અયોધ્યા,
૨૦૧૯માં યોજાનારી ચુંટણી પહેલા વર્ષોથી લંબિત રહેલા રામ મંદિરના નિર્માણ મુદ્દે હવે સિયાસી પારો ખુબ આગળ વધ્યો છે. આ વિવાદને લઈ સામે નેતાઓ – મહંતો કે સંગઠનના આગેવાનો દ્વારા કરવામાં આવી રહેલી નિવેદનબાજી વચ્ચે RSS ચીફની વધુ એક પ્રતિક્રિયા સામે આવી છે.
મોહન ભાગવતે રામ મંદિર અંગે જણાવતા કહ્યું, ” ભારત એક લોકશાહી દેશ છે અને આ જ કારણે રામ મંદિરના નિર્માણની માંગ કરવામાં આવી રહી છે”.

નાગપુરમાં RSS ચીફે જણાવ્યું હતું કે, “આ અંગે કોર્ટનો નિર્ણય જલ્દી મળી જવો જોઈએ. સત્ય અને ન્યાયએ ટાળતા રહેવું એ યોગ્ય નથી. લાગે છે કે કોર્ટની પ્રાથમિકતા રામ મંદિર છે જ નહિ”.
તેઓએ વધુમાં કહ્યું, સમાજ માત્ર કાયદાથી ચાલતો નથી, પરંતુ ન્યાયમાં વિલંબ પણ અન્યાયની બરાબર જ હોય છે”. સંસદમાં રામ મંદિરને લઈ કાયદો બનાવવા અંગે ભાગવતે કહ્યું, “સંસદમાં ઝડપથી આ મુદ્દે કાયદો બનાવવામાં આવે”.
અયોધ્યામાં કરાયું ધર્મસભાનું આયોજન

જો કે મોહન ભાગવતનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જયારે રામનગરી અયોધ્યામાં વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યામાં આયોજિત કરવામાં આવેલી આ સભામાં અંદાજે ૨ લાખ લોકો પહોચ્યા છે.
આ ધર્મસભાને સંબોધિત કરતા VHPના આંતરરાષ્ટ્રીય સચિવ ચમ્પ્ત રાયે કહ્યું હતું કે, “રામ મંદિરના નિર્માણ માટે અમારે આ પૂરી જગ્યા જોઈએ છે અને આ જમીનના ભાગલાનો કોઈ પણ ફોર્મુલા મંજૂર કરવામાં આવશે નહી”.
તેઓએ વધુમાં કહ્યું, “સુન્ની વકફ બોર્ડે આ વિવાદિત જમીનની માલિકીનો હક પાછો લઈ લેવો જોઈએ”. સાથે સાથે VHPના આંતરરાષ્ટ્રીય સચિવે ઉમેર્યું હતું કે, વિશ્વ હિંદુ પરિષદ આ જમીન પર નમાજ પઢવા દેશે નહિ”.
