Amreli News: અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાંથી વન્યજીવોની પજવણીનો ગંભીર મામલો સામે (Lion Harassment Video) આવ્યો છે. દિવાળીના તહેવારો દરમિયાન પાંચ સિંહોના ટોળા પાછળ કાર દોડાવવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. સિંહોને જોવા માટે વાહનચાલકોએ આ રીતે કાર દોડાવી પજવણી કરતાં વન્યજીવપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ વનવિભાગે તપાસ શરૂ કરી છે.
Lion Harassment Video: સિંહો પાછળ બેફામ કાર દોડાવી
પ્રાપ્ત માહિતી અનુસાર, ગીરના એક ગામમાં પાંચ સિંહો (Gir Lions) રસ્તા પર અથવા તેની આસપાસ વિચરી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક વાહનચાલકોએ સિંહોને નજીકથી જોવાની ઘેલછામાં અને મજાક ખાતર તેમના ટોળા પાછળ ફોરવ્હીલર કાર દોડાવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વન્યજીવોની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે.
વાહન અને સ્થળની ઓળખ કરવા વનવિભાગની કવાયત
વીડિયો સામે આવ્યા બાદ વનવિભાગ (Forest Department) હરકતમાં આવ્યું છે. જોકે, હાલ આ વીડિયો કયા ગામનો છે અને સિંહોની પજવણી કયા વાહન દ્વારા કરવામાં આવી હતી તેની ચોક્કસ માહિતી વનતંત્ર પાસે નથી. વીડિયોનું સ્થળ અને તેમાં દેખાતી કારની ઓળખ કરવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ
વનવિભાગે વાઇરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. વીડિયોમાં દેખાતી કારનો નંબર અને લોકેશન ટ્રેસ કરીને સિંહોને રંજાડનારા જવાબદાર લોકો સામે વન અધિનિયમ (Wildlife Protection) હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની માગ ઊઠી છે. તપાસમાં વાહનચાલકોની ઓળખ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: જૂનાગઢમાં સિંહ સામે બેસી યુવાને બનાવ્યો વીડિયો, વીડિયો વાયરલ થતાં વનવિભાગ હરકતમાં
આ પણ વાંચો: ગીર પૂર્વમાં ગેરકાયદેસર સિંહ દર્શન: પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસેલા અમદાવાદના 3 શખ્સો ઝડપાયા
આ પણ વાંચો: સિંહોને હેરાન કરવું ભારે પડ્યું! વધુ 2 ઝડપાયા, ગીરના વાયરલ વીડિયો કેસમાં 10ની ધરપકડ
