Sabarkantha News: સાબરકાંઠા જિલ્લામાં પોલીસ વિભાગને ચોંકાવી દેતી હત્યાની ઘટના સામે આવી છે. ચિથોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક ASIની હત્યા (Sabarkantha ASI Murder)ના કેસમાં તેમની સાથે જ ફરજ બજાવતી મહિલા હેડ કોન્સ્ટેબલ સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ મુજબ, પ્રેમ સંબંધમાં ચાલી રહેલા વિવાદને કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનો આરોપ છે. હત્યા બાદ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
Sabarkantha ASI Murder: હાથમતી નદીના કિનારે મળી હતી અર્ધબળેલી કાર
મૃતક ASI અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જીંઝોડી ગામના રહેવાસી હતા. 8 નવેમ્બરની રાત્રે તેઓ ફરજ પર જવા માટે પોતાની કારમાં નીકળ્યા હતા, પરંતુ ઘરે પરત ફર્યા નહોતા. પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ 10 નવેમ્બરે ભિલોડાના પાદરા ગામ પાસે હાથમતી નદીના કિનારે અર્ધબળેલી કાર મળી આવી હતી. કારમાંથી માનવ શરીરના બળેલા અવશેષો અને હાડકાં મળી આવ્યાં હતાં. મૃતકના પિતાએ આ અવશેષો પોતાના પુત્રના હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
મહિલા હેડ કોન્સ્ટેબલ સાથે પ્રેમ સંબંધમાં વિવાદ
લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની તપાસમાં મૃતક ASI અને ચિથોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા હેડ કોન્સ્ટેબલ વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હોવાની વિગતો સામે આવી હતી. પોલીસ તપાસ મુજબ, મહિલા આ સંબંધનો અંત લાવવા માગતી હતી, જ્યારે ASI સંબંધ ચાલુ રાખવા માટે દબાણ કરતા હોવાનો આરોપ છે. આ મુદ્દે બંને વચ્ચે વિવાદ થતો હતો.
ભાડાના મકાનમાં હત્યા કર્યાનો આરોપ
પોલીસ તપાસ મુજબ, 8 નવેમ્બરની રાત્રે મહિલાએ ASIને ચિથોડા સ્થિત પોતાના ભાડાના મકાનમાં વાતચીત કરવાના બહાને બોલાવ્યા હતા. ત્યાં જ તેમની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે. ત્યારબાદ મહિલાએ પોતાના ભાઈને બોલાવ્યો હતો. તેનો પિતરાઈ ભાઈ પણ ત્યાં પહોંચ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે ત્રણેયે મળીને મૃતદેહને છુપાવ્યો હતો અને બાદમાં પુરાવાનો નાશ કરવાની યોજના બનાવી હતી.
કારમાં મૃતદેહ લઈ જઈ આગ લગાવ્યાનો ખુલાસો
પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા હેડ કોન્સ્ટેબલના ભાઈએ ASIની કારને કનાદાર ગામ નજીકના જંગલ વિસ્તારમાં મૂકી હતી. ત્યારબાદ રાત્રે વધુ એક મિત્રને સાથે લઈ ચારેય આરોપીઓ ત્યાં પહોંચ્યા હતા. મૃતદેહને કારમાં લઈ જઈ પાદરા ગામ પાસે હાથમતી નદીના કિનારે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં કાર અને મૃતદેહને આગ લગાવી દેવામાં આવી હોવાનો પોલીસનો આરોપ છે.
પેટ્રોલ પંપના CCTVથી પોલીસ આરોપીઓ સુધી પહોંચી
LCBની ટીમે ટેકનિકલ સર્વેલન્સ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના માર્ગો પરના CCTV ફૂટેજ તથા બાતમીદારોની મદદથી તપાસ આગળ ધપાવી (CCTV Evidence) હતી. તપાસ દરમિયાન વિજયનગર વિસ્તારના એક પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ખરીદવામાં આવ્યું હોવાની વિગતો મળી હતી. પેટ્રોલ પંપના CCTV ફૂટેજ અને વાહનની ઓળખના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી.
આ કેસમાં મહિલા હેડ કોન્સ્ટેબલ, તેના ભાઈ અને અન્ય બે લોકો સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ (Gujarat Police Crime) કરવામાં આવી છે. હાલ પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે અને કેસમાં વધુ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: રાજકોટમાં પિતાએ કરી પરિણીત પુત્રીના પ્રેમીની હત્યા
આ પણ વાંચો: પ્રેમસંબંધનો કરૂણ અંજામ : યુવતીના મંગેતરે પ્રેમીની હત્યા કરી દેતા પ્રેમિકાએ ખાધો ગળાફાંસો
આ પણ વાંચો: બોટાદ ઉગામેડીમાં આડાસંબંધની શંકામાં યુવકની હત્યા, પત્નીના પ્રેમીની હત્યાનો આરોપી ઝડપાયો
