Ahmedabad News/ અમદાવાદમાં Instagram પર બદનામીના બે કેસ, ફેક IDથી શિક્ષિકાને નિશાન

અમદાવાદના રાયપુર અને નારોલમાં Instagram પર બદનામીના બે બનાવ (Social Media Harassment) સામે આવ્યા. શિક્ષિકાના ફોટાથી ફેક ID બનાવાયું, જ્યારે યુવકના પરિવારના ફોટા મૂકી અપશબ્દો લખાયા.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Social Media Harassment: ઈન્સ્ટાગ્રામ પર બદનામીના અમદાવાદમાં 2 ગુના નોંધાયા

Ahmedabad News: અમદાવાદમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરીને લોકોને બદનામ (Social Media Harassment) કરવાના બે અલગ-અલગ કિસ્સા સામે આવ્યા છે. રાયપુરમાં એક શિક્ષિકાના ફોટાનો ઉપયોગ કરીને ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી (Instagram Fake ID) બનાવવામાં આવ્યું હતું અને તેના દ્વારા અન્ય શિક્ષિકાની દીકરી પાસે મોબાઈલ નંબર માગવામાં આવ્યો હતો. જ્યારે નારોલમાં એક યુવક, તેની પત્ની અને કાકીના ફોટા ઈન્સ્ટાગ્રામ પર મૂકીને અપમાનજનક લખાણ લખવામાં આવ્યું હતું. બંને મામલે ખાડિયા અને નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શિક્ષિકાના નામે ફેક ID બનાવી અન્ય શિક્ષિકાની દીકરી પાસે નંબર માગ્યો

રાયપુર વિસ્તારમાં રહેતી 38 વર્ષીય મહિલા કાંકરિયા નજીક આવેલી એક સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. મહિલાનું ઈન્સ્ટાગ્રામ પર પોતાનું આઈડી છે. જોકે, તેઓ સ્કૂલના કામથી વટવા ગયા હતા ત્યારે તેમની સાથે નોકરી કરતી અન્ય શિક્ષિકાનો ફોન આવ્યો હતો. તેમણે પૂછ્યું હતું કે મહિલાએ તેમની દીકરીને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને તેમનો મોબાઈલ નંબર કેમ માગ્યો છે.

આ અંગે મહિલાએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ તે સમયે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી રહ્યાં નથી અને જે શિક્ષિકાનો નંબર તેમની પાસે પહેલેથી જ છે, તેમનો નંબર ફરીથી માગવાનો કોઈ સવાલ જ નથી. ત્યારબાદ જે આઈડી પરથી મેસેજ આવ્યો હતો તેનો સ્ક્રીનશોટ મહિલાને મોકલવામાં આવ્યો હતો. તપાસ કરતાં આ પ્રોફાઇલમાં મહિલાના ફોટાનો ઉપયોગ કરીને ફેક આઈડી બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.

Social Media Harassment: ફેક IDથી અન્ય શિક્ષકોને પણ રિક્વેસ્ટ મોકલાતી હતી

મહિલાના જણાવ્યા મુજબ, તેઓ ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ ન કરતા હોવા છતાં તેમના ફોટાનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા આઈડી પરથી સ્કૂલના અન્ય શિક્ષકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવતી હતી અને મેસેજ દ્વારા વાતચીત પણ કરવામાં આવતી હતી. આ મામલે મહિલાએ ખાડિયા પોલીસ (Khadia Police) સ્ટેશનમાં અરજી આપી હતી. જેના આધારે પોલીસે ગુનો (Cyber Crime Ahmedabad) નોંધી તપાસ શરૂ કરી છે.

નારોલમાં યુવક અને પરિવારના ફોટા મૂકી અપમાનજનક લખાણ લખ્યું

બીજા બનાવમાં નારોલ વિસ્તારમાં રહેતા 38 વર્ષીય યુવકે ફરિયાદ નોંધાવી છે. યુવક કલરકામનો વ્યવસાય કરે છે. બાળપણમાં માતા-પિતાનું અવસાન થતાં તે પોતાના કાકી સાથે રહ્યો હતો અને તેમની સાથે જ મોટો થયો હતો. લગ્ન બાદ તે કાકીથી અલગ રહેવા લાગ્યો હતો, જ્યારે કાકી ચાંદલોડિયા વિસ્તારમાં પોતાના પુત્ર અને પુત્રવધૂ સાથે રહે છે.

વર્ષ 2021માં યુવકના પિતરાઈ ભાઈનાં લગ્ન થયાં હતાં. જોકે, પતિ-પત્ની વચ્ચે મનમેળ ન હોવાથી તેઓ અલગ રહેવા લાગ્યાં હતાં. યુવકના કારણે બંને વચ્ચે ઝઘડા થતા હોવાની શંકા પિતરાઈ ભાઈની પત્નીના ભાઈને હતી. આ ઉપરાંત તે યુવક પાસે મિલકતમાં ભાગ આપવા માટે પણ કહેતો હતો, પરંતુ યુવક આ બાબતે ધ્યાન આપતો નહોતો.

ફોટા વાયરલ કરવાની ધમકી આપ્યાનો આક્ષેપ

ફરિયાદ મુજબ, આશરે 15 દિવસ પહેલાં બે ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી યુવક, તેની પત્ની અને કાકીના ફોટા પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ ફોટા સાથે અપમાનજનક લખાણ અને અપશબ્દો લખવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પોસ્ટમાં યુવકનો મોબાઈલ નંબર પણ મૂકવામાં આવ્યો હતો.

આ અંગે યુવકે પિતરાઈ ભાઈની પત્નીના ભાઈને ફોન કરીને પૂછતાં તેણે જ ફોટા પોસ્ટ કર્યા હોવાનું કબૂલ્યું હતું અને હજુ પણ ફોટા વાયરલ કરવાની વાત કરી હતી. યુવકે ઈન્સ્ટાગ્રામ પરથી ફોટા હટાવવાનું કહેવા છતાં ફોટા દૂર કરવામાં આવ્યા નહોતા. કાકી સાથે વાતચીત કર્યા બાદ પણ ફોટા હટાવવામાં ન આવતાં યુવકે નારોલ પોલીસ (Narol Police) સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: ‘મંજરી’ ફિલ્મના નામે લાખોની છેતરપિંડીનો આક્ષેપ! ભાવનગરના પ્રોડ્યુસર પોલીસ સ્ટેશન પહોંચ્યા

આ પણ વાંચો: અમદાવાદમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી: 3 અલગ કેસમાં લાખોનો સામાન ગાયબ

આ પણ વાંચો: કેનેડા મોકલવાના નામે અમદાવાદના યુવક સાથે ₹16.52 લાખની છેતરપિંડી! બે ચેક પણ બાઉન્સ