Bhavnagar News: ગુજરાતી ફિલ્મમાં રોકાણ કરાવી ઊંચા વળતર અને સરકારી સબસિડી અપાવવાની ખાતરી આપીને ભાવનગરના ફિલ્મ પ્રોડ્યુસર સાથે રૂ.19.37 લાખની છેતરપિંડી (Gujarati Film Fraud) અને વિશ્વાસઘાત કર્યાનો આક્ષેપ સામે આવ્યો છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદ વધુ રૂ.20 લાખની માગણી કરવામાં આવી હતી. પ્રોડ્યુસરે નાણાં આપવાનો ઇનકાર કરતાં તેમની જાણ કે મંજૂરી વિના ફિલ્મનું નામ બદલીને રિલીઝ કરી દેવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ભાવનગરના ઘોઘા રોડ પોલીસ મથકે અમદાવાદના ફિલ્મ ડાયરેક્ટર સામે ગુનો (Film Producer Complaint) નોંધાયો છે.
Gujarati Film Fraud: ફિલ્મમાં રોકાણ સામે રૂ.75 લાખની સબસિડીની ખાતરી આપી
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહેતા 45 વર્ષીય ભાવેશ જયંતિલાલ તન્ના ‘શ્રી સિદ્ધિ ફિલ્મ એન્ટરટેઈનમેન્ટ’ નામે પ્રોડક્શન હાઉસ ચલાવે છે. 2 મે, 2024ના રોજ તેઓ અમદાવાદના નિકોલ ખાતે યોજાયેલા ગુજરાતી ફિલ્મ એવોર્ડ ફંક્શનમાં ગયા હતા. ત્યાં તેમની મુલાકાત અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા ફિલ્મ ડાયરેક્ટર (Ahmedabad Film Director) અખિલ દિલીપ કોટક સાથે થઈ હતી.
આ મુલાકાત બાદ અખિલ કોટકે ભાવેશ તન્નાને પોતાની અગાઉની ફિલ્મ ‘પેન્સિલ’ના પ્રીમિયર અને ‘છૂટાછેડા’ ફિલ્મના શૂટિંગમાં બોલાવી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ બાળવિવાહના વિષય પર આધારિત ‘મંજરી’ નામની નવી ગુજરાતી ફિલ્મ બનાવવાની વાત કરી હતી. ડાયરેક્ટરે ફિલ્મમાં રૂ.27 લાખના રોકાણ સામે સરકાર તરફથી રૂ.75 લાખની સબસિડી અપાવવાની અને સેટેલાઇટ સહિતના અન્ય રાઇટ્સના વેચાણમાંથી રૂ.50 લાખ અપાવવાની ખાતરી આપી હતી.
Google Pay, RTGS અને રોકડથી રૂ.19.37 લાખ ચૂકવ્યા
ફરિયાદ મુજબ, ડાયરેક્ટરની વાતોમાં આવીને ભાવેશ તન્નાએ ફિલ્મમાં પ્રોડ્યુસર તરીકે રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. તેમણે 2 જૂન, 2024થી 28 જુલાઈ, 2024 દરમિયાન Google Pay, RTGS, રોકડ અને આંગડિયા મારફતે અખિલ કોટક તથા કોમલબેન દેસાઈનાં બેંક ખાતાંમાં કુલ રૂ.19,37,500 ચૂકવ્યા હતા. ફિલ્મમાં ભાવેશ તન્નાના પુત્ર ઓમને પણ એક ભૂમિકા આપવામાં આવી હતી અને ફિલ્મનું શૂટિંગ પણ પૂર્ણ થયું હતું.
વધુ રૂ.20 લાખની માગણી બાદ ફિલ્મનું નામ બદલી દીધું
ફિલ્મનું (Manjari Film) શૂટિંગ પૂરું થયા બાદ એડિટિંગ અને પોસ્ટ-પ્રોડક્શનની કામગીરી બાકી હતી. આ દરમિયાન ફિલ્મ સારી બની હોવાનું કહી અખિલ કોટકે નક્કી થયેલી રકમ ઉપરાંત વધુ રૂ.20 લાખની માગણી કરી હતી. જોકે, ભાવેશ તન્નાએ વધારાના નાણાં આપવાનો ઇનકાર કર્યો હતો.
ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે ત્યારબાદ ડાયરેક્ટરે ભાવેશ તન્નાની જાણ કે મંજૂરી વિના ‘મંજરી’ ફિલ્મનું (Manjari Film) નામ બદલીને ‘કખગઘ’ કરી દીધું હતું અને 27 ફેબ્રુઆરી, 2026ના રોજ એકતરફી રીતે ફિલ્મ રિલીઝ કરી દીધી હતી.
ફિલ્મ પ્રોડ્યુસર્સ એસોસિએશને રકમ પરત ચૂકવવાનો આદેશ આપ્યો
આ મામલે ભાવેશ તન્નાએ ‘વેસ્ટર્ન ઈન્ડિયા ફિલ્મ એન્ડ ટીવી પ્રોડ્યુસર્સ એસોસિએશન’ (WIFPA)માં અરજી કરી હતી. ફરિયાદી મુજબ, એસોસિએશનની કમિટીએ તપાસ કર્યા બાદ સ્વીકાર્યું હતું કે ભાવેશ તન્નાએ ‘મંજરી’ ફિલ્મ માટે નાણાં ચૂકવ્યા હોવા છતાં અખિલ કોટકે NOC લીધા વિના ફિલ્મનું નામ બદલીને રિલીઝ કરી હતી.
એસોસિએશને ડાયરેક્ટરને રૂ.19,37,500 પરત ચૂકવવાનો આદેશ આપ્યો હતો. સાથે જ નાણાં પરત ન મળે તો કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદીને જણાવ્યું હતું. વારંવાર ઉઘરાણી કરવા છતાં ડાયરેક્ટરે માત્ર વાયદા કર્યા અને રકમ પરત ન આપી હોવાનો આક્ષેપ છે. અંતે ભાવેશ તન્નાએ ઘોઘા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી: 3 અલગ કેસમાં લાખોનો સામાન ગાયબ
આ પણ વાંચો: દીકરાને વિદેશ મોકલવાનું સપનું પડ્યું મોંઘું: ગાંધીનગરના પરિવાર સાથે લાખોની છેતરપિંડીનો આક્ષેપ
આ પણ વાંચો: ગાંધીનગરમાં નિવૃત્ત PSI સાથે 1.94 કરોડની છેતરપિંડી, ઊંચા નફાની લાલચ આપી ભાણિયા અને તેની પત્નીએ છેતર્યા
