Gandhinagar News: સાયબર ગઠિયાઓ હવે ટેક્નોલોજીના જાણકાર અને ઉચ્ચ અભ્યાસ કરતા યુવાનોને પણ નિશાન બનાવી (DAIICT Student Cyber Fraud) રહ્યા છે. ગાંધીનગરની જાણીતી DAIICTમાં રહીને B.Techનો અભ્યાસ કરતા 19 વર્ષીય વિદ્યાર્થીને ટેલિગ્રામ ચેનલ મારફતે શેરબજારમાં રોકાણ કરીને ટૂંકા સમયમાં ઊંચો નફો મેળવવાની લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ વોટ્સએપ કોલથી વિશ્વાસમાં લઈને ગઠિયાએ વિદ્યાર્થી પાસેથી રૂ.61,250 ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ મામલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
DAIICT Student Cyber Fraud: ટેલિગ્રામ પર શેરબજારની ચેનલ જોઈ સંપર્ક કર્યો
મૂળ રાજકોટનો અને DAIICT કેમ્પસમાં રહીને B.Techના સેમેસ્ટર-3માં અભ્યાસ કરતો 19 વર્ષીય સ્મીત અલ્પેશભાઈ પરમારે ગત 8 ઓક્ટોબરના રોજ પોતાના મોબાઈલમાં ટેલિગ્રામ એપ્લિકેશન ખોલી હતી. આ દરમિયાન તેને ‘ગુજરાત ટ્રેડર’ નામની શેરબજારમાં (Telegram Stock Market Scam) રોકાણ સંબંધિત ચેનલ જોવા મળી હતી. ચેનલમાં દર્શાવેલી રોકાણની લાલચમાં આવીને સ્મીતે તેમાં આપેલા મોબાઈલ નંબર પર વોટ્સએપ કોલ કર્યો હતો.
QR કોડ અને UPI ID મારફતે રૂ.61,250 ટ્રાન્સફર કરાવ્યા
ફોન પર વાત કરનાર શખસે શેરબજારની આકર્ષક સ્કીમમાં નાણાં રોકવાથી ટૂંકા સમયમાં મોટો નફો મળશે તેવી લાલચ આપી હતી. તેની વાતોમાં આવીને સ્મીતે ફોન-પે મારફતે સામેવાળાએ આપેલા QR કોડ અને UPI ID પર અલગ-અલગ સમયે કુલ રૂ.61,250 ટ્રાન્સફર કર્યા હતા.
વધુ રોકાણનું દબાણ કરતાં શંકા ગઈ
રકમ મેળવી લીધા બાદ ગઠિયાએ સ્મીત પર વધુ નાણાં રોકાણ કરવા માટે દબાણ શરૂ કર્યું હતું. આથી શંકા જતાં સ્મીતે પોતાના રોકાણ કરેલા નાણાં પરત માગ્યા હતા. જોકે, સામેવાળો અવારનવાર ખોટાં બહાનાં બનાવીને સમય પસાર કરવા લાગ્યો હતો. અંતે તેણે પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દેતાં સ્મીતને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.
આ મામલે સ્મીતે અગાઉ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપતાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ‘સત્તા મળી એટલે નિર્દોષોને દંડશો?’ ગુજરાત હાઈકોર્ટની સાયબર ક્રાઈમ પોલીસને ફટકાર
આ પણ વાંચો: અમદાવાદના નિવૃત્ત વૃદ્ધ બન્યા સાયબર ક્રાઈમનો ભોગ,કાર્ડના બહાને રૂ. 3.38 લાખ ટ્રાન્સફર કરી લેવાયા
આ પણ વાંચો: ઓનલાઈન શેર ટ્રેડિંગના નામે 27 લાખની ઠગાઈ, સુરત સાયબર ક્રાઈમે અમદાવાદમાંથી બેને ઝડપ્યા
