો
ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ જતી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 20902) પર સાંજે 5:23 વાગ્યે સુરતના સચિન અને ભેસ્તાન સ્ટેશન વચ્ચે પથ્થરમારા (Stone Pelting)ની ઘટના બની હતી. ટ્રેનના C4 કોચમાં મુસાફરી કરી રહેલા એક પેસેન્જરને બારીના કાચ પર કંઈક જોરથી અથડાવાનો અવાજ સંભળાયો હતો. તપાસ કરતાં બહારનો કાચ તૂટેલો જોવા મળ્યો હતો, જ્યારે અંદરનો કાચ સલામત રહ્યો હતો.

મુસાફરની સતર્કતાથી રેલવે તંત્ર હરકતમાં આવ્યું
ઘટના બનતાં જ કોચમાં હાજર એક જાગૃત મુસાફરે રેલવે પોલીસ અને કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ફરિયાદ મળતાં જ રેલવે તંત્ર અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ (Railway Security) હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નહોતી, પરંતુ રેલવેની મિલકતને નુકસાન પહોંચ્યું હતું.
ઉધના-પુરી ટ્રેનમાં પણ પથ્થરમારાની ઘટના બની હતી
આ પહેલાં 23 ઓક્ટોબર, 2026ના રોજ ઉધના-પુરી ટ્રેનમાં પણ પથ્થરમારાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં C-6 કોચ અને પેન્ટ્રી કારના કાચ તૂટ્યા હતા. CCTV ફૂટેજના આધારે પોલીસે બિહારના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ મોજ-મસ્તી માટે પથ્થરો ફેંક્યા હોવાની કબૂલાત કરી (Gujarat News) હતી.

ઓગસ્ટમાં C-6 અને C-10 કોચના કાચને નુકસાન થયું હતું
25 ઓગસ્ટ, 2026ના રોજ મુંબઈથી અમદાવાદ જતી વંદે ભારત ટ્રેન પર પણ પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં સામાન્ય ચેરકાર કોચ C-6 અને C-10ના કાચને નુકસાન પહોંચ્યું હતું. જોકે, આનંદીબેન પટેલ સહિતના મુસાફરો સુરક્ષિત રહ્યા હતા.
ઉધના રેલવે પોલીસે તપાસ શરૂ કરી
17 નવેમ્બરની ઘટનાની જાણ થતાં જ ઉધના રેલવે પોલીસ અને RPFની ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા રેલવે ટ્રેકની આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. જોકે, સ્થળ પરથી કોઈ શંકાસ્પદ વ્યક્તિ મળી આવી નહોતી. આસપાસના સ્થાનિક લોકોની પૂછપરછમાં પણ કોઈ શંકાસ્પદ વ્યક્તિ અંગે માહિતી મળી નહોતી. અંતે રેલવે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: અમરેલીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો: આગળનો કાચ તૂટ્યો, મુસાફરોમાં ફફડાટ
આ પણ વાંચો: ભારત-નેપાળના શ્રદ્ધાળુઓ માટે ખુશખબર! અયોધ્યા-જનકપુર વચ્ચે શરૂ થશે વંદે ભારત
આ પણ વાંચો: બેંગલુરુથી ગોવા જવું બનશે યાદગાર! ગાઢ જંગલો, દુર્ગમ પહાડો અને અરબી સમુદ્રના કિનારેથી પસાર થશે નવી વંદે ભારત
