National News : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ફરી એકવાર વિદેશની ધરતી પરથી ભારતની ચૂંટણી વ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવ્યા છે. અમેરિકાની ન્યૂયોર્ક સ્થિત કોલંબિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સાથે સંવાદ દરમિયાન તેમણે ચૂંટણીમાં ગોટાળા અને મત ચોરીના (Vote Chori)દાવા કર્યા હતા. રાહુલ ગાંધીએ (Rahul Gandhi)દાવો કર્યો હતો કે દેશમાં આશરે 14 કરોડ મતદારોનાં નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યાં છે. તેમના આ નિવેદન બાદ ભાજપે આકરા પ્રહાર કર્યા છે અને તેમને ભારતના ‘મીર જાફર’ ગણાવ્યા છે.
કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીનો મોટો દાવો
અમેરિકાના પ્રવાસ દરમિયાન કોલંબિયા યુનિવર્સિટીમાં (Columbia University)સંવાદ કરતાં રાહુલ ગાંધીએ ભારતની ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે તેમની પાસે ચૂંટણીમાં ગેરરીતિ અને મત ચોરીના (Vote Chori)પૂરતા પુરાવા છે. તેમના દાવા મુજબ, આશરે 14 કરોડ મતદારોનાં નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે.

આ ઉપરાંત તેમણે ભારતીય ચૂંટણીઓમાં વધતા ખર્ચનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ (Rahul Gandhi)દાવો કર્યો કે અગાઉની સરખામણીએ હવે ચૂંટણીમાં 20થી 50 ગણા વધુ નાણાં ખર્ચવામાં આવી રહ્યાં છે. આટલી મોટી રકમ ક્યાંથી આવે છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તે અંગે પણ તેમણે સવાલો કર્યા હતા.
‘લોકોના મનમાંથી ડર દૂર થયો છે’
રાહુલ ગાંધીએ ચૂંટણી વ્યવસ્થા પર સવાલો ઉઠાવવાની સાથે દેશમાં બદલાતા સામાજિક માહોલ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે અગાઉ લોકો સરકારી એજન્સીઓ અને વ્યવસ્થામાં કામ કરતા અધિકારીઓથી ડરતા હતા, પરંતુ હવે આ ભય ધીમે ધીમે દૂર થઈ રહ્યો છે.
તેમણે આ બદલાવ પાછળ યુવાનો અને વિદ્યાર્થીઓની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી હતી. રાહુલ ગાંધીના મતે, આજની પેઢીના યુવાનો જે હિંમત બતાવી રહ્યા છે તે અગાઉની પેઢી બતાવી શકી નહોતી. તેમણે ફરી ભાર મૂક્યો કે ચૂંટણી પ્રક્રિયામાં સુધારા કર્યા વિના લોકશાહીને મજબૂત બનાવી શકાય નહીં. વિપક્ષ આ દિશામાં કામ કરી રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ભાજપે રાહુલ ગાંધીને ‘મીર જાફર’ ગણાવ્યા
રાહુલ ગાંધીના અમેરિકામાં આપેલા નિવેદન પર ભાજપે જોરદાર વળતો પ્રહાર કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ રાહુલ ગાંધીને અપરિપક્વ અને ભારત વિરોધી ગણાવતાં ‘ભારતના મીર જાફર’ (Mir Jafar Remark)કહીને નિશાન સાધ્યું હતું.
ગૌરવ ભાટિયાએ કહ્યું કે વિદેશની ધરતી પર ભારતને બદનામ કરવાનાં પાયાવિહોણાં નિવેદનોથી દરેક ભારતીયને શરમ અનુભવાય છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વનો ઉલ્લેખ કરીને દાવો કર્યો કે છેલ્લા 12 વર્ષમાં ભારતે લોકશાહી, અર્થતંત્ર, યુવા સશક્તિકરણ અને વૈશ્વિક સ્તરે નોંધપાત્ર પ્રગતિ કરી છે.
ભાટિયાએ એવો સવાલ પણ કર્યો કે સંસદના દરેક સત્ર પહેલાં રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે કેમ જાય છે? શું તેઓ વિદેશી માલિકો પાસેથી સૂચનાઓ લેવા જાય છે? આ નિવેદન સાથે ભાજપે કોંગ્રેસના નેતા પર રાજકીય પ્રહારો વધુ તેજ કર્યા છે.
પ્રદીપ ભંડારીએ પણ કર્યા પ્રહાર
ભાજપના અન્ય નેતા પ્રદીપ ભંડારીએ પણ રાહુલ ગાંધીના નિવેદનની ટીકા કરી હતી. તેમણે રાહુલ ગાંધી પર ભારત વિરોધી પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો હતો. ભંડારીએ કહ્યું કે કોલંબિયા યુનિવર્સિટીમાં ભારતનું અપમાન કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ભારતને આર્થિક આપત્તિ ગણાવનારાઓએ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે વિશ્વના અનેક દેશો ભારતને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે જુએ છે. ભાજપના નેતાના મતે, રાહુલ ગાંધીનાં આવા નિવેદનોને કારણે કોંગ્રેસની રાજકીય સ્થિતિ પર પણ અસર પડી રહી છે.
આમ, અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલ ગાંધી દ્વારા ચૂંટણીમાં ગેરરીતિ અને મત ચોરી અંગે કરવામાં આવેલા દાવા બાદ ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે. હવે આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય નિવેદનબાજી વધુ તેજ બને તેવી શક્યતા છે.
આ પણ વાંચો: રાહુલ ગાંધીનું મોટું નિવેદન: ભારત આર્થિક સંકટના આરે, યુવાનોને ભવિષ્ય દેખાતું નથી
આ પણ વાંચો: ભાજપનો રાહુલ ગાંધી પર મોટો પ્રહાર, ‘અરાજક, અપરિપક્વ અને રાષ્ટ્રવિરોધી’ ગણાવ્યા
આ પણ વાંચો: ‘મને નક્સલી કહ્યા, ચર્ચા કરીને બતાવે’, રાહુલ ગાંધીનો PM મોદીને ફરી પડકાર
