Ahmedabad News: પૂર્વ ક્રિકેટર અને લોકસભા સાંસદ યુસુફ પઠાણે વડોદરા જમીન વિવાદ (Yusuf Pathan Land Dispute) મામલે ગુજરાત હાઈકોર્ટમાંથી પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા નોટિસ આપવામાં આવ્યા બાદ યુસુફ પઠાણ પોતે હાઈકોર્ટ પહોંચ્યા હતા. સિંગલ જજની સુનાવણી બાદ તેમને સરકારી જમીન પર ‘અતિક્રમણકારી’ ગણાવ્યા હતા. સાથે જ જજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્લોટ ખાલી કરાવવાનો આદેશ આપ્યો હતો. સિંગલ જજના આ આદેશને યુસુફ પઠાણે ડિવિઝન બેન્ચમાં પડકાર્યો હતો. જોકે, હવે તેમણે પોતાની અપીલ પાછી ખેંચી લીધી છે.
શું છે સમગ્ર મામલો?
પશ્ચિમ બંગાળની બહેરામપુર લોકસભા બેઠક પરથી TMCની ટિકિટ પર ચૂંટણી જીતીને સંસદ પહોંચેલા પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે સરકારી જમીન કબજાના મામલે પોતાની અરજી પાછી ખેંચી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જમીન ખાલી (Vadodara Land Dispute) કરવા માટે નોટિસ આપવામાં આવ્યા બાદ યુસુફ પઠાણે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. હાઈકોર્ટે અગાઉ યુસુફ પઠાણને સરકારી જમીનના કબજાના મામલે ‘અતિક્રમણકારી’ ગણાવ્યા હતા.
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે સોમવારે, એટલે કે 31 ઓગસ્ટે, ગુજરાત હાઈકોર્ટમાંથી સિંગલ જજના ઓગસ્ટ 2025ના આદેશ સામે દાખલ કરેલી પોતાની અપીલ પાછી ખેંચી લીધી હતી. મળતી માહિતી મુજબ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના એક પ્લોટ પર યુસુફ પઠાણનો કબજો છે. આ મામલો ભાજપના કોર્પોરેટર નીતિન ડોંગાએ ઉઠાવ્યો હતો. ત્યારબાદ કોર્પોરેશન દ્વારા નોટિસ જારી કરવામાં આવી હતી. જોકે, બાદમાં તેઓ TMCથી બળવો કરીને ભાજપમાં જોડાયા બાદ આ મામલે ભાજપના કોર્પોરેટર શાંત થઈ ગયા હતા.
Yusuf Pathan Land Dispute: કોર્ટમાં શું થયું?
લાઇવ લૉના અહેવાલ અનુસાર, સોમવારે ગુજરાત હાઈકોર્ટમાં યુસુફ પઠાણની અરજી પર સુનાવણી થઈ હતી. યુસુફ પઠાણ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ શાલીન મહેતાએ મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ડિવિઝન બેન્ચ સમક્ષ જણાવ્યું હતું કે અમે વારંવાર સમયની માંગણી કરી હતી, કારણ કે અમે કોર્પોરેશનના જવાબની રાહ જોઈ રહ્યા હતા. જોકે, અમને કોઈ જવાબ મળ્યો નથી. યુસુફ પઠાણના વકીલે એક સર્ક્યુલરનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટરને જમીન આપવાની વાત કરવામાં આવી છે.
આ પછી કોર્ટે (Gujarat High Court) યુસુફ પઠાણના વકીલને તેમની અપીલ પાછી ખેંચવા માટે સૂચના આપી હતી. ત્યારબાદ પઠાણે પોતાની અપીલ પાછી ખેંચી લીધી હતી. આ સમગ્ર ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને યુસુફ પઠાણના કબજાવાળા પ્લોટને હરાજી માટે મૂકવાનો નિર્ણય કર્યો હતો. જોકે, કોંગ્રેસના વિરોધ બાદ VMCએ આ પ્રસ્તાવ પાછો ખેંચવો પડ્યો હતો. કોંગ્રેસની માંગ હતી કે પહેલાં પ્લોટને કબજામુક્ત કરાવવામાં આવે અને ત્યારબાદ તેની ઓપન બિડ કરવામાં આવે, જેથી VMCને વધુ ઊંચી બોલી મળી શકે.
સિંગલ જજના આદેશને આપી હતી પડકાર
યુસુફ પઠાણે સિંગલ જજ સમક્ષ રાજ્ય સરકારના 6 જૂન, 2024ના નોટિસ/આદેશને પડકાર્યો હતો. આ આદેશમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના એ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો હતો, જેમાં યુસુફ પઠાણના પક્ષમાં 978 ચોરસ મીટરનો પ્લોટ કોઈ જાહેર હરાજી વિના 99 વર્ષ માટે લીઝ પર ફાળવવાનો પ્રસ્તાવ હતો. હાઈકોર્ટે VMCને આ પ્લોટ પરથી શક્ય તેટલી વહેલી તકે કબજો હટાવવા માટે જરૂરી પગલાં ભરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
હાઈકોર્ટે કરી હતી આકરી ટિપ્પણી
યુસુફ પઠાણ પર આરોપ છે કે કોઈ સત્તાવાર ફાળવણીનો આદેશ જારી થયા વિના તેમણે પ્લોટ પર કબજો જાળવી રાખ્યો હતો. પઠાણ પાસે આ પ્લોટ 2012થી હોવાનું જણાવવામાં આવ્યું છે. સિંગલ જજે પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે સેલિબ્રિટીઓ સમાજમાં રોલ મોડલ હોય છે. તેમની પ્રસિદ્ધિ અને જાહેર હાજરીને કારણે તેઓ લોકોના વર્તન પર નોંધપાત્ર અસર કરી શકે છે. તેથી કાયદાનું પાલન ન કરવા છતાં સેલિબ્રિટીઓને કોઈ પ્રકારની છૂટ કે નરમ વલણ આપવાથી સમાજમાં ખોટો સંદેશ જાય છે.
હવે યુસુફ પઠાણે સિંગલ જજના આદેશ સામેની પોતાની અપીલ પાછી ખેંચી લીધી છે અને તેના પગલે અપીલને પાછી ખેંચાયેલી માનીને ફગાવી દેવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નોટિસ બાદ યુસુફ પઠાણ પોતે જ આ મામલે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા.
આ પણ વાંચો: રાજકોટમાં આજથી ચા મોંઘી, અડધી ₹15 અને આખી ચા ₹30; ખાંડના ભાવ વધતા ભાવવધારો
આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં વરસાદની અછત વચ્ચે કોંગ્રેસનો અનોખો વિરોધ, 50 સ્થળે ખેતરમાં યજ્ઞ; દુષ્કાળ જાહેર કરવાની માંગ
આ પણ વાંચો: ધ્રાંગધ્રાના ખાંભડા ગામે કૂવામાંથી અજાણ્યો મૃતદેહ મળ્યો
