Gandhinagar/ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંવિધાન મૂકી સંવિધાન ગૌરવ યાત્રાથી બંધારણનું સન્માન કર્યું.

ગાંધીનગરમાં “સંવિધાન હત્યા દિવસ-2025” કાર્યક્રમ યોજાયો નરેન્દ્રભાઈ મોદીએ હાથીની અંબાડી પર સંવિધાન મૂકી સંવિધાન ગૌરવ યાત્રાથી બંધારણનું સન્માન કર્યું. કટોકટીની ઘોષણાના ૫૦ વર્ષ નિમિત્તે યોજાયો સંવિધાન હત્યા દિવસ લોકતંત્રના રક્ષકોનું ભાવ સ્મરણ: સંવિધાનની ભાવના “વી ધ પીપલ”ને સૌના સાથ – સૌના વિકાસ – સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી વડાપ્રધાન નેતૃત્વમાં વિકસિત ભારતના નિર્માણથી સાકાર […]

Gujarat Gandhinagar Others

ગાંધીનગરમાં “સંવિધાન હત્યા દિવસ-2025” કાર્યક્રમ યોજાયો

નરેન્દ્રભાઈ મોદીએ હાથીની અંબાડી પર સંવિધાન મૂકી સંવિધાન ગૌરવ યાત્રાથી બંધારણનું સન્માન કર્યું.

કટોકટીની ઘોષણાના ૫૦ વર્ષ નિમિત્તે યોજાયો સંવિધાન હત્યા દિવસ

લોકતંત્રના રક્ષકોનું ભાવ સ્મરણ:

સંવિધાનની ભાવના “વી ધ પીપલ”ને સૌના સાથ – સૌના વિકાસ – સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી વડાપ્રધાન નેતૃત્વમાં વિકસિત ભારતના નિર્માણથી સાકાર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી
આપાતકાલ દેશના લોકતાંત્રિક ઇતિહાસની કલંકિત ઘટના હતી.
દેશમાં સંવિધાનના ૨૫માં વર્ષે તત્કાલીન સરકારે સંવિધાન હત્યા કરી કટોકટી લાદી હતી.
સંવિધાનના 60 વર્ષ પુરા થવા અવસરે  નરેન્દ્રભાઈ મોદીએ હાથીની અંબાડી પર સંવિધાન મૂકી સંવિધાન ગૌરવ યાત્રાથી બંધારણનું સન્માન કર્યું.
દેશહિત સર્વોપરી અને સંવિધાન પ્રત્યેનો સન્માન ભાવ કેવો હોય તે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ સંવિધાનને સર્વોપરિ માનીને દેશ-દુનિયાને બતાવ્યું છે.

લોકશાહી પ્રણાલીથી ચાલતા ભારત દેશના નાગરિકોએ પોતાના મૂળભૂત અધિકારો પ્રત્યે સજાગ રહેવું અત્યંત જરૂરી: કાયદા અને ન્યાયતંત્ર મંત્રી  ઋષિકેશ પટેલ

મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ કટોકટી અંગે નાટિકા તેમજ દસ્તાવેજી ફિલ્મ નિહાળી

ગાંધીનગરમાં “સંવિધાન હત્યા દિવસ-2025” કાર્યક્રમ યોજાયો

દેશમાં કટોકટી લાદવાના 50 વર્ષ પૂરા થવા નિમિત્તે યોજાયેલા સંવિધાન હત્યા દિવસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, આપાતકાલ એ દેશના લોકતાંત્રિક ઇતિહાસની કલંકિત ઘટના હતી.

સંવિધાનના મૂલ્યો પર તત્કાલીન સરકાર અને વડાપ્રધાને કરેલા ગંભીર કુઠારાઘાતને યાદ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશની હાલની અને આવનારી પેઢીને આ કલંકનો ખ્યાલ આવે અને સંવિધાન પ્રત્યેનું ગૌરવ-ગરિમા ઉજાગર કરવાની જાગૃતિ આવે તે માટે સંવિધાન હત્યા દિવસ મના-વવામાં આવે છે

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કટોકટીના વર્ષોમાં  નરેન્દ્રભાઈ મોદી વેશ પલટો કરીને સંવિધાનની રક્ષા માટે અને લોકશાહી મૂલ્યોને જીવંત રાખવા માટે એ સમયની સરકાર સામે સતત ઝઝુમ્યાં હતા એનું પણ સ્મરણ કર્યું હતું.

તેમણે કહ્યું કે, સરકારોને નીતિ નિર્ધારણ અને શાસન વ્યવસ્થા માટે દીવાદાંડીરૂપ સંવિધાનની હત્યાથી બંધારણના આત્માને તત્કાલીન સરકારે કચડી નાખ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એ જ સંવિધાનને અને દેશહિતને સર્વોપરિ માનીને સંવિધાન પ્રત્યેના ઉચ્ચ સન્માન ભાવનું દેશ અને દુનિયાને દર્શન કરાવ્યું છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, સંવિધાનના 25 વર્ષ થયા ત્યારે તત્કાલીન સરકારે આપાતકાળ લાદીને સંવિધાનનું ગૌરવ હણી લીધું હતું એ સંવિધાનના ૬૦ વર્ષ થવા અવસરે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે  નરેન્દ્રભાઈ મોદીએ હાથીની અંબાડી પર બંધારણ મૂકીને સંવિધાન ગૌરવ યાત્રાથી સંવિધાનનું સન્માન કર્યું હતું.

