Bharuch News: ભરૂચ તાલુકાના લુવારા ગામની સીમમાં વરસાદી પાણીના નિકાલની (Luvara Waterlogging) યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. વરસાદ બંધ થયાને એક મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં 500 એકરથી વધુ ઉપજાઉ જમીનમાં હજુ પણ પાણી ભરાયેલું છે. પાણી ભરાયેલા હોવાથી ખેડૂતો ચાલુ સિઝનની વાવણી અને ખેતીકામ કરી શક્યા નથી.
આસપાસના ગામોનું પાણી લુવારાની સીમમાં ભરાય છે
સ્થાનિક ખેડૂતના જણાવ્યા મુજબ, કવિથા, ઓસારા અને હલદરવા સહિતના આસપાસના ગામોમાંથી આવતું વરસાદી પાણી લુવારા ગામની સીમમાં (Luvara Water Problem) એકત્રિત થાય છે. અગાઉ ગુરુદ્વારાથી લુવારા નાળા સુધી પાણીના નિકાલ માટે કુદરતી ગટર વ્યવસ્થા હતી.
Luvara Waterlogging: બ્રિજની કામગીરી બાદ પાણીનો નિકાલ અટક્યો
ખેડૂતોનો આક્ષેપ છે કે હાઇવે પર બ્રિજ બનાવવાની કામગીરી દરમિયાન જૂની ગટર પુરાઈ દેવામાં આવી હતી. ત્યારબાદ હાઇવે ઓથોરિટી દ્વારા નવી ગટર બનાવવામાં આવી, પરંતુ તે ખેતરના લેવલ કરતાં આશરે ત્રણ ફૂટ ઊંચી હોવાથી ખેતરોમાંથી પાણી બહાર નીકળી શકતું નથી.
અધિકારીઓની મુલાકાત બાદ પણ કામગીરી નહીં
આ સમસ્યા અંગે આશરે એક મહિના પહેલાં એસડીએમ, મામલતદાર સહિતના અધિકારીઓ અને ભાજપના આગેવાનોએ સ્થળની મુલાકાત લીધી હતી. તે સમયે આગામી 10 દિવસમાં ગટર ખોદીને પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે, 30 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ખેડૂતોની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
વાવણી અટકી, બે સિઝનના પાકનું જોખમ
ખેતરોમાં સતત પાણી ભરાયેલા રહેવાના કારણે ખેડૂતો ખેતીકામ (Farmers Problem) અને વાવણી કરી શક્યા નથી. જો સમયસર પાણીનો નિકાલ નહીં થાય તો આગામી સિઝનમાં પણ ખેતી કરવી મુશ્કેલ બની શકે છે. ખેડૂતોને બે સિઝનના પાકથી વંચિત રહેવાની ભીતિ છે, જેના કારણે મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા છે. ખેડૂતોએ હાઇવે ઓથોરિટી અને વહીવટી તંત્ર સમક્ષ જૂની ગટર વ્યવસ્થાને ઊંડી કરી ફરીથી ખુલ્લી કરવા તથા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે તાત્કાલિક કામગીરી કરવામાં નહીં આવે તો નુકસાન વધુ ગંભીર બની શકે છે.
આ પણ વાંચો: રમવા નીકળેલી 3 બહેનો ક્યારેય ઘરે ન ફરી! તળાવ કિનારે મળી કાગળની હોડીઓ, પાણીમાંથી મળી લાશ
આ પણ વાંચો: દીપડાએ કર્યું વાછરડાનું મારણ, ખેડૂતે ઢારિયાનો દરવાજો બંધ કરી બચાવ્યો મોટો ખતરો
આ પણ વાંચો: ગાંધીનગરમાં ઉબેર ચાલકની બેદરકારીથી માતાની નજર સામે માસૂમનું મોત
