Kutch News: કચ્છ જિલ્લાના પ્રાગપર પોલીસ મથકે વર્ષ 2023માં નોંધાયેલા સામાજિક કાર્યકર હત્યા કેસ (Kutch Social Worker Murder Case)માં ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. અગાઉ વર્ષ 2024માં આપવામાં આવેલા જામીનનો ફરીથી વિચાર કર્યા બાદ કોર્ટે આરોપીની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. જોકે, આરોપીને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની તક મળે તે માટે આ આદેશના અમલ પર બે અઠવાડિયાનો સ્ટે પણ આપવામાં આવ્યો છે.
Supreme Court ના નિર્દેશ બાદ ફરી થઈ સુનાવણી
આ કેસ (Kutch Social Worker Murder Case)માં હાઈકોર્ટે (Gujarat High Court) 12 ઓગસ્ટ, 2024ના રોજ એક આરોપીને જામીન આપ્યા હતા. ત્યારબાદ ગુજરાત સરકારે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટ (Supreme Court )માં પડકાર્યો હતો.15 મે, 2026ના રોજ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને તમામ પુરાવા, ત્યારબાદના ઘટનાક્રમ અને બંને પક્ષોની દલીલોને ધ્યાનમાં રાખીને જામીન અરજી પર નવેસરથી નિર્ણય લેવા સૂચના આપી હતી.
ગેરકાયદે રેતી ખનનનો વિરોધ બન્યો દુશ્મનીનું કારણ
કેસની તપાસ મુજબ, મૃતક સામાજિક કાર્યકર લાંબા સમયથી ભૂખી નદી વિસ્તારમાં ચાલતા ગેરકાયદે રેતી ખનનનો વિરોધ કરી રહ્યા હતા. તેમની ફરિયાદોના આધારે ખાણ અને ખનિજ વિભાગે સંબંધિત લીઝધારકો સામે આશરે ₹85 લાખનો દંડ ફટકાર્યો હતો તેમજ રોયલ્ટી બ્લોક કરવામાં આવી હતી.તપાસમાં સામે આવ્યું છે કે આ કાર્યવાહીથી આરોપીઓને આર્થિક નુકસાન થયું હતું, જેના કારણે મૃતક સાથે દુશ્મનાવટ વધી હતી.
Kutch Social Worker Murder Case: રાજકીય વિવાદ બાદ હત્યાનું કથિત ષડયંત્ર
કેસમાં એવો પણ આરોપ છે કે રાજકીય મતભેદોને કારણે એક આરોપીની પુત્રીને સરપંચ પદેથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ત્યારબાદ મૃતકને નિશાન બનાવવાનું કથિત ષડયંત્ર રચાયું.તપાસ અનુસાર, 28 ઓક્ટોબર, 2023ના રોજ મંદિર દર્શન માટે નીકળેલા મૃતકની કાર પર JCB વડે ટક્કર મારવામાં આવી હતી. ત્યારબાદ કારમાંથી બહાર પડેલા મૃતક પર લોડરના પૈડાં ફેરવી તેમની હત્યા (Kutch Social Worker Murder Case) કરવામાં આવી હોવાનો આરોપ છે.
આરોપીની ભૂમિકા અંગે કોર્ટે વ્યક્ત કરી ગંભીરતા
કોર્ટ સમક્ષ રજૂ થયેલી દલીલોમાં આરોપી તરફથી પોતે નિર્દોષ હોવાનું અને માત્ર કોલ ડેટા રેકોર્ડના આધારે કેસ બનાવાયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સાથે જ તપાસ પૂર્ણ થઈ ચૂકી હોવાથી જામીન આપવાની માંગ કરવામાં આવી હતી.પરંતુ સરકાર અને ફરિયાદી પક્ષે દલીલ કરી હતી કે આરોપી સમગ્ર ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર છે અને જામીન દરમિયાન પણ ફરિયાદી પક્ષને ધમકાવવા સહિતના નવા કેસ નોંધાયા છે.
હાઈકોર્ટની મહત્વપૂર્ણ નોંધ
હાઈકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે આરોપીની ભૂમિકા અન્ય સહ-આરોપીઓ કરતાં વધુ ગંભીર છે. માત્ર ચાર્જશીટ દાખલ થઈ જવી એ જામીન આપવા માટે પૂરતો આધાર બની શકે નહીં.કોર્ટે નોંધ્યું કે વ્યક્તિગત સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે, પરંતુ સમાજના હિત, સાક્ષીઓની સુરક્ષા અને પુરાવા સાથે ચેડાં થવાની સંભાવનાને પણ સમાન મહત્વ આપવું જરૂરી છે.
બે અઠવાડિયાનો સ્ટે
જામીન અરજી ફગાવ્યા બાદ આરોપી પક્ષે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા સમય માંગ્યો હતો. હાઈકોર્ટે નોંધ્યું કે આરોપી વર્ષ 2024થી જામીન પર બહાર છે, તેથી આદેશના અમલ પર બે અઠવાડિયાનો સ્ટે આપ્યો છે.સાથે જ ટ્રાયલ કોર્ટને કેસની સુનાવણી ઝડપથી પૂર્ણ કરવા પણ સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો:ચ્છમાં ધોળા દિવસે ફાયરિંગ! ભચાઉમાં વોંધ ઓવરબ્રિજ પાસે વૃદ્ધની હત્યા કરી હુમલાખોરો ફરાર
આ પણ વાંચો:કચ્છ ભાજપ નેતા હત્યા કેસમાં નવો વળાંક…..
આ પણ વાંચો:કચ્છના અંજારમાં મહિલા ASIની ગળું દબાવી કરાઈ હત્યા
