Gandhinagar News: ગાંધીનગરમાં સગીર પુત્રને કાર ચલાવવા દેતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ચરેડી ચોકડી નજીક કાવડ યાત્રામાં જોડાયેલા એક યુવકને કારની (Minor Driving Car Accident) ટક્કરથી મોત થયાના કેસમાં તપાસ દરમિયાન કાર ચલાવનાર 15 વર્ષનો સગીર હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ સગીર કાર સાથે સ્થળ પરથી નીકળી ગયો હતો. સમગ્ર તપાસના અંતે પોલીસે કારના માલિક અને સગીરના પિતા સામે પણ ગુનો નોંધ્યો છે.
કાવડ યાત્રીને પાછળથી કારની ટક્કર
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને કાવડ યાત્રામાં જોડાયેલા 35 વર્ષીય અમિતકુમાર છેદીલાલ સરોજ 16 ઓગસ્ટની રાત્રે માણસા નજીક અમરાપુર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન રાત્રે આશરે 10:15 વાગ્યે ગાંધીનગરના ચરેડી ચોકડી નજીક (Charedi Chowk Accident) પેથાપુર તરફ જતા માર્ગ પર પાછળથી પૂરઝડપે આવેલી કારે તેમને ટક્કર મારી હતી.
Minor Driving Car Accident: સારવાર મળે તે પહેલાં જ મોત
અકસ્મતમાં અમિતકુમારને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ કારચાલક વાહન લઈને ત્યાંથી નીકળી ગયો હતો. ઘટનાની જાણ સાથી કાવડ યાત્રી સંતોષએ અમિતકુમારના ભાઈ મેવાલાલ સરોજને કરી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર (Kavadiya Death) કર્યા હતા.
ઘટના અંગે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા અકસ્માત સ્થળનું પંચનામું કરી આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. ચ-7 અને ચ-6 સર્કલના CCTV કેમેરામાં એક શંકાસ્પદ કિયા કાર જોવા મળી હતી. કારના આગળના ભાગે પણ નુકસાન થયેલું જણાયું હતું.
કારના નંબરથી માલિક સુધી પહોંચી પોલીસ
CCTV ફૂટેજના આધારે પોલીસે કારનો નંબર મેળવ્યો હતો. તપાસમાં આ કાર સેક્ટર-21 વિસ્તારમાં રહેતા દિનેશ ચૌધરીના નામે હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા કાર માલિકને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. તેઓ પોતાના સગીર પુત્ર સાથે પોલીસ સમક્ષ હાજર થયા હતા.
લાઈસન્સ વગર સગીર કાર લઈને નીકળ્યો
પોલીસની પૂછપરછ (Gandhinagar Police) દરમિયાન સગીરે જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે 16 ઓગસ્ટની રાત્રે તેના પિતા ઘરે કારની ચાવી મૂકીને ગયા હતા. ત્યારબાદ તે પોતાના મિત્રો સાથે કાર લઈને પેથાપુર તરફ નીકળ્યો હતો. તેની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ ન હોવા છતાં તેણે કાર ચલાવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસ તપાસ મુજબ, ચરેડી ચોકડી નજીક રાહદારી સાથે અકસ્માત સર્જાયા બાદ સગીર ગભરાઈ ગયો હતો અને કાર લઈને ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ CCTV ફૂટેજ અને અન્ય તપાસના આધારે પોલીસે અકસ્માત સર્જનાર કાર સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.
કાર માલિક પિતા સામે પણ કાર્યવાહી
પોલીસના જણાવ્યા મુજબ, કારની ચાવી એવી રીતે ઘરમાં મૂકવામાં આવી હતી કે સગીર પુત્ર લાઈસન્સ વિના કાર લઈને બહાર નીકળી શકે. આ બેદરકારીના આધારે પોલીસે કારના માલિક દિનેશ ચૌધરી સામે ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઘટના સગીર વયના બાળકોને વાહન ચલાવવા આપતા વાલીઓ માટે ગંભીર ચેતવણી સમાન બની છે. માત્ર એક બેદરકારીભર્યા નિર્ણયના કારણે એક કાવડ યાત્રીનું જીવન ગુમાવવું પડ્યું અને હવે કાર માલિક પિતાને પણ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: લો બોલો.. પાંચ વર્ષમાં જ પુલ તોડવાની નોબત આવી, સુરતના માંગરોળમાં પૂલે ખોલી “વિકાસ”ની પોલ?
આ પણ વાંચો: અમરેલીમાં સગીરાને ધમકી આપી દુષ્કર્મનો આરોપ, અંગત ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી
આ પણ વાંચો: ભરૂચના અંકલેશ્વરમાં નવજાત બાળકીનો મૃતદેહ મળતા ચકચાર, નર્મદા કિનારે મૃતદેહ મળતા પોલીસે શરૂ કરી તપાસ