વડાપ્રધાનના નેતૃત્વ અને દિશાદર્શનમાં વિકસિત ભારતના નિર્માણ માટે સંવિધાનની ભાવના “વી ધ પીપલ”ને સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી સાકાર કરવાની પ્રતિબદ્ધતા મુખ્યમંત્રીએ આ તકે વ્યક્ત કરી હતી.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ભારતના સંવિધાનને સુસંગત રહીને અને તેનું પાલન કરીને નારીશક્તિ વંદના અધિનિયમ, ત્રિપલ તલાક, નાગરિક સંશોધન અધિનિયમ જેવા અનેક સુધારાઓ કર્યા છે. આ ઉપરાંત નાગરિકોના હિતમાં સંવિધાનમાંથી ૩૫-એ અને ધારા 370 દૂર કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે. દેશહિત માટે સંવિધાનની રક્ષા કરી છે તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.

કાયદો અને ન્યાયતંત્ર મંત્રી ઋષિકેશ પટેલે દેશના નાગરિકોને લોકશાહીના પ્રહરી ગણાવતા જણાવ્યું હતું કે, લોકશાહી પ્રણાલીથી ચાલતો ભારત દેશ ક્યારેય તાનાશાહી તરફ ન જાય તે માટે નાગરિકોએ પોતાના મૂળભૂત અધિકારો પ્રત્યે સજાગ રહેવું જરૂરી છે. ભૂતકાળમાં તત્કાલીન સરકાર દ્વારા દેશમાં કટોકટી લાગુ કરીને નાગરિકોના મૂળભૂત અધિકારો હડપી લેવામાં આવ્યા હતા. એટલા માટે જ, આજની યુવાપેઢી આ ઘટનાથી બોધપાઠ લઇ શકે અને ભવિષ્યમાં આવી ભૂલનું ફરી ક્યારેય પુનરાવર્તન ન થાય તેવા નેક હેતુથી વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આજે સમગ્ર દેશમાં લોકજાગૃતિ કેળવવા “સંવિધાન હત્યા દિવસ-2025” કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

મંત્રી  પટેલે “સંવિધાન હત્યા દિવસ”ની ઉજવણી પાછળના વિચાર અંગે કહ્યું હતું કે, ભારતના સંવિધાનમાં દર્શાવ્યા મુજબ નાગરિકોને જન્મ સાથે જ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા અનેક મૂળભૂત અધિકારો મળે છે. ભૂતકાળમાં તત્કાલીન સરકારે પોતાનું વર્ચસ્વ અને ખુરશી જાળવી રાખવા માટે સંવિધાનની કલમ 352નો દુરુપયોગ કરીને આજના જ દિવસે એટલે કે, તા. 25 જૂન, 1975ની મધ્ય રાત્રિએ દેશમાં કટોકટી લાગુ કરી હતી. આ કટોકટી દરમિયાન નાગરિકોના મૂળભૂત બંધારણીય અધિકારોને છીનવીને લોકશાહી અને સંવિધાનની હત્યા કરવામાં આવી હતી. આવી કલંકિત ઘટનાને આજે 50 પૂર્ણ થયા છે. આ ઘટના પ્રત્યે લોકજાગૃતિ કેળવવા જ આજના દિવસને “સંવિધાન હત્યા દિવસ-2025” તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.

આ કાર્યક્રમ દરમિયાન કાયદા નિષ્ણાત ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ  રવિકુમાર ત્રિપાઠીએ ભારતના સંવિધાન, સંવિધાનમાં દર્શાવવામાં આવેલા નાગરિકોના મૂળભૂત અધિકારો, ભૂતકાળમાં સંવિધાનમાં થયેલા સુધારા, ભૂતકાળમાં સંવિધાનની વિવિધ કલમના દુરુપયોગ તેમજ વર્ષ 1975માં દેશમાં લાદવામાં આવેલી કટોકટી અંગે વિગતવાર માહિતી આપી હતી. સાથે જ, તેમણે નાગરિકોને પોતાના સંવિધાનિક અધિકારો બાબતે જાગૃત કર્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમના પ્રારંભે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભગના કમિશનર  અલોકકુમાર પાંડેએ સૌનું શાબ્દિક સ્વાગત કરીને કાર્યક્રમની વિસ્તૃત ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રી અને ઉપસ્થિત સૌ મહાનુભવો, નાગરિકોએ કટોકટી અંગેની ડોક્યુમેન્ટરી અને નાટિકા પણ નિહાળ્યા હતા.

આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, સંસદીય અને વૈધાનિક બાબતોના વિભાગના સચિવ  કે. એમ. લાલા, ગાંધીનગર જિલ્લા કલેકટર  એમ. કે. દવે, ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી  બી. જે. પટેલ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ હોદ્દેદારો, અધિકારી-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.