Gandhinagar News/ ગાંધીનગરમાં ઉબેર ચાલકની બેદરકારીથી માતાની નજર સામે માસૂમનું મોત

ગાંધીનગરના સેક્ટર-5/બીમાં 30 ઓગસ્ટની સાંજે હૃદયદ્રાવક અકસ્માત (Gandhinagar Accident) સર્જાયો હતો

Gujarat Gandhinagar
ગાંધીનગરના સેક્ટર-5/બીમાં 30 ઓગસ્ટની સાંજે હૃદયદ્રાવક અકસ્માત (Gandhinagar Accident) સર્જાયો હતો

Gandhinagar News : ગાંધીનગરના સેક્ટર-5/બીમાં 30 ઓગસ્ટની સાંજે હૃદયદ્રાવક અકસ્માત (Gandhinagar Accident) સર્જાયો હતો. અમદાવાદથી ગાંધીનગર પરત આવેલા પરિવારના 1 વર્ષ અને 9 માસના માસૂમ પુત્ર અરહાનને ઉબેર કારે અડફેટે લેતાં ગંભીર ઈજાઓ થઈ હતી. સારવાર દરમિયાન બાળકનું મોત (Child Death)થતાં અજમેરી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અમદાવાદથી ઘરે પહોંચ્યા બાદ બની કરૂણ ઘટના

સેક્ટર-5/બી, પ્લોટ નંબર 618/1 ખાતે રહેતા એઝાઝ અનવરભાઈ અજમેરી મકાન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની પત્ની મેહજબીન પોતાની 8 વર્ષની પુત્રી ઈનાયા અને 1 વર્ષ 9 માસના પુત્ર અરહાન સાથે અમદાવાદના જુહાપુરા સ્થિત પિયરેથી ગાંધીનગર પરત આવી રહ્યાં હતાં.

તેમની બહેને અમદાવાદથી ગાંધીનગર આવવા માટે ઉબેર કેબ (Uber Cab) બુક કરી આપી હતી. મારુતિ સુઝુકી કાર નંબર GJ 27 TF 9254 સાંજે આશરે પોણા પાંચ વાગ્યે પરિવારના ઘર આંગણે પહોંચી હતી.

સામાન ઉતારતી માતાની નજર સામે પુત્રને કચડ્યો

ઘરે પહોંચ્યા બાદ મેહજબીનબેને સૌપ્રથમ નાના પુત્ર અરહાનને કારમાંથી નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ તેઓ પોતાની 8 વર્ષની પુત્રી સાથે કારમાંથી સામાન ઉતારી રહ્યાં હતાં.

આ દરમિયાન ડ્રાઈવરે કોઈ પૂરતી તકેદારી રાખ્યા વિના અચાનક કાર આગળ હંકારી હતી. જેના કારણે કારના આગળના ડાબા ભાગે માસૂમ અરહાન અડફેટે આવી ગયો હતો. ઉબેર ચાલક (Uber Driver)ની બેદરકારીથી બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું.

બાળક કારની અડફેટે આવતાં જ માતાએ બૂમાબૂમ કરી હતી. પરિવારના સભ્યો પણ તાત્કાલિક ઘરની બહાર દોડી આવ્યા હતા. આસપાસના લોકોએ કાર રોકવા માટે બૂમો પાડી હોવા છતાં ચાલક કાર લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન માસૂમનું મોત

અકસ્મતમાં અરહાનના માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. માથામાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હોવાથી તેને તાત્કાલિક પડોશી મંથનભાઈની કારમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

હોસ્પિટલના ઈમરજન્સી વૉર્ડમાં તબીબોએ બાળકની સારવાર શરૂ કરી હતી. જોકે, ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન અરહાનનું મોત (Child Death)થયું હતું. માસૂમના મોતના સમાચાર મળતાં પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો.

પિતાએ નોંધાવેલી ફરિયાદમાં ફરાર ચાલક (Uber Driver) સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. સેક્ટર-7 પોલીસે ગુનો નોંધી આરોપી ચાલકને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા કાર અને ચાલક અંગેની વિગતોના આધારે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ ઘટનાએ ઘર આંગણે વાહન ચલાવતી વખતે પણ કેટલી તકેદારી જરૂરી છે તે અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. માત્ર થોડી ક્ષણની બેદરકારીના કારણે એક પરિવારે પોતાનું માસૂમ સંતાન ગુમાવ્યું છે.


આ પણ વાંચો : સગીર પુત્રને કાર આપવી પડી ભારે! અકસ્માત સર્જાતા કાવડ યાત્રીનું મોત, પિતા સામે પણ ગુનો

આ પણ વાંચો : પાટણ સિદ્ધપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત : કારની ટક્કરે યુવકનું મોત

આ પણ વાંચો : અંબાજી પાસે અકસ્માત: કૌશિક જૈન અને મેયર હિતેશ બારોટે 3 યુવાનોની કરી મદદ