Gujarat News: સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે. વરસાદની અછત વચ્ચે હવે સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત (Saurashtra Drought) જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે સરકાર સામે વિરોધ શરૂ કર્યો છે. દ્વારકા સહિત ચાર જિલ્લામાં કોંગ્રેસના કાર્યકરોએ ખેતરોમાં યજ્ઞ યોજીને સરકાર અને તંત્રને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરી હતી.
50 સ્થળોએ એકસાથે યજ્ઞ યોજાયો
કોંગ્રેસના કાર્યકરો દ્વારા એક સાથે આશરે 50 સ્થળોએ ખેતરોમાં યજ્ઞ યોજવામાં આવ્યો હતો. વરસાદના અભાવે ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓ તરફ સરકારનું ધ્યાન દોરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે લાંબા સમયથી વરસાદ ન પડતાં ખેતરોમાં ઉભા પાકને અસર થઈ રહી છે અને ખેડૂતોની ચિંતા વધી રહી છે.
કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં (Gujarat Rainfall) છેલ્લા આશરે છ અઠવાડિયાથી નોંધપાત્ર વરસાદ થયો નથી. જેના કારણે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં વરસાદની અછતના આંકડા રજૂ કરીને કોંગ્રેસે સરકાર સમક્ષ તાત્કાલિક રાહતની માગ કરી છે.

કોંગ્રેસના જણાવ્યા અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની 94 ટકા ઘટ નોંધાઈ છે. પોરબંદરમાં પણ આશરે 83 ટકા વરસાદની ઘટ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જામનગર અને કચ્છમાં આશરે 29 ટકા વરસાદની ઘટ હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. વરસાદની આ સ્થિતિને ધ્યાનમાં લઈને અસરગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરવામાં આવી છે.

Saurashtra Drought: ખેડૂતો માટે રાહત પેકેજની માગ
કોંગ્રેસે સરકાર સમક્ષ ખેડૂતો અને ખેતમજૂરોને રાહત આપવા માટે વિવિધ માગણીઓ કરી છે. જેમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘાસચારા વિતરણ કેન્દ્રો શરૂ કરવા અને ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવાની માગ મુખ્ય છે. આ ઉપરાંત પાણીની અછત દૂર કરવા માટે સૌની યોજના મારફતે ડેમો ભરવાની પણ માંગ કરવામાં આવી છે. વરસાદની અછતને કારણે ખેતી પર નિર્ભર પરિવારોની આવક પર અસર થવાની ચિંતા વ્યક્ત કરતા કોંગ્રેસે ખેડૂતો અને ખેતમજૂરો માટે તાત્કાલિક રાહતકામો શરૂ કરવાની માગ કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે માત્ર વરસાદની રાહ જોવાને બદલે સરકાર અને વહીવટી તંત્રએ સ્થિતિનું મૂલ્યાંકન કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક પગલાં ભરવા જોઈએ.

સરકાર પાસે તાત્કાલિક નિર્ણયની માંગ
ખેતરમાં યજ્ઞ કરીને કોંગ્રેસે સરકારનું ધ્યાન સૌરાષ્ટ્રની વરસાદી સ્થિતિ તરફ દોરવાનો પ્રયાસ કર્યો છે. હવે સરકાર દ્વારા વરસાદની અછત અંગે શું નિર્ણય લેવામાં આવે છે અને ખેડૂતો માટે કઈ રાહત જાહેર કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો: ગુજરાતમાં હળવા વરસાદની આગાહી વચ્ચે દુષ્કાળ જાહેર કરવાની માગ તેજ, ઉત્તર ગુજરાત માટે CMને પત્ર
આ પણ વાંચો: ધોરણ-8ના 13 વર્ષીય વિદ્યાર્થીનું આપઘાતથી મોત, માતાની ટોક બાદ ભર્યું અંતિમ પગલું
આ પણ વાંચો: કેસ પરત લેવા યુવતીને જાનથી મારી નાખવાની ધમકી, આપઘાતનો પ્રયાસ; આરોપીના ભાઈ સામે ફરિયાદ
