Gujarat Weather/ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી વચ્ચે દુષ્કાળ જાહેર કરવાની માગ તેજ, ઉત્તર ગુજરાત માટે CMને પત્ર

Gujarat Weather: ગુજરાતમાં હળવા વરસાદની આગાહી વચ્ચે વરસાદની અછતથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. સાબરકાંઠા અને અરવલ્લીને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ તેજ બની છે.

Top Stories Gujarat
Gujarat Weather

Gujarat Weather Update: ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં હળવો વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. ભેજનું પ્રમાણ વધતાં રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ યથાવત રહી શકે છે. આ દરમિયાન પવન 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા છે.

સાબરકાંઠા અને અરવલ્લીને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ

બીજી તરફ, રાજ્યમાં વરસાદની અછતને પગલે સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ ઉઠી છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં નહિવત વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણીની અછતની સ્થિતિ સર્જાઈ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

આ મુદ્દે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાએ મુખ્યમંત્રીને પત્ર લખી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરી છે. અગાઉ સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી અને જૂનાગઢ સહિતના વિસ્તારોને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરવામાં આવી હતી.

ખેડૂતો માટે વિશેષ આર્થિક પેકેજની માગ

વરસાદના અભાવે ખરીફ પાકને મોટું નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ખેડૂતોને રાહત આપવા માટે તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે કરાવી વિશેષ આર્થિક સહાય પેકેજ જાહેર કરવાની માગ કરવામાં આવી છે.

સાથે જ ખેડૂતોની ચાલુ વર્ષની કૃષિ લોનનું વ્યાજ માફ કરવા અને લોનની વસૂલાત મુલતવી રાખવાની રજૂઆત કરવામાં આવી છે.

પશુધન માટે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરવા માગ

દુષ્કાળની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય વિસ્તારોમાં પશુધનને બચાવવા માટે વિના મૂલ્યે ઘાસચારા ડેપો તાત્કાલિક શરૂ કરવાની માગ પણ કરવામાં આવી છે. ભૂગર્ભ જળસ્તર ઊંડું જતાં સર્જાયેલી પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે જરૂરિયાતવાળા વિસ્તારોમાં ટેન્કરો મારફતે પીવાનું પાણી પૂરું પાડવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

સ્થળાંતર રોકવા મનરેગા હેઠળ રોજગારીની માગ

વરસાદની અછતના કારણે ખેડૂતો અને સ્થાનિક મજૂરોનું સ્થળાંતર ન થાય તે માટે મનરેગા યોજના હેઠળ મોટા પાયે રોજગારીના કામો શરૂ કરવાની માગ કરવામાં આવી છે. સ્થાનિક સ્તરે લોકોને રોજગારી મળે તે માટે સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.

સૌરાષ્ટ્રમાં પણ દુષ્કાળ જાહેર કરવાની માગ

થોડા દિવસો પહેલાં સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી અને જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં વરસાદના અભાવે દુષ્કાળ જાહેર કરવાની માગ કરવામાં આવી હતી. રજૂઆતમાં દાવો કરવામાં આવ્યો હતો કે અનેક વિસ્તારોમાં માત્ર 25 ટકા જેટલો પાક જ બચ્યો છે અને ખેડૂતોને સિંચાઈ માટે સૌની યોજનાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં મળતું નથી.

ખેડૂતોને આર્થિક રીતે સહારો આપવા માટે પાક નુકસાનીના આધારે હેક્ટર દીઠ ઓછામાં ઓછું રૂ. 50 હજારનું વળતર આપવાની પણ માગ કરવામાં આવી છે.


આ પણ વાંચો: વરસાદ બંધ થયાને મહિનો થયો, છતાં 500 એકર ખેતરોમાં પાણી! લુવારાના ખેડૂતોની મુશ્કેલી વધી

આ પણ વાંચો: ચોમાસું વિદાય તરફ, છતાં ગુજરાતમાં વરસાદની ઘટ; સપ્ટેમ્બર પર સૌની નજર

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદ ખેંચાતા ચિંતા વધી, ગરમી-ઉકળાટ યથાવત; 4 દિવસમાં વીજ માંગ 3259 મેગાવોટ વધી