Vadodara News/ યુસુફ પઠાણના પ્લોટ પર મંજૂરીની મહોર લાગે તે પહેલા વડોદરા મનપા ખાતે વિરોધ, પઠાણી વેશમાં કોર્પોરેટર પહોંચતા ચર્ચા

વડોદરામાં યુસુફ પઠાણ(Yusuf Pathan)ને 978 ચો.મી.નો પ્લોટ અપાતો હોવાના આક્ષેપ સાથે સામાન્ય સભા પહેલા મનપા ખાતે કોંગ્રેસનો વિરોધ, કાર્યકર્તાઓની ટીંગાટોળી, કુલ રૂ.15 કરોડના ફાયદાનો આક્ષેપ

Gujarat Vadodara Breaking News
Yusuf Pathan

Vadodara News: વડોદરામાં કરોડો રૂપિયાની કિંમતનો પ્લોટ નિયમોની અવગણના કરીને પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણ(Yusuf Pathan)ને અપાઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ વિરોધમાં ઉતરી છે.

વડોદરા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પ્લોટ ફાળવણીને મંજૂરી અપાયા બાદ આજે સામાન્ય સભામાં મંજૂરી આપવાની તૈયારીઓ છે. તે પહેલાં જ કોંગ્રેસ કાર્યકર્તાઓ વડોદરા મનપા પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. મનપામાં પ્રવેશવાનો પ્રયાસ કરતા કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરી હતી, જ્યારે એક કોંગ્રેસ (Congress)કોર્પોરેટર પઠાણી વેશમાં પહોંચ્યા હતા.

કોંગ્રેસનો આક્ષેપ: માપદંડો બદલાયા

એક સમયે યુસુફ પઠાણ ભાજપ સામે હતા ત્યારે વડોદરા મહાનગરપાલિકા(Vadodara Municipal Corporation)એ પ્લોટ ખાલી કરવા નોટિસ આપી હતી અને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવાની તૈયારી હતી. જોકે, યુસુફ પઠાણ NDAના સમર્થનમાં આવતા જ માપદંડો બદલાઈ ગયા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.

Yusuf Pathanને કેટલો ફાયદો?

નવી દરખાસ્ત મુજબ 978 ચોરસ મીટરના પ્લોટની ફાળવણી બે ભાગમાં કરવામાં આવશે. તેમાંથી 500 ચોરસ મીટર જમીન રહેણાંક ઉપયોગ માટે યુસુફ પઠાણને ભેટ સ્વરૂપે અપાશે, જેની અંદાજિત કિંમત 10.50 કરોડ રૂપિયા છે. બાકીની 478 ચોરસ મીટર જમીન નિર્ધારિત મૂલ્યાંકનના 55 ટકા રાહત દરે ટ્રાન્સફર કરાશે, એટલે કે પ્રતિ ચો.મી. રૂ.2.10 લાખના ભાવની જમીન રૂ.1,15,500ના ભાવે અપાશે. તેમાં ચો.મી.દીઠ રૂ.94,500નું સીધું ડિસ્કાઉન્ટ મળશે.

આ રીતે જમીન પેટે રૂ.10 કરોડ 3 લાખ 80 હજારના બદલે રૂ.5.52 કરોડ ચૂકવવા પડશે, જેનાથી રૂ.4.48 કરોડનો સીધો ફાયદો થશે. તેમાં 500 મીટર રહેણાંક જમીનના રૂ.10.50 કરોડ ઉમેરતા કુલ રૂ.15 કરોડનો ફાયદો થશે.

2014માં રાજ્ય સરકારે દરખાસ્ત નામંજૂર કરી હતી

યુસુફ પઠાણે વર્ષ 2012માં પોતાના મકાનને અડીને આવેલો આ પ્લોટ ખરીદવા માટે મનપા સમક્ષ માંગણી કરી હતી. તે સમયે કોર્પોરેશનની સામાન્ય સભાએ જમીન ફાળવવા માટે સકારાત્મક વલણ દાખવ્યું હતું. પરંતુ વર્ષ 2014માં ગુજરાત સરકારે કાયદાકીય અને નીતિવિષયક કારણોસર આ દરખાસ્ત નામંજૂર કરી હતી.

જમીન વિવાદમાં ક્યારે શું થયું?

3 માર્ચ, 2012: યુસુફ પઠાણે મ્યુ. કમિશનરને પત્ર લખી પોતાના બંગલાની બાજુના 978 ચો.મી.ના પ્લોટની ફાળવણીની માગ કરી હતી. 30 માર્ચ અને 8 જૂન, 2012ના રોજ સભામાં દરખાસ્ત આગળ વધારાઈ હતી. જાહેર હરાજી વિના 99 વર્ષના ભાડાપટે ફાળવણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
9 જૂન, 2014: રાજ્ય સરકારે (State Government)જાહેર હરાજી વિના પ્લોટની ફાળવણીની દરખાસ્તને મંજૂરી આપી ન હતી.
6 જૂન, 2024: પાલિકાએ દરખાસ્ત નામંજૂર થયાનો ઉલ્લેખ કરી કથિત દબાણ દૂર કરવા તાત્કાલિક કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. પઠાણે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. 21 ઑગસ્ટ, 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court)તેમની અરજી ફગાવી દીધી હતી.
4 ફેબ્રુઆરી, 2026: સિંગલ જજના ચુકાદા સામે પઠાણે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ કરી હતી. 8 જૂન, 2026ના રોજ હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે જમીનની કાયદેસર ફાળવણી ન થઈ હોય અને રકમ ચૂકવાઈ ન હોય તો સરકારી જમીન પર કબજો કેવી રીતે મેળવ્યો? કોર્ટે પાલિકાના અધિકારીઓની ભૂમિકા અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા.
15 જૂન, 2026: પઠાણના વકીલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને જમીન ફાળવણી અંગેની રાજ્ય સરકારની નીતિનો આધાર લઈ રજૂઆત કરવા સમય માગ્યો હતો.
18 જૂન, 2026: પાલિકાએ શહેરના 7 પ્લોટની હરાજીની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મૂકી હતી, જેમાં તાંદલજાનો 978 ચો.મી.નો પ્લોટ પણ સામેલ હતો. અપસેટ વેલ્યૂ પ્રતિ ચો.મી. રૂ.2.10 લાખ દર્શાવાઈ હતી, જે મુજબ કુલ કિંમત આશરે રૂ.20.53 કરોડ થતી હતી.
31 ઑગસ્ટ, 2026: કેસનો સૌથી મહત્ત્વનો વળાંક આવ્યો, જેમાં યુસુફ પઠાણે હાઈકોર્ટમાં કરેલી અપીલ પાછી ખેંચી લીધી હતી.


આ પણ વાંચો: યુસુફ પઠાણને સરકારી જમીન આપવાના નિર્ણય પર વિવાદ: અમિત ચાવડાએ ભાજપ સરકાર પર લગાવ્યા બેવડા ધોરણોના આરોપ

આ પણ વાંચો: વડોદરામાં યુસુફ પઠાણને પ્લોટ આપવાની દરખાસ્ત મંજૂર, કોંગ્રેસનો વિરોધ; ₹20.53 કરોડની જમીન પર વિવાદ

આ પણ વાંચો: યુસુફ પઠાણે ગુજરાત હાઈકોર્ટમાંથી અપીલ કેમ પાછી ખેંચી? વડોદરા જમીન વિવાદમાં આવ્યો મોટો વળાંક